મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

New Year 2025: શું રોહિત-કોહલી રમતા રહેશે, દિલ્હી-બિહારમાં કોની બનશે સરકાર? આ વર્ષે મળશે આ સવાલના જવાબ

વર્ષ 2024 ઘણી રીતે ઉતાર-ચઢાવનું વર્ષ હતું. રાજકીય ક્ષેત્રથી લઈને કુદરતી આફતો અને અકસ્માતો સુધી, આખું વર્ષ કંઈક યા બ

New Year 2025: શું રોહિત-કોહલી રમતા રહેશે, દિલ્હી-બિહારમાં કોની બનશે સરકાર? આ વર્ષે મળશે આ સવાલના જવાબ

વર્ષ 2024 ઘણી રીતે ઉતાર-ચઢાવનું વર્ષ હતું. રાજકીય ક્ષેત્રથી લઈને કુદરતી આફતો અને અકસ્માતો સુધી, આખું વર્ષ કંઈક યા બીજી ઘટનાઓ બનતી રહી, જેનાથી લોકો સ્તબ્ધ થઈ ગયા. લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના NDAની જીત હોય કે હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર હોય, લોકોમાં રાજકીય મુકાબલાનો રોમાંચ જોવા મળ્યો હતો.સંસદમાં આ વર્ષ હંગામેદાર રહ્યું હતું. સરકાર 'એક દેશ, એક ચૂંટણી' અને વકફ બોર્ડ બિલ લઇને આવી હતી.

રમત જગત પર નજર કરીએ તો આ વર્ષ શાનદાર રહ્યું. ક્રિકેટમાં, ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો, જ્યારે ચેસ ઓલિમ્પિયાડમાં,ભારતની મેન્સ અને મહિલા ટીમે પ્રથમ વખત એકસાથે ગોલ્ડ મેડલ જીત્યા. હવે લોકોને નવા વર્ષ એટલે કે 2025માં ઘણી અપેક્ષાઓ છે. લોકોના મનમાં રાજકારણ, રમતગમત અને સરકારથી માંડીને અનેક સામાજિક મુદ્દાઓ સાથે જોડાયેલા પ્રશ્નો હશે, જેના જવાબો આવનારા દિવસોમાં મળી શકશે. 

રોહિત શર્મા-વિરાટ કોહલીનું ભવિષ્ય નક્કી થશે

ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં અત્યાર સુધી ચાર મેચમાં સારૂ પ્રદર્શન કરી શક્યા નથી જેના કારણે આ બે સ્ટાર બેટ્સમેનોના ટેસ્ટ ક્રિકેટ છોડવાના સમાચારે જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા પર ઘણા ચાહકોએ રોહિત અને કોહલીને તેમના નિરાશાજનક પ્રદર્શન બાદ ટેસ્ટ ફોર્મેટ છોડવાની અપીલ કરી છે. કોહલીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત પર્થ ટેસ્ટની બીજી ઈનિંગમાં સદી સાથે કરી હતી. પર્થ ટેસ્ટમાં સદી હોવા છતાં કોહલીના પ્રદર્શનમાં સાતત્યનો અભાવ છે અને અત્યાર સુધી તેણે શ્રેણીમાં 5, 100 અણનમ, 7, 11, 3, 36 અને 5 રનની ઇનિંગ્સ રમી છે. જ્યારે રોહિત શર્માએ પાંચ ઇનિંગ્સમાં 6.20ની એવરેજથી માત્ર 31 રન બનાવ્યા છે અને આ દરમિયાન તેણે 3, 6, 10, 3 અને 9 રન બનાવ્યા છે જે ઓસ્ટ્રેલિયાની ધરતી પર કોઈપણ વિદેશી કેપ્ટનની સૌથી ઓછી એવરેજ છે. હવે આ બંને દિગ્ગજ ક્રિકેટરોનું ભવિષ્ય નવા વર્ષમાં જ નક્કી થઈ જશે.

દિલ્હી-બિહારમાં વિધાનસભા ચૂંટણી

આ વર્ષે બે મહત્ત્વના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સૌથી પહેલા દિલ્હીમાં ચૂંટણીનું બ્યુગલ વાગશે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અહીં સત્તામાં છે. છેલ્લા ઘણા સમયથી પાર્ટીએ અહીં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ભાજપ અને કોંગ્રેસ અહીં AAPને ટક્કર આપવાનો પ્રયાસ કરશે. આ સાથે બિહારમાં સત્તા માટે સંઘર્ષ થશે. અહીં ભાજપ-જેડીયુ ગઠબંધનની સરકાર છે. નીતિશ કુમાર રાજ્યના મુખ્યમંત્રી છે. ભૂતકાળના રેકોર્ડ પર નજર કરીએ તો નીતિશ કુમાર વિશે અગાઉથી કોઈ કંઈ કહી શકે તેમ નથી. આવી સ્થિતિમાં અહીં વિધાનસભા ચૂંટણી દરમિયાન રોમાંચક મુકાબલો જોવા મળી શકે છે. નવું વર્ષ આપણને જે બે પ્રશ્નોના જવાબ આપશે તે છે, પ્રથમ, શું દિલ્હીની જનતા ફરી એકવાર કેજરીવાલ પર વિશ્વાસ કરશે અને બીજું, શું બિહારમાં નીતિશ કુમાર સત્તા પર રહેશે કે મહાગઠબંધન ફરીથી ખેલા કરવામાં સફળ થશે?

