મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

આઝમ ખાન પર EDનો સપાટો! જૌહર યુનિવર્સિટીની ₹1170 કરોડની સંપત્તિ જપ્ત થતાં ખળભળાટ!

આઝમ ખાન પર EDનો સપાટો! જૌહર યુનિવર્સિટીની ₹1170 કરોડની સંપત્તિ જપ્ત થતાં ખળભળાટ!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી મોહમ્મદ આઝમ ખાનની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ચાલી રહેલી તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની લખનૌ ઝોનલ ટીમે રામપુર સ્થિત મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીની જમીન અને ઇમારતોને પ્રોવિઝનલી એટેચ (જપ્ત) કરી લીધી છે. આ જપ્ત કરાયેલી સંપત્તિની બુક વેલ્યૂ ₹426.46 કરોડ છે, જ્યારે વર્તમાન બજાર કિંમત આશરે ₹1,170 કરોડ જેટલી આંકવામાં આવી છે.

ગેરરીતિઓ અને સરકારી નાણાંના દુરુપયોગનો આરોપ

ED ની તપાસ મુજબ, આઝમ ખાનના નિયંત્રણ હેઠળના 'મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટ' દ્વારા સંચાલિત આ ખાનગી યુનિવર્સિટીના નિર્માણમાં સરકારી ભંડોળ, સરકારી કોન્ટ્રાક્ટ્સ અને સરકારી મશીનરીનો વ્યાપક દુરુપયોગ કરવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન સામે આવેલી મુખ્ય વિગતો મુજબ ઇન્કમટેક્સ વિભાગના સર્વે અને મૂલ્યાંકન મુજબ યુનિવર્સિટી કેમ્પસના નિર્માણનો ખર્ચ ₹494.46 કરોડ અને જમીન ખર્ચ ₹4.63 કરોડ મળી કુલ ખર્ચ ₹499.09 કરોડ હતો. જોકે, ટ્રસ્ટે પોતાના આઈટી રિટર્નમાં કેપિટલ ખર્ચ માત્ર ₹78.32 કરોડ દર્શાવ્યો હતો. આશરે ₹416 કરોડથી વધુની રકમની હેરાફેરીની તપાસ થઈ રહી છે.

સરકારી ફંડનો દુરુપયોગ

ધારાસભ્ય અને વિધાન પરિષદ સભ્ય (MLA/MLC) ફંડમાંથી આશરે ₹6.60 કરોડ ખાનગી યુનિવર્સિટીમાં વાપરવામાં આવ્યા હતા, જેનું કામ તત્કાલીન જલ નિગમ દ્વારા થયું હતું (જેના તે સમયે ખુદ આઝમ ખાન અધ્યક્ષ હતા). યુનિવર્સિટી કેમ્પસ માટે રામપુરના સિંઘાનખેડા ગામમાં આવેલી આશરે 34 એકર 'શત્રુ સંપત્તિ' તેમજ ખેડૂતોની જમીન પર બળજબરીથી કબજો કરવામાં આવ્યો હોવાના આરોપો પણ સામે આવ્યા હતા. વર્ષ 2015-16માં સરકારી ખર્ચે બનેલા ₹12.16 કરોડના ભવ્ય પંડાલની શરતોમાં ફેરફાર કરી તેને સરકારી માલિકીમાંથી યુનિવર્સિટીની ખાનગી મિલકતમાં બદલી નાખવામાં આવ્યો હતો.

આ મામલે રામપુર પોલીસે આઝમ ખાન અને અન્યો સામે નોંધેલી 26થી વધુ એફઆઈઆરના આધારે EDએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. અગાઉ 19 ઓગસ્ટના રોજ EDએ યુનિવર્સિટી પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને ડિજિટલ પુરાવાઓ જપ્ત કર્યા હતા. હવે ED દ્વારા ₹1,170 કરોડની માર્કેટ વેલ્યૂ ધરાવતી સ્થાવર મિલકતો જપ્ત કરવામાં આવતા આઝમ ખાન અને તેમના ટ્રસ્ટ સામે ગાળિયો વધુ મજબૂત બન્યો છે.

આ સમાચાર શેર કરો