મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: પોલીસ સ્ટેશનના દરવાજે જ 50-60 ગુંડાઓની ભીડે સ્પીકર પર આપી ધમકી! દિલ્હી પોલીસ તમાશો જોતી રહી? નેહા બોરાએ વીડિયો જાહેર કરી વર્ણવી ચોંકાવનારી આપવીતી!

સોર્સ: gstv

રાજધાની નવી દિલ્હીમાં પોલીસ સ્ટેશનના પ્રવેશદ્વાર બહાર જ કાયદો-વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિયેશન (AISA)ના અધ્યક્ષ નેહા બોરાએ આરોપ લગાવ્યો છે કે નવી દિલ્હીના મંદિર માર્ગ પોલીસ સ્ટેશન બહાર 50થી 60 લોકોના ટોળાએ તેમને ખુલ્લેઆમ ધમકીઓ આપી અને પોલીસ માત્ર તમાશો જોતી રહી. નેહા બોરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વીડિયો શેર કરીને પોતાની આપવીતી જણાવી છે.

સમગ્ર મામલો શું છે?

નેહા બોરા સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) સમક્ષ હાજર થવા માટે નવી દિલ્હીના મંદિર માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અગાઉ દિલ્હી હાઈકોર્ટમાં તેમની પીસ બોન્ડ (શાંતિ બોન્ડ) સંબંધિત નોટિસ સામેની અરજી ફગાવી દેવાઈ હતી, જેના પછી તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવાનું હતું.

પોલીસ સ્ટેશન બહાર સ્પીકર પર અપાઈ ધમકીઓ

પોતાના વીડિયોમાં આપવીતી સંભળાવતાં નેહા બોરાએ જણાવ્યું હતું કે, "હું સમયસર પોલીસ સ્ટેશન પહોંચી રહી હતી, ત્યારે લગભગ ૧૦૦ મીટર દૂરથી જ મને ખ્યાલ આવ્યો કે પોલીસ સ્ટેશન બહાર ૫૦થી ૬૦ અસામાજિક તત્વો ઊભા હતા. તેઓ સ્પીકર પર મોટા અવાજે એલાન કરી રહ્યા હતા કે જો નેહા બોરા અહીં આવશે તો જોઈ લઈશું કે તેને કોણ બચાવે છે. સાથે જ 'નેહા બોરા મુર્દાબાદ'ના નારા લગાવવામાં આવી રહ્યા હતા."

દિલ્હી પોલીસની કાર્યવાહી સામે ઉઠાવ્યા સવાલ

નેહા બોરાએ દિલ્હી પોલીસની ભૂમિકા સામે આકરા સવાલો કરતાં કહ્યું કે, "જ્યારે પોલીસ સ્ટેશનના દરવાજે જ 50-60ગુંડાઓની ભીડ ઊભી રહીને ધમકીઓ આપે છે ત્યારે પોલીસ તેમને હટાવવા માટે કોઈ પગલાં કેમ નથી લેતી? શું એ શાંતિ ભંગ નથી? પરંતુ સામાન્ય નાગરિકો જ્યારે ચૂંટણી પંચ અને SIR (મતદાર યાદીઓના વિશેષ પુનરીક્ષણ)માં ગેરરીતિ સામે અવાજ ઉઠાવે ત્યારે તેને શાંતિ ભંગ ગણવામાં આવે છે!"

સુનાવણીમાં શું થયું?

સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસને નેહા બોરાના વકીલને જરૂરી તમામ દસ્તાવેજો સોંપવાનો નિર્દેશ આપ્યો છે અને જવાબ રજૂ કરવા માટે સમય આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી ૨૯ ઑક્ટોબરના રોજ નિર્ધારિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજધાનીમાં 'લહેરા દો તિરંગા' માર્ચ દરમિયાન અટકાયત કરાયા બાદ નેહા બોરાને પીસ બોન્ડ ભરવા નોટિસ અપાઈ હતી, જેને ભરવાનો તેમણે સતત ઇનકાર કર્યો છે.

આ સમાચાર શેર કરો