ફ્લાઈટની ટિકિટ મોંઘી થશે તો સરકાર લગાવશે લગામ! 1 જાન્યુઆરી 2027થી લાગુ થશે નવા નિયમો

ભારતીય વિમાન યાન નિયમો, 2026ના નિયમ 192 હેઠળ કેન્દ્ર સરકારે હવાઈ મુસાફરીના ભાડા અંગે નવા નિયમો જાહેર કર્યા છે. આ નવા નિયમો અનુસાર, અસાધારણ પરિસ્થિતિઓમાં એરલાઈન્સ દ્વારા વસૂલવામાં આવતા હવાઈ ભાડામાં કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરી શકશે. જોકે, સામાન્ય સંજોગોમાં હવાઈ ભાડાની વ્યવસ્થા બજાર આધારિત અને નિયંત્રણમુક્ત રહેશે. નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય હવાઈ ભાડામાં પારદર્શિતા જાળવવાનો અને અસાધારણ પરિસ્થિતિઓમાં મુસાફરોના હિતોનું રક્ષણ કરવાનો છે.
એરલાઈન્સે ભાડાની વિગતો DGCAને આપવી પડશે
નિયમ 192 મુજબ, ભારતીય વિમાન યાન નિયમોના નિયમ 183ના પેટાનિયમ (1) અને નિયમ 191ના પેટાનિયમ (1) હેઠળ કાર્યરત દરેક હવાઈ પરિવહન કંપનીએ પોતાના સંચાલન ખર્ચના આધારે હવાઈ ભાડું નક્કી કરવું પડશે. એરલાઈન્સે નક્કી કરેલા ભાડાનું માળખું નિયામક દ્વારા નિર્ધારિત ફોર્મેટ, પદ્ધતિ અને સમયાંતરે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) સમક્ષ રજૂ કરવું પડશે.
આ ઉપરાંત, સામાન્ય લોકોમાં ભાડા અંગે જાગૃતિ અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે એરલાઈન્સે પોતાના સત્તાવાર વેબસાઇટ અથવા નિર્ધારિત ડિજિટલ પ્લેટફોર્મ પર ભાડાની વિગતો જાહેર કરવી ફરજિયાત રહેશે.
ટિકિટ બુકિંગ વખતે ભાડાની સંપૂર્ણ વિગતો આપવી પડશે
નવા નિયમોમાં હવાઈ મુસાફરોને ભાડા અંગે સંપૂર્ણ માહિતી આપવાની બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. બુકિંગ વેબસાઇટ પર દર્શાવવામાં આવતા ભાડા અને મુસાફરોને આપવામાં આવતી ટિકિટમાં ચૂકવવાની કુલ રકમ સ્પષ્ટ દર્શાવવી પડશે.
આ સાથે કુલ ભાડાનું અલગ-અલગ વિગતો સાથેનું વિભાજન પણ આપવું પડશે. જેમાં નીચેની બાબતોનો સમાવેશ થશે:
- બેઝ ફેર (મૂળ ભાડું)
- સરકારી કર (ટેક્સ)
- વિવિધ ફી અને ચાર્જ
- ટિકિટ રદ કરવાના ચાર્જ
- રિફંડ સંબંધિત શરતો
- અન્ય વધારાના ચાર્જ
નિયમોમાં 'ફી' અને 'ટેક્સ'ની વ્યાખ્યા પણ સ્પષ્ટ કરવામાં આવી છે. ફી એટલે મુસાફરોને આપવામાં આવતી સુવિધાઓ અથવા સેવાઓના બદલામાં સેવા પ્રદાતાઓને ચૂકવવાની રકમ, જ્યારે ટેક્સ એટલે સરકારને ચૂકવવાની રકમ.
અસાધારણ સ્થિતિમાં હવાઈ ભાડામાં હસ્તક્ષેપ કરી શકશે સરકાર
નવા નિયમો હેઠળ DGCA એરલાઈન્સ દ્વારા નક્કી કરવામાં આવતા ભાડા પર નજર રાખશે. જોકે, નિયમ 192ના પેટાનિયમ (6) હેઠળ કેન્દ્ર સરકારને વિશેષ સત્તા આપવામાં આવી છે. જો સરકારને લાગે કે બજારની સ્થિતિ અસાધારણ બની ગઈ છે અને જાહેર હિતમાં હસ્તક્ષેપ કરવો જરૂરી છે, તો તે લેખિત આદેશો જારી કરી શકશે. આ આદેશો દ્વારા સરકાર પરિસ્થિતિને અનુરૂપ જરૂરી પગલાં લઈ શકશે.
જોકે, સરકાર દ્વારા કરવામાં આવતો કોઈપણ હસ્તક્ષેપ પરિસ્થિતિની ગંભીરતાના પ્રમાણમાં જ હોવો જોઈએ. આ ઉપરાંત, આવા આદેશો માત્ર નિર્ધારિત સમયગાળા સુધી જ અમલમાં રહેશે.
1 જાન્યુઆરી, 2027થી નવા નિયમો અમલી બનશે
ભારતીય વિમાન યાન નિયમો, 2026 હેઠળ જાહેર કરવામાં આવેલી આ નવી જોગવાઈઓ 1 જાન્યુઆરી, 2027થી અમલમાં આવશે. આ નવા નિયમોથી એક તરફ એરલાઈન્સને સામાન્ય સંજોગોમાં બજાર આધારિત ભાડું નક્કી કરવાની સ્વતંત્રતા મળશે, તો બીજી તરફ અસાધારણ પરિસ્થિતિમાં સરકારને હસ્તક્ષેપ કરવાની સત્તા પણ મળશે.
ખાસ કરીને હવાઈ ભાડામાં અચાનક અને અસામાન્ય વધારાની સ્થિતિમાં આ નિયમો મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. સાથે જ ટિકિટ બુકિંગ સમયે ભાડાની સંપૂર્ણ વિગતો જાહેર કરવાની જોગવાઈથી મુસાફરોને પારદર્શિતા અને વધુ સ્પષ્ટ માહિતી મળી શકશે.











