Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : "7.8% growth rate only eye dust? Know why these billions of rupees of GDP are not reaching your pocket!”

"7.8 ટકાનો વિકાસ દર માત્ર આંખોમાં ધૂળ? જાણો તમારા ખિસ્સામાં કેમ નથી પહોંચી રહ્યા GDPના આ અબજો રૂપિયા!"

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2026
લાઇવ ટીવીGoogle News
"7.8 ટકાનો વિકાસ દર માત્ર આંખોમાં ધૂળ? જાણો તમારા ખિસ્સામાં કેમ નથી પહોંચી રહ્યા GDPના આ અબજો રૂપિયા!"
સોર્સ : gstv

નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ક્વાર્ટરમાં ભારતે 7.8%નો શાનદાર GDP ગ્રોથ નોંધાવ્યો છે. ગત વર્ષે આ જ સમયગાળામાં આ આંકડો 6.9% હતો. વૈશ્વિક પડકારો વચ્ચે મળેલા આ પરિણામથી સરકાર ઉત્સાહિત છે અને વડાપ્રધાને તેને લોકોની મહેનતનું પરિણામ ગણાવ્યું છે. પરંતુ, અર્થશાસ્ત્રીઓ આ ચમકતા આંકડાઓ પાછળ છુપાયેલા વાસ્તવિક પડકારો તરફ ધ્યાન દોરી રહ્યા છે. શું આ વિકાસનો લાભ દરેક ક્ષેત્ર અને છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે? શું માત્ર આટલી ગતિ આપણને 2047 સુધીમાં 'વિકસિત ભારત' બનાવી શકશે? તો ચાલો સમજીએ આર્થિક નિષ્ણાતોના મતે આ આંકડાનું સરળ ભાષામાં વિશ્લેષણ.

App Store

વિકાસની અસમાનતા, આયાત પર નિર્ભરતા

અર્થશાસ્ત્રી વિજય સરદાનાના મતે, ભારત જેવા 1.45 અબજની વસ્તી ધરાવતા દેશમાં પ્રાથમિક જરૂરિયાતોની માંગ હંમેશા રહે છે, તેથી 7.8%નો ગ્રોથ આશ્ચર્યજનક નથી. પરંતુ મુખ્ય પ્રશ્ન એ છે કે આ વિકાસ ક્યાંથી આવી રહ્યો છે.

ક્ષેત્રો વચ્ચે અસમાનતા: સર્વિસ સેક્ટર 10%ના દરે આગળ વધી રહ્યું છે, પરંતુ તેને કાચો માલ પૂરો પાડતા કૃષિ અને માઇનિંગ ક્ષેત્રો એટલી ઝડપે વિકસી રહ્યા નથી.
વેલ્યુ એડેડ ઇન ઇન્ડિયા: ભારતમાં મોબાઇલ ફોનનું ઉત્પાદન અને નિકાસ વધી છે, પરંતુ તેના મોટાભાગના પાર્ટ્સ વિદેશથી આયાત થાય છે. તેથી માત્ર 'મેક ઇન ઇન્ડિયા' પૂરતું નથી, પરંતુ ખરેખર ભારતમાં કેટલી કિંમત ઉમેરાઈ(વેલ્યુ એડિશન) તે જોવું જરૂરી છે.

વિદેશી હૂંડિયામણનો ખર્ચ: વડાપ્રધાને તાજેતરમાં લોકોને સોનું ઓછું ખરીદવા અને વિદેશ પ્રવાસ ઘટાડવા અપીલ કરી હતી. તેનું કારણ એ છે કે ભારત ક્રૂડ ઓઇલ અને સોનાની મોટા પાયે આયાત કરે છે, જેમાં ઘણું વિદેશી હૂંડિયામણ વપરાય છે. જો આ પૈસા દેશમાં જ પ્રવાસન કે અન્ય વસ્તુઓ પાછળ ખર્ચાય, તો સ્થાનિક વેપારને સીધો ફાયદો થાય.
અર્થતંત્રની સાચી સ્થિતિ સામાન્ય માણસની આવક પરથી નક્કી થવી જોઈએ. માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર (રસ્તા, હાઇવે) પાછળ થતા ખર્ચથી સિમેન્ટ અને સ્ટીલની માંગ વધે છે, જે GDP વધારે છે. વિજય સરદાના સ્પષ્ટ કરે છે કે જો અર્થતંત્ર 7.8%ના દરે વધે પરંતુ સામાન્ય પરિવારની આવક, ખરીદશક્તિ અને રોજગારી ન વધે, તો આ આંકડાઓનો કોઈ અર્થ નથી. અર્થતંત્રની સાચી સ્થિતિ માથાદીઠ આવક અને ઘરગથ્થુ વપરાશ પરથી નક્કી થવી જોઈએ.

અર્થતંત્રનો ‘K-આકાર’ વિકાસ

અર્થશાસ્ત્રી મોન્ટેક સિંહ આહલુવાલિયાએ આ સ્થિતિને 'K-આકારની પુનઃપ્રાપ્તિ' (K-shaped recovery) ગણાવી છે. તેનો અર્થ એ છે કે ઔપચારિક(formal) અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે, પરંતુ નાના વ્યવસાયો અને ઓછી આવક ધરાવતા પરિવારોને તેનો કોઈ લાભ મળી રહ્યો નથી. દેશનો વર્તમાન આર્થિક વિકાસ માત્ર સમાજના અમુક ચોક્કસ અને પહેલેથી જ સદ્ધર વર્ગ પૂરતો સીમિત છે. આના કારણે અમીર વધુ અમીર બની રહ્યા છે અને ગરીબ વધુ ગરીબ બની રહ્યા છે, જેનાથી દેશમાં આર્થિક અસમાનતાની ખાઈ મોટી થઈ રહી છે.

