મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પરીક્ષા આપ્યા વિના મંત્રાલયોમાં 45 પદો પર ભરતી માટે UPSCની જાહેરાત

યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ લેટરલ એન્ટ્રી દ્વારા 45 પદ પર નોકરી બહા

પરીક્ષા આપ્યા વિના મંત્રાલયોમાં 45 પદો પર ભરતી માટે UPSCની જાહેરાત

યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ લેટરલ એન્ટ્રી દ્વારા 45 પદ પર નોકરી બહાર પાડી છે.UPSCએ વિવિધ મંત્રાલયોમાં 45 પદો પર ભરતી માટે જાહેરાત આપી છે. સંયુક્ત સચિવ, ડિરેક્ટર્સ અન નાયબ સચિવ પદો પર અનુભવી લોકો UPSCની પરીક્ષા આપ્યા વિના જ જોડાઇ શકશે. જોકે, વિપક્ષ મોદી સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે 2019માં પ્રથમ વખત મોદી સરકારે સીધી ભરતી દ્વારા આ પદો પર ભરતી કરી હતી.

કેન્દ્ર સરકારમાં સંયુક્ત સચિવ, ડિરેક્ટર્સ અને નાયબ સચિવ જેવા ઊંચા પદો પર સામાન્ય રીતે ઓલ ઇન્ડિયા સર્વિસીસના IAS, IPS અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ તથા ગ્રુપ એ સર્વિસીસના અધિકારીઓની નિમણૂક થતી હોય છે.

જોકે, સરકારમાં લેટરલ એન્ટ્રી મારફત ભરતીની કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના હેઠળ યુપીએસસીએ વિવિધ મંત્રાલયોમાં 45 પદો પર નિમણૂક માટે નોટિફિકેશન જાહેર કર્યું છે.

સંયુક્ત સચિવના 10, ડિરેક્ટર-નાયબ સચિવના 35 પદ ભરાશે

યુપીએસસીના નોટિફિકેશન મુજબ ગૃહ, ફાઇનાન્સ અને સ્ટીલ મંત્રાલયમાં સંયુક્ત સચિવની 10-10 પોસ્ટ તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ, નાગરિક ઉડ્ડયન અને માહિતી તથા પ્રસારણ જેવા મંત્રાલયોમાં ડિરેક્ટર/નાયબ સચિવના 35 પદો ભરવામાં આવશે. ડોમેન ક્ષેત્રોમાં વિશિષ્ટ જ્ઞાન અને નિપુણતાને ધ્યાનમાં રાખીને ચોક્કસ કામગીરી સોંપવા માટે વર્ષ 2018થી સરકારમાં લેટરલ એન્ટ્રી મારફત નિમણૂક કરવામાં આવી છે.

આ પદ પર નિયુક્ત અધિકારીઓ નીતિ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તાજા ડેટા મુજબ વિવિધ મંત્રાલયોમાં લેટરલ એન્ટ્રી મારફત 63 અપોઇન્ટમેન્ટ થઇ ચુકી છે જેમાં 35 નિમણૂકો ખાનગી ક્ષેત્રોમાંથી થઇ હતી. હાલમાં 57 અધિકારીઓ વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં કામ કરી રહ્યા છે.

લેટરલ એન્ટ્રી મારફત રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કામ કરતા કર્મચારીઓ પણ અરજી કરી શકશે. જોકે, કેન્દ્ર સરકારમાં કામ કરતા કર્મચારી આ ભરતી માટે યોગ્ય નહીં હોય. વધુમાં સંયુક્ત સચિવ પદ માટે વય મર્યાદા 40થી 55 વર્ષ વચ્ચે હશે. સાતમા પગાર પંચ મુજબ તેમને પે લેવલ 14માં રખાયા છે. એટલે કે તેમને રૂપિયા 2.70 લાખ માસિક પગાર મળશે. વધુમાં નિયમાનુસાર પ્રવાસ ભથ્થુ અને મકાનનું ભાડું પણ મળશે.

ડિરેક્ટર પદ માટે વય મર્યાદા 35થી 45 વચ્ચે હશે. તેમને પે લેવલ 13માં સમાવવામાં આવ્યા છે. એટલે કે ડીએ સાથે તેમનો પગાર માસિક રૂપિયા 2.32 લાખ થશે. નાયબ સચિવ માટે વય મર્યાદા 32થી 40 વર્ષ હશે. તેમનું પે લેવલ 12 હશે અને તેમને ડીએ સાથે રૂપિયા 1.52 લાખ માસિક પગાર મળશે.

વિપક્ષ કેમ કરી રહ્યું છે વિરોધ

બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું છે કે આ ભરતીઓમાં કોઈપણ પ્રકારની અનામતની જોગવાઈ નથી. જો ભરતી UPSC દ્વારા કરવામાં આવે છે, તો SC, ST અને OBCને અનામત આપવી પડશે. તેમણે કહ્યું કે, કેન્દ્રની મોદી સરકાર બાબા સાહેબે લખેલા બંધારણ અને અનામતની ઘૃણાસ્પદ મજાક કરી રહી છે. આ જાહેરાત તેનું નાનું ઉદાહરણ છે. તેજસ્વી યાદવે જાહેરાતની તસવીર પણ પોસ્ટ કરી હતી.

આ સમાચાર શેર કરો