એક દેશ, એક ચૂંટણી કાયદો બની શકે

'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' બિલ 17 ડિસેમ્બરે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ગૃહમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ જેવા મુખ્ય વિરોધ પક્ષોએ આ બિલનો વિરોધ કર્યો હતો. આ પછી તેને ચર્ચા અને સમીક્ષા માટે સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યો હતો. સમિતિને આગામી બજેટ સત્રના છેલ્લા સપ્તાહના પ્રથમ દિવસ સુધીમાં રિપોર્ટ સુપરત કરવા માટે કહેવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં 73માં સ્વતંત્રતા દિવસના અવસર પર સૌથી પહેલા એક દેશ, એક ચૂંટણીનો પોતાનો વિચાર રજૂ કર્યો હતો. આ સિવાય સરકાર વક્ફ બોર્ડ એમેન્ડમેન્ટ બિલને સંસદમાં પાસ કરાવવાનો પ્રયાસ પણ કરી શકે છે. આ બિલ પણ હાલમાં જેપીસી પાસે છે. આવી સ્થિતિમાં, હવે લોકોના મનમાં એક મોટો પ્રશ્ન એ છે કે શું સરકાર આ બિલોને લાગુ કરવા માટે સર્વસંમતિ બનાવી શકશે અને શું આ વર્ષે તે કાયદાનું સ્વરૂપ લઈ શકશે?

ભાજપને મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ પણ 2025માં નક્કી થશે. નવા વર્ષમાં જાન્યુઆરીના અંતમાં ભાજપને નવો રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. તાજેતરમાં ભાજપના નેતા પીટી કુંજંગે માહિતી આપી હતી કે રાજ્ય અને જિલ્લા પ્રમુખોની ચૂંટણી 15 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થશે. આ પછી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થશે અને જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીથી લઈને એશિયા કપ સુધી, ખૂબ જ વ્યસ્ત છે ટીમ ઈન્ડિયાનું 2025નું શેડ્યૂલ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો થઇ શકે

ભારત સરકાર ખેડૂતો માટે એક વિશેષ યોજના ચલાવી રહી છે, જેનું નામ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે. આ યોજનામાં પાત્રતા ધરાવતા ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો આપવાની જોગવાઈ છે. સરકાર ખેડૂતોને અપાતા હપ્તામાં વધારો કરશે કે નહીં? કૃષિ રાજ્ય મંત્રીએ આ અંગે લોકસભામાં લેખિત જવાબ આપ્યો હતો. જેમાં તેમને પૂછવામાં આવ્યું કે શું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવતી રકમમાં વધારો કરવાનો કોઈ પ્રસ્તાવ છે? જવાબમાં કહેવામાં આવ્યું હતું કે હાલમાં આવી કોઈ દરખાસ્ત નથી. જોકે, સન્માન નિધિમાં વધારો કરવાની માંગ ઘણા સમયથી ચાલી રહી છે. આવી સ્થિતિમાં આ અંગેનો નિર્ણય પણ નવા વર્ષમાં લેવામાં આવી શકે છે.

એક સાથે જોવા મળી શકે છે ત્રણેય ખાન

આ વર્ષે શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન એક ફિલ્મ માટે એકસાથે આવવાને લઈને ફિલ્મ ચાહકોના સવાલોના જવાબ મળી શકે છે.આમિર ખાને તેના એક ઇન્ટરવ્યુમાં આ વિશે વાત કરી હતી. આમિરે બંને કલાકારો સાથે લગભગ છ મહિના પહેલા એક સાથે ફિલ્મ કરવા વિશે કરેલી વાતચીત શેર કરી અને કહ્યું કે તેઓ યોગ્ય સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યા છે. આમિર ખાને કહ્યું હતું કે મને લાગે છે કે સલમાન ખાન અને શાહરૂખ ખાને આ પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. તેમને પણ લાગ્યું કે આપણે ચોક્કસ કરવું જોઈએ. જો કે, આ માટે આપણને સારી વાર્તાની જરૂર છે. અમે સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યા છીએ, જોકે અમે ત્રણેય પણ કામ કરવા માટે ઉત્સાહિત છીએ.

આ સમાચાર શેર કરો