7.8%નો ગ્રોથ આખા વર્ષની ગેરંટી નથી!

રોજગારી અંગે નિષ્ણાતોના મંતવ્યો અલગ છે. મોન્ટેક સિંહ આહલુવાલિયા માને છે કે, ભવિષ્યમાં ડેટા સેન્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) જેવા ક્ષેત્રો વધશે, જેમાં મૂડીનું રોકાણ તો વધુ હોય છે પરંતુ તેમાં મોટા પાયે નોકરીઓનું સર્જન થતું નથી. અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લા માને છે કે દેશમાં નોકરીઓની અછત નથી; 2011થી પગારદાર નોકરીઓ વાર્ષિક 4%ના દરે વધી છે. અસલી સમસ્યા એ છે કે દેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવેલા યુવાનોની સંખ્યા ઝડપથી વધી રહી છે, પરંતુ તેમની લાયકાત મુજબની નોકરીઓ બજારમાં એટલી ઝડપે બની રહી નથી. ક્રેડિટ રેટિંગ એજન્સીના અર્થશાસ્ત્રી રાજીવ શરણના મત મુજબ, પ્રથમ ક્વાર્ટરના 7.8%ના ગ્રોથને આખા વર્ષની ગેરંટી માની શકાય નહીં. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને વૈશ્વિક મંદીની અસરને કારણે સંપૂર્ણ નાણાકીય વર્ષ 2026-27નો સરેરાશ વિકાસ દર 6.7% રહી શકે છે.

વિકસિત ભારત 2047: શું લક્ષ્ય સુધી પહોંચી શકાશે?

સરકારનું લક્ષ્ય આઝાદીના 100 વર્ષ પૂરા થવા પર એટલે કે 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે. પરંતુ મોન્ટેક સિંહ આહલુવાલિયા અને સુરજીત ભલ્લા બંને માને છે કે માત્ર 7.8%ના ગ્રોથથી આ શક્ય નથી. ભારતને લાંબા સમય સુધી ડબલ ડિજિટ (10%થી વધુ) વિકાસ દરની જરૂર પડશે. રોકાણનો હિસ્સો GDPના 34% સુધી પહોંચ્યો છે, જે સારી બાબત છે, પરંતુ વિકસિત દેશના દરજ્જા માટે તે પૂરતો નથી.

ભારતે પકડેલો વિકાસનો અલગ રસ્તો ક્યાં લઈ જશે?

અર્થશાસ્ત્રી રોહિત લાંબાના જણાવ્યા અનુસાર, ભારતે વિકાસનો એક અલગ જ રસ્તો પસંદ કર્યો છે. પરંપરાગત રીતે દેશો કૃષિમાંથી મેન્યુફેક્ચરિંગ (ઉત્પાદન) અને પછી સર્વિસ સેક્ટરમાં જાય છે. પરંતુ ભારત સીધું સર્વિસ સેક્ટરમાં કૂદી ગયું છે. આજે ચીનની માથાદીઠ આવક $13,303 છે, જ્યારે ભારતની માત્ર $2,695 (2024 ના વર્લ્ડ બૅંકના ડેટા મુજબ) છે. અમેરિકા ($84,534) અને બ્રિટન ($53,246) જેવા વિકસિત દેશોનો આંકડો તો ઘણો મોટો છે.

અર્થશાસ્ત્રીઓએ સૂચવેલા નક્કર સુધારા

2047ના લક્ષ્યને પહોંચી વળવા માટે અર્થશાસ્ત્રીઓએ નીચે મુજબના નક્કર સુધારા સૂચવ્યા છે.
ભારતે વૈશ્વિક વેપાર માટે વધુ ખુલ્લા થવું પડશે અને આયાત ડ્યુટી (ટૅરિફ) ઘટાડવી પડશે.
માત્ર સુધારાઓની વાતો કરવાને બદલે વાસ્તવિક એક્શન પ્લાન બનાવવો પડશે.
મધ્યમ કદની કંપનીઓ માટે વેપાર કરવાનું (Ease of Doing Business) સરળ બનાવવું પડશે.
યુકે અને યુરોપિયન યુનિયન(EU) સાથેના વેપાર કરારોને મજબૂત કરી વૈશ્વિક સપ્લાય ચેઇનનો ભાગ બનવું પડશે.
ગુણવત્તાયુક્ત રોજગારી વધારવી પડશે
ભારતના GDPનો આંકડો વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં મજબૂત છે અને આર્થિક આંકડાઓમાં કોઈ ચેડાં થયા નથી. પરંતુ માત્ર હેડલાઇન નંબરની ઉજવણી કરવાને બદલે, દેશમાં ગુણવત્તાયુક્ત રોજગારી વધે અને વિકાસનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તેવા નક્કર આર્થિક સુધારા કરવામાં આવે, એ જ સમયની માંગ છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News