'અમે સ્વતંત્ર છીએ પરંતુ આ મુદ્દે કેન્દ્ર સરકારની સાથે છીએ', CJI ચંદ્રચૂડે આવું કેમ કહ્યું?
We are independent but with the central government on this issue' CJI Chandrachud | CJI DY ચંદ્રચુડે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો કો

CJI DY ચંદ્રચુડે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો કોર્ટ સંબંધિત કામ સ્વતંત્ર રીતે કરે છે પરંતુ જ્યારે કોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બજેટને લગતા મુદ્દાઓની વાત આવે છે ત્યારે અમે સરકાર સાથે ઉભા છીએ કારણ કે અમારું મિશન એક જ છે. CJIએ તેની પાછળનું કારણ બતાવતા કહ્યું કે, આવા પ્રોજેક્ટ્સનો સીધો સંબંધ સામાન્ય લોકો સાથે હોય છે. CJIએ કહ્યું કે આ પ્રોજેક્ટ ન્યાયાધીશો અથવા વકીલોનો વ્યક્તિગત પ્રોજેક્ટ નથી અને તે આપણા નાગરિકો સાથે સંબંધિત છે.
CJI ચંદ્રચુડ સોમવારે બાંદ્રા (વેસ્ટ)માં તાજ લેન્ડ એન્ડમાં મુંબઈ હાઈકોર્ટની નવી ઈમારતના શિલાન્યાસ સમારોહમાં હાજર રહ્યા હતા. અહીં તેમણે કહ્યું કે, દેશના નિર્માણ અને કાયદાકીય સંસ્કૃતિના વિકાસમાં મુંબઈ હાઈકોર્ટની ભૂમિકાને ઓછી આંકી શકાય નહીં. તેમણે કહ્યું કે વસાહતી શાસન દરમિયાન પણ મુંબઈ હાઈકોર્ટ એક સ્વતંત્ર સંસ્થા રહી હતી.
CJIએ કહ્યું કે નવા કોર્ટ કોમ્પ્લેક્સનું બાંધકામ ઝડપી થવું જોઈએ. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર હતા. મુખ્યમંત્રી શિંદેએ કહ્યું કે, લોકો મહિલાઓ સામેના ગુનાઓના કેસોમાં ઝડપી ન્યાયની અપેક્ષા રાખે છે અને સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સપોર્ટ આપવામાં કોઈ કસર નહીં છોડે. જેનાથી આરોપીઓને ઝડપથી સજા થઈ શકે. ફડણવીસે કહ્યું કે, કોર્ટના નવા કેમ્પસનું કામ રેકોર્ડ સમયમાં પૂર્ણ થશે.
જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ સીજેઆઈના ઘરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગણેશ પૂજામાં ભાગ લેવા ગયા હતા. જેને પગલે ભારે રાજકીય હોબાળો થયો હતો. વિપક્ષી દળોએ આ બાબતે સવાલ ઉઠાવ્યા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલીમાં સ્ટેજ પરથી જવાબ આપતા કહ્યું હતું કે, પહેલા અંગ્રેજોને ગણેશ ઉત્સવ ખટકતો હતો અને હવે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને ગણેશ પૂજાથી તકલીફ પડી રહી છે.






