મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મોટી જીત મેળવીને પણ હારી ગયા આ નેતા, ના મેળવી શક્યા મોદી સરકારમાં સ્થાન

18મી લોકસભામાં એનડીએ બહુમતવાળી સરકારમાં પીએમ મોદીએ સતત ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા

મોટી જીત મેળવીને પણ હારી ગયા આ નેતા, ના મેળવી શક્યા મોદી સરકારમાં સ્થાન

18મી લોકસભામાં એનડીએ બહુમતવાળી સરકારમાં પીએમ મોદીએ સતત ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા છે. પીએમ મોદી સિવાય અન્ય 71 મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. પરંતુ ગત સરકારમાં હિસ્સો રહેલા ઘણાં મંત્રીઓને આ વખતે મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. એમાંના 19 મંત્રીઓ એવા છે જે ચૂંટણી હારી ગયા છે. 8 લોકોને ટિકિટ જ નહોતી આપી. આ પ્રકારે 27 મંત્રીઓ તો સીધા સત્તામાંથી બહાર થઈ ગયા પરંતુ એવા નેતાઓ પણ છે જેઓ ચૂંટણી જીત્યા છે તેમ છતાં મંત્રીમંડળમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા નથી. આવા નેતાઓની લોકમુખે ચર્ચા થઈ રહી છે. 

મોદી સરકારની નવી ઈનિંગમાં ગત વખતના મંત્રીઓને સ્થાન નથી મળ્યું એમાં અનુરાગ ઠાકુર, નારાયણ રાણે, પુરુષોત્તમ રૂપાલા, અજય ભટ્ટ, ફગ્ગનસિંહ, પુરુષોત્તમ રૂપાલા વગેરે સામેલ છે. આ વખતે હિમાચલની હમીરપુર સીટ પરથી સતત પાંચમી વખત જીતનારા અનુરાગ સિંહ ઠાકુર તો મોદી સરકારના બીજા કાર્યકાળમાં પ્રવક્તા તરીકે આવતા હતા. સરકારનો પક્ષ રાખવા માટે હંમેશા તે જ આવતા હતા. આ ઉપરાંત કેબિનેટ મિટિંગના નિર્ણયો પણ તેઓ પત્રકારો સામે રાખતા હતા. પરંતુ આ વખતે તેમને સરકારમાં સ્થાન મળ્યું નથી. 

મૂળ હિમાચલી નેતા જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભા સાંસદ છે. પરંતુ હિમાચલમાં પણ તેમનો દબદબો રહે છે. અનુરાગ ઠાકુરને બહાર રાખવા પાછળનું કારણ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ધારાસભ્યોની પેટાચૂંટણીમાં હારનું કારણ પણ માનવામાં આવે છે. હિમાચલ વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 38 પહોંચી જતાં સુક્ખુ સરકાર પર ભય ટળી ગયો છે. હિમાચલમાં કોંગ્રેસ મજબૂત બની તેનું ફળ અનુરાગ ઠાકુરને ભોગવવું પડ્યું હોય એવું રાજકીય નિષ્ણાંતો માને છે. 

મહારાષ્ટ્રની રત્નાગિરી સીટથી જીતનારા નારાયણ રાણેને પણ સરકારમાંથી બહાર રખાયા છે. મહારાષ્ટ્રમાં આ વખતે ચૂંટણી હોવા છતાં રાણેને તક મળી નથી. તો ગુજરાતના પુરુષોત્તમ રૂપાલા અગાઉની સરકારમાં રાજ્યસભામાંથી મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હતા પરંતુ આ વખતે રાજપૂતો સામે નિવેદન કરીને પુરુષોત્તમ રૂપાલાએ વિવાદ ઉભો કરતાં મંત્રીમંડળમાં જગ્યા બનાવી શક્યા નથી. રાજપૂત સમાટે રુપાલાની ટિકિટ કાપવા દબાણ કર્યું પરંતુ પાર્ટીએ તેમ નહોતું કર્યું. મંત્રીમંડળમાં સમાવેશ ન કરીને એક સંદેશ ચોક્કસ આપ્યો છે. 

આ સમાચાર શેર કરો