GDPના મજબૂત ગ્રોથ વચ્ચે બેરોજગારીના આંકડા ચિંતાજનક, 25 ટકા યુવાનો પાસે કોઈ કામ જ નથી! આ રાજ્યોમાં સૌથી ખરાબ સ્થિતિ

ભારત વિશ્વમાં સૌથી વધુ યુવા વસ્તી ધરાવતો દેશ હોવાનો ગર્વ લે છે. યુવાનો કોઈપણ રાષ્ટ્રની પ્રગતિનું મુખ્ય એન્જિન હોય છે, પરંતુ શું આ માનવ સંસાધનની વાસ્તવિક ક્ષમતાનો સદુપયોગ થઈ રહ્યો છે? આ સવાલ વચ્ચે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના સામયિક શ્રમ દળ સર્વેક્ષણ (PLFS)ના અહેવાલે ગંભીર ચિંતા ઊભી કરી છે.
250 જિલ્લામાં 25 ટકા યુવાનો પાસે કોઈ કામ જ નથી, ભણતા પણ નથી
શુક્રવાર, 18 સપ્ટેમ્બરના રોજ જાહેર થયેલા વર્ષ 2025ના જિલ્લા સ્તરીય સર્વે મુજબ, દેશના આશરે 250 જિલ્લાઓમાં 15થી 29 વર્ષની વયના ઓછામાં ઓછા 25 ટકા યુવાનો સાવ ખાલી બેઠા છે. તેઓ ન તો કોઈ નોકરી કરે છે, ન અભ્યાસ કરી રહ્યા છે અને ન તો કોઈ સ્કિલ ટ્રેનિંગ લઈ રહ્યા છે.
શું છે આ NEET કેટેગરી?
અભ્યાસમાં એક ખાસ પરિભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેને NEET (Not in Employment, Education or Training) તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે યુવાનોમાં બેરોજગારી માટે એવો તર્ક આપવામાં આવે છે કે તેઓ આગળ અભ્યાસ કરી રહ્યા હશે કે કોઈ વ્યાવસાયિક કૌશલ્ય શીખી રહ્યા હશે. પરંતુ NEET કેટેગરીમાં એવા યુવાનો આવે છે જેઓ આ ત્રણેયમાંથી કશું જ નથી કરી રહ્યા. આટલી મોટી સંખ્યામાં યુવાધનનું ઉત્પાદક પ્રવૃત્તિઓથી દૂર રહેવું દેશના ભવિષ્ય માટે ખતરાની ઘંટડી સમાન છે. નીતિ આયોગે પણ અગાઉ એક અહેવાલમાં જણાવ્યું હતું કે દેશમાં આશરે 9 કરોડ યુવાનો એવા છે જેઓ બેરોજગાર છે અને અભ્યાસ પણ નથી કરી રહ્યા.
ઉત્તરથી દક્ષિણ: કયા રાજ્યોમાં સ્થિતિ સૌથી વધુ ખરાબ સ્થિતિ?
ઉત્તર અને પૂર્વ ભારત
બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોના લગભગ બે-તૃતીયાંશ જિલ્લાઓમાં 25%થી વધુ યુવાનો NEET કેટેગરીમાં છે. એટલે કે અહીં દર 4 માંથી 1 યુવા સાવ નવરો છે.
દક્ષિણ અને પૂર્વોત્તર ભારત
આંધ્રપ્રદેશ, ઓડિશા, આસામ અને તેલંગાણાના લગભગ અડધા જિલ્લાઓમાં પણ 25% યુવાનો આ જ કેટેગરીમાં સામેલ છે.
સર્વેક્ષણનો વ્યાપ
આ અહેવાલ તૈયાર કરવા માટે મોટા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે 600 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા હતા.
યુવાનો ખાલી બેસવા પાછળના મુખ્ય કારણો:
મહિલાઓ પર બિન-વેતનવાળા ઘરકામનો બોજ
સર્વેક્ષણ હેઠળના 75% જિલ્લાઓમાં 25%થી વધુ યુવા મહિલાઓ NEET કેટેગરીમાં છે. મોટાભાગની યુવતીઓને ઘર સંભાળવાની જવાબદારી સોંપી દેવામાં આવે છે, જે પગાર વગરનું કામ હોવાથી રોજગારમાં ગણાતું નથી. આ મહિલાઓની પ્રગતિમાં સૌથી મોટો અવરોધ છે.
પસંદગીની નોકરીનો અભાવ
મોટી સંખ્યામાં યુવાનોએ નોકરી શોધવાનું જ બંધ કરી દીધું છે કારણ કે તેમને તેમની લાયકાત કે મનપસંદ ક્ષેત્ર મુજબ રોજગાર મળતો નથી.
સરકારી નોકરીઓની લાંબી તૈયારી
ઘણા યુવાનો વર્ષો સુધી માત્ર સ્પર્ધાત્મક સરકારી પરીક્ષાઓની તૈયારીમાં વ્યસ્ત રહે છે, જેના કારણે તેઓ સત્તાવાર અભ્યાસ, નોકરી કે ટ્રેનિંગથી બહાર રહે છે.
આ 25 જિલ્લાઓએ જગાવી આશાનું કિરણ
ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે દેશના 25 જિલ્લાઓ એવા પણ છે જ્યાં NEET હેઠળ આવતા યુવાનોની સંખ્યા 10% કરતાં પણ ઓછી નોંધાઈ છે.
છત્તીસગઢના કબીરધામ, રાજનાંદગાંવ અને ઉત્તર બસ્તર કાંકેર
હિમાચલ પ્રદેશનો ચંબા જિલ્લો
કેરળનો એર્નાકુલમ જિલ્લો
મધ્ય પ્રદેશનો મંડલા જિલ્લો
ઓડિશાનું નબરંગપુર: અહીં માત્ર 4.1% યુવાનો જ NEET કેટેગરીમાં છે, જે સમગ્ર દેશમાં સૌથી ઉત્તમ પ્રદર્શન છે.

