Video: કોંગ્રેસ જીતે તો બધું બરાબર, હારે તો વોટ ચોરી? સામ પિત્રોડા પર ભડક્યા રામદાસ આઠવલે!

ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા દ્વારા ચૂંટણી અને વોટિંગને લઈને કરવામાં આવેલી તાજેતરની ટિપ્પણી પર રાજકીય ગરમાવો વધી ગયો છે. આ મામલે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ કોંગ્રેસ અને સામ પિત્રોડા પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પિત્રોડાના નિવેદનને તથ્યવિહીન, અયોગ્ય અને પાયાવિહોણું ગણાવ્યું છે.
કેન્દ્રીય મંત્રી આઠવલેએ વિપક્ષના આક્ષેપો સામે સવાલ ઉઠાવતા કહ્યું કે, કોંગ્રેસ જ્યારે ચૂંટણી હારે છે ત્યારે જ આવા બહાના શોધે છે. પોતાના નિવેદનમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, "તેમણે (સામ પિત્રોડાએ) અગાઉ પણ અનેક પ્રસંગોએ આવા વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. કોંગ્રેસે દેશના ઘણા રાજ્યોમાં પોતાની સરકારો બનાવી છે; તે રાજ્યોમાં ક્યારેય વોટ ચોરીના આરોપ લગાવવામાં આવતા નથી. પરંતુ, જ્યારે પણ ભાજપ-એનડીએની સરકાર સત્તામાં આવે છે, ત્યારે આવા આરોપો લગાવવામાં આવે છે. દેશમાં 'વોટ ચોરી' જેવી કોઈ વસ્તુ જ નથી—જનતા જેને સત્તામાં જોવા માંગે છે તેને જ વિજયી બનાવીને સત્તા સોંપે છે. સામ પિત્રોડાનું નિવેદન તદ્દન અયોગ્ય અને સત્યથી વેગળું છે."
આઠવલેએ ઉમેર્યું કે ચૂંટણી પરિણામો દેશના મતદારોનો જનાદેશ દર્શાવે છે. જ્યારે વિપક્ષ ચૂંટણી જીતે ત્યારે સિસ્ટમ બરાબર હોય છે અને હારે ત્યારે શંકા ઊભી કરવામાં આવે છે, જે લોકશાહી ઢાંચાનું અપમાન છે.







