Video: ભારતના કોપીરાઈટ વાંધા બાદ લક્ઝરી બ્રાન્ડ Prada ઝૂકી: કોલ્હાપુરી કારીગરો સાથે સમજૂતી કરવા થઈ મજબૂર: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ

નવી દિલ્હી ખાતે આયોજિત 'ફેસ્ટિવલ ઓફ આઈડિયાઝ 2026' કાર્યક્રમને સંબોધિત કરતાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારતીય કળા અને સ્થાનિક કારીગરોના અધિકારોના રક્ષણ અંગે એક રસપ્રદ અને મહત્વપૂર્ણ માહિતી શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતના હસ્તક્ષેપ બાદ આંતરરાષ્ટ્રીય લક્ઝરી ફેશન બ્રાન્ડ પ્રાડા (Prada) ને કોલ્હાપુરી ચંપલ બનાવતા સ્થાનિક કારીગરો સાથે જોડાણ કરવા મજબૂર થવું પડ્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, "અમે અમારી કોપીરાઇટ ઓફિસ મારફતે વાંધો ઉઠાવ્યો હતો અને પ્રાડાને અટકાવી હતી. જેના પગલે પ્રાડાને કોલ્હાપુરી જૂતા અને ચંપલ બનાવતા કારીગરો સાથે વાતચીત કરીને જોડાવું પડ્યું હતું. ત્યારબાદ તેમની વચ્ચે એક એવી સમજૂતી થઈ જે આપણા સ્થાનિક લોકોને આર્થિક અને વ્યાવસાયિક લાભો સુનિશ્ચિત કરે છે."
વધુમાં તેમણે ભારતીય વારસાને વૈશ્વિક સ્તરે લઈ જવાની હિમાયત કરતાં ઉમેર્યું કે, "વિશ્વ મંચ પર આપણી હાજરી હજુ પણ મર્યાદિત છે. જો ભારતીય કળા, સંસ્કૃતિ, હસ્તકળા, હેન્ડલૂમ, આપણો ઇતિહાસ અને પરંપરાઓને વૈશ્વિક સ્તરે વધુ એક્સપોઝર મળશે તો તેનાથી દેશને મોટો ફાયદો થશે. આપણે વધુ બાહ્યલક્ષી (outward-looking) બનીને આપણી કળા અને સંસ્કૃતિને દુનિયાભરમાં લઈ જવી જોઈએ."











