VIDEO: ટ્રેનના AC કોચને બનાવ્યો ‘હનીમૂન સ્યુટ’: નવપરિણીત યુગલનો રોમેન્ટિક અંદાજ જોઈ રેલવે લાલચોળ, TTE સસ્પેન્ડ
રેલવે મુસાફરી દરમિયાન એક નવ પરિણીત યુગલે પોતાની સફરને યાદગાર બનાવવા માટે કંઈક એવું કર્યું કે જે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચાનો વિષય બન્યું છે. મહારાષ્ટ્રના જાલના સ્ટેશનેથી પસાર થતી નંદીગ્રામ એક્સપ્રેસ ટ્રેનના ફર્સ્ટ AC કૂપેને ફૂગ્ગા, હજારો ગુલાબની પાંખડીઓ અને લાઇટિંગથી સજાવીને બિલકુલ હોટેલના ‘હનીમૂન સ્યુટ’ જેવો લુક આપવામાં આવ્યો હતો. આ રોમેન્ટિક સજાવટનો વીડિયો વાયરલ થતાં જ રેલવે પ્રશાસન હરકતમાં આવ્યું છે અને સુરક્ષામાં મોટી ખામી ગણીને કડક કાર્યવાહી કરી છે.
ઓનલાઇન ડેકોરેટર હાયર કરીને કરાવી સજાવટ
પ્રાપ્ત વિગતો અનુસાર, ટ્રેન નંબર 11002 નંદીગ્રામ એક્સપ્રેસમાં 6 July 2026ના રોજ એક નવ પરિણીત કપલ મુસાફરી કરી રહ્યું હતું. આ કપલે પોતાની સફર રોમેન્ટિક બનાવવા માટે ઓનલાઇન માધ્યમથી એક પ્રાઇવેટ ડેકોરેટર હાયર કર્યો હતો. જ્યારે ટ્રેન જાલના સ્ટેશને ઊભી હતી, ત્યારે આ ડેકોરેટરે કેબિનની અંદર જઈને દીવાલ પર ‘I Love You’ લખ્યું અને આખી કેબિનને લક્ઝુરિયસ લુક આપી દીધો હતો.
રેલવે વિભાગે લીધા કડક પગલાં, હોદ્દેદાર સસ્પેન્ડ
આ મામલો સામે આવ્યા બાદ સાઉથ સેન્ટ્રલ રેલવેએ આને સુરક્ષા વ્યવસ્થામાં એક ગંભીર ક્ષતિ ગણાવી છે. રેલવેના નિયમો અનુસાર, કોઈપણ અજાણી વ્યક્તિ અનામત કોચમાં આ રીતે પ્રવેશી શકે નહીં.
એટલું જ નહીં, આ ઘટના સમયે ફરજ પર હાજર ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર ગિરીશ કુમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. આ સાથે તેમની સામે વિભાગીય તપાસના પણ આદેશ અપાયા છે. આ ઉપરાંત રેલવેએ ટ્રેનમાં ગેરકાયદે રીતે પ્રવેશ કરવા, ટિકિટ વગર મુસાફરી કરવા અને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ડેકોરેટર સામે ‘રેલવે ઍક્ટ’ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાયું
આ વીડિયો વાઇરલ થયા બાદ યુઝર્સમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક લોકોએ કપલના આ અંદાજને ખૂબ જ રોમેન્ટિક અને સુંદર ગણાવ્યો છે અને સવાલ ઉઠાવ્યો છે કે, ‘જ્યારે કપલે આખી કેબિનના પૈસા ચૂકવ્યા છે, તો તેઓ પોતાની પ્રાઇવસીમાં સજાવટ કેમ ન કરી શકે?’
જ્યારે બીજી તરફ, ઘણાં લોકોએ સુરક્ષા અને સ્વચ્છતાનો મુદ્દો ઉઠાવ્યો છે. લોકોનું કહેવું છે કે ટ્રેનમાં આ પ્રકારે ફૂગ્ગા અને પ્લાસ્ટિકની સજાવટ કરવાથી આગ લાગવાનું જોખમ વધી શકે છે અને રેલવે પ્રશાસનની કડક કાર્યવાહી બિલકુલ યોગ્ય છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે વિગતવાર તપાસ અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી નક્કી કરાશે.

