ટોરેન્ટ પાવર આ કંપની પાસેથી ખરીદશે LNG, લાંબા ગાળાની ખરીદી માટે થયા કરાર
ટોરેન્ટ પાવર લિમિટેડ (ટીપીએલ ) એ વર્ષ ૨૦૨૭ થી ૨૦૩૬ સુધી વૈશ્વિક સંકલિત

ટોરેન્ટ પાવર લિમિટેડ (ટીપીએલ ) એ વર્ષ ૨૦૨૭ થી ૨૦૩૬ સુધી વૈશ્વિક સંકલિત ઊર્જા કંપની બીપીની પેટાકંપની, બીપી સિંગાપોર Pte.Ltd પાસેથી વાર્ષિક 0.41 મિલિયન મેટ્રીક ટન એલ.એન.જી.ના પુરવઠા માટે લાંબા ગાળાની ખરીદી અને વેચાણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
ટી.પી.એલ. દ્વારા આ કરાર હેઠળ ખરીદાયેલ એલ.એન.જી. નો ઉપયોગ વ્યૂહાત્મક રીતે કરવામાં આવશે, દેશની વધતી જતી વીજળીની માંગને પહોંચી વળવા માટે તેમજ પીક ડિમાન્ડ સમય અને પુનઃપ્રાપ્ય ઊર્જાના સંતુલનને પહોંચી વળવા માટે ભારતમાં તેના ૨,૭૩૦ મેગાવોટના કમ્બાઇન્ડ સાયકલ ગેસ-આધારિત પાવર પ્લાન્ટ્સ (જીબીપીપી) ચલાવવાનો સમાવેશ થાય છે.
આ કરારથી ટોરેન્ટ ગ્રુપના સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (સી.જી.ડી.) એકમ - ટોરેન્ટ ગેસ લિમિટેડ (ટી.જી.એલ.) ને એલ.પી.જી.ની વધતી માંગને પુરી કરવામાં મદદ મળશે. જેના થકી કંપની ઘરેલુ, વાણિજ્યિક અને ઔદ્યોગિક એકમોના ગ્રાહકો ઉપરાંત સી.એન.જી વાહનો માટે ગેસનો પુરવઠો સુનિશ્ચિત કરી શકશે.
આ કરાર એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક પગલું છે, જે ટોરેન્ટની સ્વચ્છ ઉર્જા માટેની પ્રતિબદ્ધતાની પુષ્ટી કરે છે. સાથે જ લાંબા ગાળાના વીજ ઉત્પાદન અને ગેસ વિતરણ માટે સ્પર્ધાત્મક કિંમતવાળા એલ.એન.જી. સુરક્ષિત કરે છે. આ ઉપરાંત આ કરાર વર્ષ ૨૦૩૦ સુધીમાં ઊર્જા મિશ્રણમાં કુદરતી ગેસની ભાગીદારીને ૧૫% સુધી વધારવાની સાથે સાથે ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવાના ભારત સરકારના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ફાળો આપશે.
એલ.એન.જી.ના ભાવમાં ઘટાડાનો લાભ ઉઠાવતા ટી.પી.એલ.અને તે સાથે ટી.જી.એલ. મળીને ક્રમશઃ જી.બી.પી.પી. અને સી.જી.ડી. નેટવર્ક્સની વધતી માંગના જવાબમાં મધ્યમ-દીર્ઘકાલીન એલ.એન.જી. પ્રાપ્તિના વિકલ્પો સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે, જેનો મુખ્ય લક્ષ્ય પોતાના પોર્ટફોલિયોની વિવિધતા વધારવા અને ગ્રાહકોની ઊર્જા માંગની જરૂરિયાતોને વિશ્વસનીય રીતે પૂર્ણ કરવાનો છે.










