'બળાત્કારીઓને ફાંસી આપવા નવો કાયદો લાવીશું, 10 દિવસમાં પીડિતાને મળશે ન્યાય', વિરોધ વચ્ચે મમતાનું એલાન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે બીજેપીના 12 કલાકના 'બંગાળ બંધ'ને

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે બીજેપીના 12 કલાકના 'બંગાળ બંધ'ને રાજ્યને બદનામ કરવાનું કાવતરું ગણાવતા આરોપ લગાવ્યો કે કેન્દ્રમાં શાસક પક્ષ ડૉક્ટરના બળાત્કાર અને હત્યા કેસની તપાસને પાટા પરથી ઉતારવા માંગે છે. પશ્ચિમ બંગાળ મુખ્યમંત્રીએ રેલીમાં જાહેરાત કરી કે, આવતા અઠવાડિયે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવશે અને બળાત્કારીઓને ફાંસીની સજા આપવા માટે વિધાનસભામાં બિલ પસાર કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરી હતી.
મમતા બેનર્જીએ કહ્યું કે, આવતા અઠવાડિયે અમે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીશું અને બળાત્કારીઓને મૃત્યુદંડની સજા સુનિશ્ચિત કરી 10 દિવસમાં પીડિત પરિવારને ન્યાય અપાવવા એક બિલ પસાર કરીશું. અમે આ બિલ રાજ્યપાલને મોકલીશું. જો તેઓ તેને પસાર નહીં કરે તો અમે રાજભવનની બહાર બેસીશું. આ ખરડો પસાર થવો જોઈએ અને તેઓ આ વખતે જવાબદારીમાંથી છટકી નહીં શકે.
આરજી કાર મહિલા ડૉક્ટર બળાત્કાર-હત્યા કેસ પર મમતા બેનર્જીએ કહ્યું, "બળાત્કારીઓ માટે એક જ સજા છે -ફાંસી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો રાજ્ય સરકાર પાસે સત્તા હોત તો અમે 7 દિવસમાં ડોક્ટરની હત્યાના આરોપીઓને ફાંસીની સજા આપી દીધી હોત. મમતા બેનર્જીએ કહ્યું કે, અમે આર જી કર હોસ્પિટલની ઘટનામાં બળાત્કાર-હત્યા કેસના આરોપીઓને ફાંસીની સજા અપાવવા માટે આંદોલન શરૂ કરીશું.
કોલકાતામાં ટીએમસી વિદ્યાર્થી પાંખની એક રેલીમાં બોલતા મમતા બેનર્જીએ કહ્યું, "અમે આ દિવસ આરજી કાર ડોક્ટરને સમર્પિત કર્યો છે. અમને ન્યાય જોઈએ છે, પરંતુ ભાજપને ન્યાય નથી જોઈતો એટલે આજે બંધનું એલાન આપ્યું છે. તેઓ માત્ર પ્રયાસ કરી રહ્યા છે કે બંગાળને બદનામ કરો. આરજી કાર હોસ્પિટલ રેપ-મર્ડર કેસની તપાસને પાટા પરથી ઉતારવાનું કાવતરું કરી રહી છે.
ભાજપ દ્વારા બંગાળ સીએમ મમતા બેનર્જીના રાજીનામા માગ અંગે કહ્યું કે, "અમે આ બંધને સમર્થન આપતા નથી, ભાજપે ક્યારેય યુપી, એમપી અને મણિપુરના સીએમના રાજીનામાની માંગ કરી નથી.અમે ગઈકાલે નબન્ના અભિયાન રેલીના ફોટા જોયા, હું સલામ કરું છું... પરિસ્થિતિને સારી રીતે સંભાળવા બદલ પોલીસનો આભાર."






