VIDEO: મુંબઈમાં બાંદ્રા સહિત અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી, બે લોકોનાં મોત
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદ અને તેજ પવનના કારણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓમાં વધારો થયો છે. કુર્લામાં એક વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં એક વૃદ્ધનું મોત થયું છે, જ્યારે ગોરેગાંવ (પૂર્વ)માં વૃક્ષ પડતાં 18 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો છે. ઈજાગ્રસ્તને સ્થાનિકોની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. બાંદ્રા વિસ્તારમાં પણ એક ઘટાદાર વૃક્ષ ધરાશાયી થયું. જેની નીચે ચાર જેટલી કાર દબાઈ ગઈ. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ, બેસ્ટ અને મહાનગરપાલિકાની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તેજ પવનના કારણે પરિસરની અંદરનું વૃક્ષ ઉખડીને બહાર પડતાં નજીકમાં પાર્ક કરાયેલી અનેક કારોને પણ નુકસાન પહોંચ્યું હતું. સતત વરસાદ અને પવનને પગલે વહીવટી તંત્રએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.

