સાંસદ ચરણજીત સિંહ અને કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ વચ્ચે શબ્દિક યુદ્ધ, કહ્યું ‘'મારા દાદા દેશ માટે શહીદ થયા છે કોંગ્રેસ માટે..’
લોકસભામાં પંજાબના પૂર્વ સીએમ અને જલંધર સાંસદ ચરણજીત સિંહ ચન્ની અને કેન્દ્રીય મંત્રી ર

લોકસભામાં પંજાબના પૂર્વ સીએમ અને જલંધર સાંસદ ચરણજીત સિંહ ચન્ની અને કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ વચ્ચે શબ્દિક યુદ્ધ થયું હતું. સંસદમાં બજેટની ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ ચન્ની પર ગુસ્સે થયાં હતા. લોકસભામાં ચન્ની સાથેની શાબ્દિક બબાલમાં બિટ્ટુએ કહ્યું કે, 'ચન્ની પંજાબનો સૌથી ભ્રષ્ટ માણસ છે અને આખા પંજાબમાં સૌથી અમીર વ્યક્તિ પણ ચન્ની છે. ચન્ની સૌથી ભ્રષ્ટ વ્યક્તિ ન હોય તો હું પોતાનું નામ બદલી નાખીશ.' સંસદમાં બંને નેતા વચ્ચેની ચર્ચાનું ઉગ્ર રૂપ ધારણ કરતાં બંને પક્ષના સભ્યો સામસામે આવી ગયા હતા.
મારા દાદાએ કોંગ્રેસ માટે નહીં, પરંતુ દેશ માટે કુરબાની આપી છે.
આજે (25 જુલાઈ) લોકસભામાં કેન્દ્રીય બજેટ પર ચાલી રહેલી ચર્ચામાં ચન્નીએ બિટ્ટુના દાદા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહની હત્યાનો ઉલ્લખ કર્યો હતો. જેમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા બિટ્ટુની ચન્ની સાથે મોટાપાયે શાબ્દિક બોલાચારી થઈ હતી. જેમાં ચન્નીએ કહ્યું કે, 'બિટ્ટુ તમારા દાદા શહીદ થયાં છે. તેઓ એ દિવસે નથી મર્યા, પરંતુ એ દિવસે મર્યા છે જે દિવસે તમે કોંગ્રેસ છોડ્યું હતું.' ત્યારબાદ ગરમ થઈને બિટ્ટુએ કહ્યું કે, 'મારા દાદા બેઅંત સિંહે કોંગ્રેસ માટે નહીં, પરંતુ દેશ માટે કુરબાની આપી છે.'
લોકસભામાં ભારે હોબાળો મચ્યો
બિટ્ટુએ કહ્યું કે, 'ચન્ની ગરીબ હોવાની વાતો કરે છે, પરંતુ તે પંજાબનો સૌથી અમીર વ્યક્તિ છે. આમ જો ચન્ની પંજાબનો સૌથી અમીર વ્યક્તિ ના હોય તો પોતાનું નામ બદલી નાખવાનો પડકાર કર્યો હતો. આ ચન્ની હજારો કરોડનો માલિક છે.' આ સાથે બિટ્ટુએ પૂછ્યું, 'ગોરો માણસ કોને કહે છે? પહેલા તેણે કહેવું જોઈએ કે સોનિયા ગાંધી ક્યાંના છે.' બિટ્ટુના આ નિવેદન પછી ચન્નીએ બોલવાનું શરું કર્યું તો સંસદમાં સત્તા પક્ષના નેતાઓએ હોબાળો મચાવ્યો હતો. સંસદમાં ચર્ચાએ ગરમ સ્વરૂપ ધારણ કરતાં બંને પક્ષના સભ્યો સામસામે આવી ગયા હતા.
અમૃતપાલ સિંહ વિશે ચન્નીએ શું કહ્યું?
ચન્નીએ કહ્યું કે, 'ભાજપના લોકો દેશમાં ઈમરજન્સીની વાત કરે છે, પરંતુ દેશમાં ચાલી રહેલી અઘોષિત ઈમરજન્સીનું શું? પંજાબમાં 20 લાખ લોકો દ્વારા સાંસદ તરીકે ચૂંટાયેલા વ્યક્તિને NSA હેઠળ જેલમાં ધકેલી દેવો એ એક કટોકટી જ છે. આમ તેમણે પોતાના મત વિસ્તારના લોકોના વિચારો પણ વ્યક્ત કરી શકતા નથી. આ પણ કટોકટી છે.'






