Video: ગોકુલ ડેરી પર કબજો જમાવવા ભાજપે નિયમો બદલ્યાનો આરોપ, રસ્તા પર ઊતરી વિપક્ષનો પ્રચંડ વિરોધ

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પ્રતિષ્ઠિત ગોકુલ દૂધ સહકારી સંઘ પર નિયંત્રણ મેળવવા મામલે રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકારે સહકારી સંસ્થાઓના નિયમોમાં ફેરફાર કરી સરકાર દ્વારા નિયુક્ત 5 સભ્યોમાંથી 4ને મતદાનનો અધિકાર આપવાની જોગવાઈ ધરાવતો વટહુકમ બહાર પાડતાં ભારે વિવાદ વિવાદ ઊભો થયો છે. આ સરકારી નિર્ણય વિરુદ્ધ કોંગ્રેસ, વિપક્ષી મહાવિકાસ અઘાડી અને દૂધ ઉત્પાદક ખેડૂતોએ કોલ્હાપુરમાં પશુઓ સાથે વિશાળ મોરચો કાઢીને પ્રચંડ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સમગ્ર વિવાદ અંગે કોંગ્રેસે ભાજપ સરકાર પર લોકશાહી ઢબે ચૂંટાયેલા જનાદેશની ચોરી કરવાનો ગંભીર આરોપ મૂક્યો છે. ગોકુલ દૂધ સંઘની 25 બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલે 13 બેઠકો જીતીને બહુમતી મેળવી હતી, જ્યારે ભાજપ-મહાયુતિ ગઠબંધનને 12 બેઠકો મળી હતી. કોંગ્રેસનો આક્ષેપ છે કે ચૂંટણીમાં પરાજયથી હતાશ થઈને ભાજપ સરકારે નિયમો બદલ્યા અને 4 નોમિનેટેડ ડિરેક્ટરોને વોટિંગ રાઇટ્સ આપીને પોતાની બેઠકો 12થી વધારીને 16 કરી બહુમતી ઉલટાવી દેવાનો પ્રયાસ કર્યો છે.







