મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

આ લોકસભા બેઠક પર 'NOTA' માટે માંગવામાં આવી રહ્યાં છે મત, કોંગ્રેસ ચલાવી રહી છે ખાસ અભિયાન

મધ્ય પ્રદેશની ઇન્દોર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરફથી નોમિનેશન પરત લેવામાં આવ્યા બાદ નોટા પર

આ લોકસભા બેઠક પર 'NOTA' માટે માંગવામાં આવી રહ્યાં છે મત, કોંગ્રેસ ચલાવી રહી છે ખાસ અભિયાન

મધ્ય પ્રદેશની ઇન્દોર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરફથી નોમિનેશન પરત લેવામાં આવ્યા બાદ નોટા પર રાજકારણ ગરમાયું છે. ઇન્દોરમાં લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 13 મેએ મતદાન યોજાવાનું છે. ભાજપે શંકર લાલવાનીને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે કોંગ્રેસે અક્ષય કાંતિ બમને ઉમેદવાર બનાવ્યા હતા. અક્ષય બમે પોતાનું નામ પરત લઇ લેતા ભાજપનું સભ્ય પદ મેળવ્યું હતું જે બાદ કોંગ્રેસ ચૂંટણીમાંથી બહાર થઇ ગયું હતું.

કોંગ્રેસે ચલાવ્યું નોટા બટન દબાવવાનું અભિયાન

કોંગ્રેસના ચૂંટણીમાંથી બહાર થયા બાદ પાર્ટીના તમામ મોટા નેતા મતદારોને નોટાનું બટન દબાવવાની અપીલ કરી રહ્યાં છે. કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારીએ સ્વચ્છતામાં નંબર એક પર રહેનારા ઇન્દોરના લોકોને રાજકારણમાં પણ સ્વચ્છતાનો સાથ આપવાની અપીલ કરી છે. જીતુ પટવારીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવતા લોકોને નોટાનું બટન દબાવવાની અપીલ કરી છે. આટલું જ નહીં કોંગ્રેસના કાર્યકર્તાઓએ નોટાના સમર્થનમાં એક અભિયાન પણ ચલાવ્યું છે. આ અભિયાન હેઠળ લોકોને 'નોટા ચા' પીવડાવવામાં આવી રહી છે અને નોટાનું બટન દબાવવાની અપીલ પણ કરવામાં આવી રહી છે.

એક તરફ જ્યાં કોંગ્રેસ નોટા માટે અભિયાન ચલાવીને પોસ્ટર લગાવી રહી છે તો બીજી તરફ ભાજપ પણ કોંગ્રેસ વિરૂદ્ધ અભિયાનમાં જોડાયેલી છે. ભાજપ તરફથી કોંગ્રેસ પર પ્રહાર કરતા પોસ્ટર લગાવવામાં આવી રહ્યાં છે જેના પર લખ્યુ છે, 'નોટ ચલાવનારા હવે નોટા ચલાવી રહ્યાં છે, રાષ્ટ્રહિતમાં મતદાન કરો.' આ સાથે જ રાજ્ય સરકારના મંત્રી કૈલાશ વિજયવર્ગીયે RSS સરસંઘચાલક મોહન ભાગવત તરફથી નોટાને લઇને આપવામાં આવેલું નિવેદન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર શેર કર્યું છે. વિજયવર્ગીયે લખ્યુ કે લોકતંત્રમાં ઉપલબ્ધઅ ઉમેદવારમાંથી જે સૌથી યોગ્ય લાગે, તેને પોતાનો મત આપવામાં સમજદારી છે, નોટાનો વિકલ્પ આપણા હિતમાં નથી.'

ઇન્દોરમાં ઉમેદવારના પ્રચાર કરતા નોટાની ચર્ચા વધારે છે. કોંગ્રેસ લોકોને નોટાનું બટન દબાવવાની અપીલ કરી રહી છે તો ભાજપ લોકોને એમ સમજાવવાનો પ્રયાસ કરી રહી છે કે તે સૌથી સારા ઉમેદવારની પસંદગી કરે.

નોટાને લઇને શું છે જોગવાઇ?

વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટ દ્વારા એક ઐતિહાસિક નિર્ણયે મતદારોને નોટાનો વિકલ્પ આપ્યો હતો. જો કોઇ મતદાર કોઇ પણ ઉમેદવારને મત આપવા નથી માંગતો તો તે નોટાને પોતાનો મત આપી શકે છે.

જો નોટાને વધુ મત મળે તો...

જો કોઇ વિસ્તારમાં તમામ ઉમેદવારોના મુકાબલે નોટાને વધારે મત મળે તો નિયમ 64 અનુસાર જે ઉમેદવારને સૌથી વધુ મત મળ્યા છે તેને ચૂંટણી પંચ વિજેતા જાહેર કરે છે.
જો આ સિવાય 99 ટકા મત પણ નોટાને મળે છે તો પણ તેની ચૂંટણી પર કોઇ અસર નહીં થાય. આ પરિસ્થિતિમાં કોઇ ઉમેદવારને એક ટકા પણ મત મળે છે તો તે વિજેતા બનશે.

આ સમાચાર શેર કરો