VIDEO: દિવાળીએ જ તમિલનાડુમાં જળબંબાકાર, ચેન્નઈમાં ઠેર ઠેર પાણી ભરાતા મુખ્યમંત્રી સ્ટાલિને સમીક્ષા કરી

દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે તમિલનાડુમાં ભારે વરસાદનું વિઘ્ન આવ્યું છે. આજે (20મી ઑક્ટોબર) સવારે ચેન્નઈમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે શહેરના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે અને માર્ગ તેમજ હવાઈ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.
ચેન્નઈમાં જળબંબાકારની સ્થિતિ
મુખ્યમંત્રી સ્ટાલિને પરિસ્થિતિની સમીક્ષા કરી
વરસાદની ગંભીર પરિસ્થિતિને જોતા તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને તાત્કાલિક પગલાં લીધા છે. તેમણે ચેન્નઈમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસેડવાનો નિર્દેશ આપ્યો છે.
22મી ઑક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી થોડા દિવસો માટે ચેતવણી જાહેર કરી છે. IMD અનુસાર, આગામી ૨૨મી ઑક્ટોબરની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે, જે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી પ્રવૃત્તિઓને વધુ તીવ્ર બનાવશે.
હવામાન વિભાગે દિવાળીના દિવસે પણ રાજ્યના વિવિધ ભાગોમાં વાવાઝોડા અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેને પગલે વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

