મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહાકુંભ 2025માં બન્યા ત્રણ રેકોર્ડ, ગિનિસ બુકમાં નોંધાયું નામ, મુખ્યમંત્રીએ સફાઈ-પોલીસકર્મી અને નાવિકોનું કર્યું સન્માન

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 45 દિવસ સુધી ચાલેલા મહાકુંભની મહાશિવરાત્રીના દિવસે પૂર્ણાહુતી થઈ હતી. મહાકુંભના સમાપનના બી

મહાકુંભ 2025માં બન્યા ત્રણ રેકોર્ડ, ગિનિસ બુકમાં નોંધાયું નામ, મુખ્યમંત્રીએ સફાઈ-પોલીસકર્મી અને નાવિકોનું કર્યું સન્માન

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 45 દિવસ સુધી ચાલેલા મહાકુંભની મહાશિવરાત્રીના દિવસે પૂર્ણાહુતી થઈ હતી. મહાકુંભના સમાપનના બીજા દિવસે ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સફાઈ કર્મચારીઓ, પોલીસ અને નાવિકોનું સન્માન કર્યું હતું. આ સાથે મહાકુંભે ત્રણ મહારેકોર્ડ સર્જ્યા હતા, જેના માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેનું નામ નોંધાયું હતું. ગિનીસ બુકની ટીમે પ્રયાગરાજ મહાકુંભના નામે સર્જાયેલા આ રેકોર્ડ્સના સર્ટિફિકેટ ગુરુવારે યોગી સરકારને સોંપ્યા હતા.

ગંગાની સફાઈનો વર્લ્ડ રેકોર્ડ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયે ગુરુવારે તેના એક્સ હેન્ડલ પર ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ટીમ તરફથી સોંપાયેલા ત્રણ સર્ટિફિકેટની તસવીર શેર કરી હતી, જેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક તેમના હાથમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડના સર્ટિફિકેટ લઈને જોવા મળ્યા હતા. સીએમઓએ એક્સ પર લખ્યું, '45 દિવસ ચાલેલા લોક આસ્થાના મહાપર્વ મહાકુંભમાં પહેલો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ગંગાની સફાઈનો નોંધાયો છે. ગંગામાં 329 સ્થળો પર એક સાથે સફાઈ કરવાનો રેકોર્ડ નોંધાયો છે. વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે 250 સ્થળ પર એક સાથે અડધા કલાકમાં સફાઈનું લક્ષ્ય હતું, પરંતુ 329 સ્થળો પર એક સાથે ગંગા સફાઈ અભિયાન ચાલ્યું, જે વર્લ્ડ રેકોર્ડ છે.'

હેન્ડ પેઈન્ટિંગનો વર્લ્ડ રેકોર્ડ

બીજો વર્લ્ડ રેકોર્ડ હેન્ડ પેઈન્ટિંગનો છે, જેમાં 10,102 લોકોએ એક સાથે પેઈન્ટિંગ કરી છે. આ પેઈન્ટિંગ લોકો દ્વારા એક સામૂહિક પ્રયાસ હતો. આ પહેલા આ રેકોર્ડ 7,660 લોકોનો હતો. આ સિવાય મહાકુંભમાં ઝાડુ લગાવવાના અભિયાને નવું સિમાચિહ્ન સ્થાપિત કર્યું છે. મહાકુંભમાં 19,000 લોકોએ એક સાથે ઝાડુ લગાવીને મેળા ક્ષેત્રની સફાઈ કરી હતી, જે નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ છે. આ પહેલા 10,000 લોકોએ એક સાથે સફાઈ કરી હતી.

સફાઈ કર્મચારીઓ, પોલીસ અને નાવિકોનું સન્માન કર્યું 

બીજી બાજુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભના સમાપન બાદ ગુરુવારે સફાઈ કર્મચારીઓ, પોલીસ અને નાવિકોનું સન્માન કર્યું હતું અને તેમના માટે મોટી જાહેરાતો કરી હતી. સીએમ યોગીએ કહ્યું કે, "રાજ્ય સરકારે પ્રયાગરાજમાં મહાકુંભમાં સફાઈ અને સ્વાસ્થ્ય કર્મચારીઓને 10,000 રૂપિયાનું બોનસ આપવાનો અને એપ્રિલથી સફાઈ કર્મચારીઓનું લઘુત્તમ વેતન 16,000 રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય અસ્થાયી સ્વાસ્થ્ય કર્મચારીઓ સ્વાસ્થ્ય કવરેજ માટે આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાશે."

મહાકુંભમાં ફરજ નિભાવનારા પોલીસ કર્મચારીઓ માટે ભેટની જાહેરાત કરતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, "મહાકુંભમાં તૈનાત બધા જ પોલીસ કર્મચારીઓને એક સપ્તાહની રજા અપાશે. તેમને સેવા મેડલ અપાશે. આ સિવાય નોન-ગેઝેટેડ પોલીસ કર્મચારીઓને 10,000 રૂપિયાનું સ્પેશિયલ બોનસ અપાશે." મહાકુંભમાં 75,000 પોલીસ કર્મચારીઓ, પીએસી, સીઆરપીએફ, પીઆરડી જવાનો, હોમગાર્ડ્સે ફરજ નીભાવી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નાવિકો અને ઉત્તર પ્રદેશ પરિવહન વિભાગના ડ્રાઈવર્સનો પણ વિશેષ આભાર માન્યો હતો. તેમણે નાવિકોનું સન્માન કરતાં તેમના માટે 5 લાખ રૂપિયાની વીમા યોજનાની જાહેરાત કરી હતી. આ સિવાય ગરિબ નાવિકોને હોડી ખરીદવા નાણા પૂરા પાડશે. જેમની પાસે સ્વાસ્થ્ય વીમો નથી તેમને આયુષ્યમાન ભારત યોજના હેઠળ લાભ અપાશે.

તીર્થરાજ પ્રયાગરાજમાં દુનિયાના સૌથી મોટા ધાર્મિક મેળા મહાકુંભનું મહાશિવરાત્રીના પર્વ સ્નાન સાથે સમાપન થઈ ગયું. આ મહાકુંભમાં 66 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગા, યમુના અને લુપ્ત થઈ ગયેલી સરસ્વતીના ત્રિવેણી સંગમ સ્થળે પવિત્ર ડુબકી લગાવી હતી. મહાકુંભને સુરક્ષિત રીતે સંપન્ન કરાવવા માટે વ્યાપક સ્તરે તૈયારીઓ કરાઈ હતી. મહાકુંભમાં 75,000થી વધુ સુરક્ષા કર્મચારીઓની સાથે અલ્ટ્રા મોર્ડન કેમેરાની પણ મદદ લેવાઈ હતી. લાખો-કરોડો શ્રદ્ધાળુઓની ભીડને નિયંત્રીત કરવા માટે એઆઈની મદદ લેવાઈ હતી. મહાકુંભમાં સંગમ વિસ્તારમાં 1700 કેમેરા લગાવાયા હતા, જેમાં 500થી વધુ કેમેરા એઆઈ એનેબલ્ડ હતા. આ કેમેરાથી એકત્ર કરાયેલા ડાટાથી કરોડો શ્રદ્ધાળુઓની ગણતરી કરાઈ હતી.

આ સમાચાર શેર કરો