આઝમગઢમાં ચૂંટણી પંચનો મોટો સપાટો: અખિલેશ યાદવના આરોપો બાદ ખળભળાટ, 9 અધિકારી-કર્મચારીઓ સામે આકરી કાર્યવાહી!

ઉત્તર પ્રદેશના રાજકારણમાં મતદાર યાદી (Voter List)ને લઈને ફરી એકવાર મોટો ભૂકંપ આવ્યો છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ચૂંટણી પંચ અને મતદાર યાદીની વિશ્વસનીયતા પર ઉઠાવેલા સવાલો બાદ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. અખિલેશ યાદવે પત્રકાર પરિષદ યોજીને જે ગંભીર આરોપો લગાવ્યા હતા, તે ચૂંટણી પંચની પ્રાથમિક તપાસમાં સાચા સાબિત થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
શું હતો સમગ્ર મામલો?
સમાજવાદી પાર્ટીએ મીડિયા સમક્ષ 'વિકાસ યાદવ' નામના એક વ્યક્તિને રજૂ કરીને દાવો કર્યો હતો કે એક જ વિધાનસભા વિસ્તારની મતદાર યાદીમાં તેમના નામે અનેક બોગસ મત નોંધાયેલા છે. આ ખુલાસાથી ચૂંટણી પંચ હરકતમાં આવ્યું અને તાબડતોબ આઝમગઢના જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી સમગ્ર મામલાનો રિપોર્ટ માંગવામાં આવ્યો હતો.
તપાસમાં બહાર આવી ચોંકાવનારી વિગતો:
ચૂંટણી પંચની ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું કે, મતદાર યાદીમાં 'વિકાસ યાદવ' નામ ખરેખર ૧૩ જગ્યાએ નોંધાયેલું મળ્યું હતું! જેમાંથી ૧ એન્ટ્રી ગોરખપુર સાથે જોડાયેલી હતી અને ૨ જગ્યાએ નામ પહેલાંથી રદ થયેલાં હતાં. બાકી રહેલી 11 એન્ટ્રીઓની તપાસ કરતાં સામે આવ્યું કે તે તમામ અલગ-અલગ વ્યક્તિઓ છે, પરંતુ ડેટા એન્ટ્રીમાં ગંભીર બેદરકારીને કારણે 10 લોકોના નામની જગ્યાએ 'વિકાસ યાદવ' દર્શાવી દેવાયું હતું!
9 અધિકારી-કર્મચારીઓ સામે ગાજ પડી:
આ ભયંકર લાપરવાહી સામે આવતાં જ તંત્રએ આકરાં પગલાં લીધાં છે. 1 કોમ્પ્યુટર સહાયક અને 5 બૂથ લેવલ ઓફિસર્સ (BLO) સહિત કુલ 6 કર્મચારીઓને મતદાર યાદીની કામગીરીમાંથી હટાવી તેમની સેવા સમાપ્તિની નોટિસ અને કાનૂની કાર્યવાહી (લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ) શરૂ કરાઈ છે. તે સમયના ઇલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસર (ERO) અને 2 આસિસ્ટન્ટ ERO (AERO) સહિત ઉચ્ચ અધિકારીઓને કારણદર્શક નોટિસ અને ખાતાકીય તપાસનો સામનો કરવો પડશે.
સમગ્ર જિલ્લાની મતદાર યાદી ફરી ચકાસાશે:
આ ઘટના બાદ માત્ર એક વિધાનસભા નહીં, પરંતુ સમગ્ર આઝમગઢ જિલ્લાની તમામ બેઠકોની મતદાર યાદીઓની ઊંડાણપૂર્વક ચકાસણી કરવાના આદેશ આપી દેવાયા છે. એક અઠવાડિયામાં આ અંગેનો આખરી રિપોર્ટ રજૂ કરવો પડશે. બીજી તરફ, વિપક્ષ આ મુદ્દે ચૂંટણી પંચ અને સરકારને ઘેરવાની કોઈ તક છોડી રહ્યો નથી.











