GOAT ફિલ્મમાં જ વિજયે તમિલનાડુના ભવિષ્યનો આપ્યો હતો સંકેત, કારની નંબર પ્લેટનો વીડિયો થયો વાયરલ

તમિલનાડુની રાજનીતિમાં હાલ એક જ નામનો ગુંજારવ સંભળાઈ રહ્યો છે, જેણે દાયકા જૂના સમીકરણોને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી દીધા છે. સુપરસ્ટાર વિજયની નવી પાર્ટીની તમિલ નાડુના રાજકારણમાં જોરદાર એન્ટ્રી થઈ છે. દાયકાઓ જૂના રાજકીય સમીકરણોને તોડીને વિજયની પાર્ટી 'તમિલગા વેત્રી કઝગમ' (TVK) એ જે કરિશ્મા કરી બતાવ્યો છે તેની કલ્પના કદાચ વિરોધીઓએ પણ નહીં કરી હોય. રાજ્યની 234 વિધાનસભા બેઠકોમાંથી 108 બેઠકો જીતીને TVK સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. હવે આવતી કાલે વિજય ટૂંક સમયમાં તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે.
ફિલ્મી પડદે છુપાયેલી હતી ભવિષ્યની આગાહી
વિજયની આ ઐતિહાસિક જીત વચ્ચે ચાહકોએ એક એવી કડી શોધી કાઢી છે, જે હવે એક સચોટ ભવિષ્યવાણી સાબિત થઈ રહી છે. સોશિયલ મીડિયા પર વિજયની વર્ષ 2024માં આવેલી ફિલ્મ 'GOAT' (Greatest Of All Time) નો એક સીન જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. આ સીનમાં વિજય કાર ચલાવતા જોવા મળે છે, પરંતુ જે બાબતે સૌનું ધ્યાન ખેંચ્યું છે તે છે કારની નંબર પ્લેટ. આ નંબર પ્લેટ પર 'TN 07 CM 2026' લખેલું છે. ચાહકોનું માનવું છે કે વિજયે તે સમયે જ સંકેત આપી દીધો હતો કે 2026માં તેઓ તમિલનાડુના મુખ્યમંત્રી બનશે.
ચૂંટણી પરિણામો બાદ આ વીડિયો ફરીથી ઈન્ટરનેટ પર છવાઈ ગયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેને 'ગોડ લેવલ પ્રેડિક્શન' ગણાવી રહ્યા છે. એક યુઝરે રમૂજમાં લખ્યું, "ભાઈ તો ટાઈમ ટ્રાવેલર નીકળ્યા!", જ્યારે અન્ય એક ચાહકે કહ્યું કે વિજયની દૂરંદૃષ્ટિ ખરેખર અદભૂત છે.
ઐતિહાસિક જીત અને સત્તાના સમીકરણો
4 મેના રોજ જાહેર થયેલા પરિણામોમાં વિજયની પાર્ટીએ DMK અને AIADMK જેવા દિગ્ગજ પક્ષોને પછાડ્યા છે. બહુમતી માટે જરૂરી 118ના આંકડાથી TVK માત્ર 10 બેઠક દૂર છે. અહેવાલો અનુસાર, વિજય હવે નાના પક્ષો સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યા છે.
છેલ્લી ફિલ્મ હજુ વિવાદમાં
રાજકીય સફળતાની વચ્ચે વિજયની ફિલ્મી કારકિર્દીનો અંતિમ અધ્યાય હજુ મુશ્કેલીમાં છે. એચ. વિનોદના નિર્દેશનમાં બનેલી તેમની છેલ્લી ફિલ્મ 'જન નાયકન' જાન્યુઆરીમાં રિલીઝ થવાની હતી, પરંતુ સેન્સર બોર્ડ (CBFC) દ્વારા પ્રમાણપત્ર ન મળવાને કારણે આ ફિલ્મ હાલ અટવાયેલી છે. જોકે, તેમના ચાહકો માટે અત્યારે તેમની રાજકીય જીતનો જ સૌથી મોટો ઉત્સવ છે.

