VIDEO: અમિત શાહે સર્જિકલ સ્ટ્રાઈકથી લઈને કલમ 370...,આતંકવાદ સહિતના મુદ્દે રાજ્યસભામાં આપ્યો જવાબ
ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે (21 માર્ચ) રાજ્યસભાને સંબોધિત કરતા દેશની સુરક્ષ

ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે (21 માર્ચ) રાજ્યસભાને સંબોધિત કરતા દેશની સુરક્ષા વિશે ખુલીને વાત કરી. અમિત શાહે કહ્યું કે, દેશમાં આઝાદી પછી જે કામ નહોતા થયા તે છેલ્લા 10 વર્ષમાં થયા છે. એક સમયે લાલ ચોકમાં ત્રિરંગો ફરકાવવાની મંજૂરી નહોતી, પરંતુ ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ દર વર્ષે લાલ ચોકમાં ત્રિરંગો લહેરાવાય છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આ નિર્ણય વોટ બેંક માટે નહીં પરંતુ દેશની સુરક્ષા અને એકતા માટે લેવામાં આવ્યો હતો. મોદી સરકારે કાશ્મીરને ભારતનો અભિન્ન ભાગ બનાવવા માટે કામ કર્યું છે. પહેલા આતંકી હુમલાના જવાબો નહોતા અપાતા પરંતુ અમારી સરકારે પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ગૃહ મંત્રાલયની કામગીરી પર ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે, અહીં 21 સભ્યોએ પોતાના વિચારો રજૂ કર્યા. એક રીતે, ગૃહ મંત્રાલયના કાર્યના વિવિધ પરિમાણોને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સૌ પ્રથમ તો હું હજારો રાજ્ય પોલીસ અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના જવાનોનો આભાર માનું છું કે જેમણે દેશની આંતરિક સુરક્ષા તેમજ સરહદોને મજબૂત બનાવવા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું.
ગૃહ મંત્રાલય ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરે છે - શાહ
રાજ્યસભામાં ગૃહ મંત્રાલયના કામકાજ પર ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ગૃહ મંત્રાલય ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરે છે. બંધારણે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી રાજ્યોને આપી છે. સરહદ સુરક્ષા અને આંતરિક સુરક્ષા ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. આ એક સાચો નિર્ણય છે. આમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. પરંતુ કાયદો અને વ્યવસ્થા રાજ્યોની જવાબદારી છે, પરંતુ 76 વર્ષ પછી પરિસ્થિતિ હવે એવી છે કે ઘણા પ્રકારના ગુનાઓ હવે રાજ્યની સીમા સુધી મર્યાદિત નથી રહ્યા, તે આંતરરાજ્ય અને બહુરાજ્ય પણ છે. જેમ કે નાર્કોટિક્સ, સાયબર ક્રાઇમ, સંગઠિત ગુનાખોરી ગેંગ, હવાલા. આ બધા ગુનાઓ ફક્ત એક જ રાજ્યમાં થતા નથી.
લાંબા સમયથી પડતર ફેરફારો એક જ વારમાં કરી દીધા
દેશમાં ઘણા ગુનાઓ દેશની બહારથી પણ થાય છે. આ બધું ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયમાં ફેરફાર કરવા જરૂરી બની ગયા છે. હું ગર્વથી કહું છું કે, છેલ્લા 10 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગૃહ મંત્રાલયમાં લાંબા સમયથી પડતર ફેરફારો એક જ વારમાં કરી દીધા છે.
આતંકવાદ મુદ્દે શું કહ્યું?
અમિત શાહે આતંકવાદ અને જમ્મુ અને કાશ્મીર અંગે કહ્યું કે, “મોદી સરકાર આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે. અગાઉ આતંકવાદી હુમલાઓ પછી કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી, લોકો ભૂલી જતા હતા. અમારા સમયમાં ઉરી અને પુલવામામાં આતંકવાદી હુમલા થયા હતા, પરંતુ અમે 10 દિવસમાં પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક અને હવાઈ હુમલા કર્યા હતા.
તેમણે કહ્યું કે 2019-24 દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં 40,000 સરકારી નોકરીઓ પૂરી પાડવામાં આવી હતી. 1.51 લાખ સ્વરોજગારનું સર્જન કરવામાં આવ્યું હતું, આ સમયગાળા દરમિયાન સ્કીલ ક્લબ પણ શરૂ કરવામાં આવી હતી. મોદી સરકારના કાર્યકાળમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને કારણે થતા મૃત્યુમાં 70 ટકાનો ઘટાડો થયો છે. આતંકવાદી ઘટનાઓમાં પણ મોટો ઘટાડો થયો હતો. ૫ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ કલમ ૩૭૦ રદ કરીને મોદી સરકારે 'એક બંધારણ, એક ધ્વજ' ના બંધારણ નિર્માતાઓના સ્વપ્નને પૂર્ણ કર્યું. દેશમાં ફક્ત એક જ પ્રધાનમંત્રી, એક બંધારણ અને એક ધ્વજ હોઈ શકે છે."








