Video: "પંજાબના ઘરોમાં ડ્રગ્સ ઘુસાડનારા આજે રોદણાં ન રડે!" બિક્રમ મજીઠિયા પર FIR થતાં જ આપ મંત્રી અમન અરોરાનો જબરદસ્ત પલટવાર!

શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા બિક્રમ સિંહ મજીઠિયા સામે નોંધાયેલી FIRને પગલે પંજાબનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. પંજાબ સરકારના કેબિનેટ મંત્રી અમન અરોરાએ અકાલી દળ અને ભૂતપૂર્વ ગઠબંધન સરકાર પર નિશાન સાધતા આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે પંજાબને નશાની ગર્તામાં ધકેલવા માટે અગાઉની સરકારો જ જવાબદાર હતી.
અમન અરોરાએ જણાવ્યું કે, "વર્ષ 2007થી 2017 વચ્ચે જ્યારે પંજાબમાં અકાલી દળ અને ભાજપ ગઠબંધનની સરકાર હતી, ત્યારે રાજ્યમાં ડ્રગ્સનું નેટવર્ક ફેલાયું હતું. જે લોકોએ તે સમયે પંજાબના ઘર-ઘરમાં ડ્રગ્સ પહોંચાડ્યું અને ગેરકાયદેસર રીતે સેંકડો કરોડ રૂપિયાની સંપત્તિ ભેગી કરી, તેઓ આજે એ જ કાળા નાણાંના જોરે ડ્રગ્સના મુદ્દે અવાજ ઉઠાવી રહ્યા છે અને રોદણાં રડી રહ્યા છે."
તેમણે ઉમેર્યું કે પંજાબની જનતા બધું જ સારી રીતે સમજે છે. વિપક્ષી નેતાઓ ગમે તેવા નિવેદનો આપે, પરંતુ આવનારા દિવસોમાં રાજ્યની જનતા તેમને યોગ્ય અને જડબાતોડ જવાબ આપશે.
બીજી તરફ, માનસા જિલ્લામાં ડ્રગ્સના કથિત ઓવરડોઝથી એક વ્યક્તિના થયેલા મોતના મામલે સવાલ પૂછાતાં મંત્રીએ સાવચેતીપૂર્વક જવાબ આપ્યો હતો. તેમણે સ્પષ્ટતા કરી કે, "હું કોઈ તપાસ અધિકારી નથી કે હું કહી શકું કે આ મોત ડ્રગ્સના ઓવરડોઝથી થયું છે કે પછી આ કોઈ હત્યાનો મામલો છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને તેમને તપાસ પૂર્ણ કરીને મોતનું સાચું કારણ સામે લાવવા દો."







