મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

એક-બે નહીં પૂરા 6 ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓને મળ્યું છે PM મોદીની નવી કેબિનેટમાં સ્થાન

PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ત્રીજી વખત NDAની સરકાર બની છે. રવિવારે સાંજે PM મોદ

એક-બે નહીં પૂરા 6  ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓને મળ્યું છે PM મોદીની નવી કેબિનેટમાં સ્થાન

PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ત્રીજી વખત NDAની સરકાર બની છે. રવિવારે સાંજે PM મોદીની સાથે 71 સાંસદોએ મંત્રી તરીકે શપથ લીધા. કેબિનેટમાં કુલ ત્રીસ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય મોદી સરકાર 3.0માં સ્વતંત્ર પ્રભારી સાથે પાંચ મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે 36 સાંસદોને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. આ કેબિનેટમાં છ પૂર્વ મુખ્યમંત્રીઓને પણ સ્થાન મળ્યું છે.

કેબિનેટમાં સ્થાન મેળવનારા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોમાં શિવરાજ સિંહ ચૌહાણ (મધ્યપ્રદેશ), રાજનાથ સિંહ (ઉત્તર પ્રદેશ), મનોહર લાલ ખટ્ટર (હરિયાણા), સર્બાનંદ સોનોવાલ (આસામ), એચડી કુમારસ્વામી (કર્ણાટક) અને જીતન રામ માંઝી(બિહાર)નો સમાવેશ થાય છે. આમાંથી ચાર  ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો ભારતીય જનતા પાર્ટીના છે, જ્યારે કુમારસ્વામી જનતા દળ-સેક્યુલર અને માંઝી હિન્દુસ્તાની અવમ મોરચાનું પ્રતિનિધિત્વ કરે છે.

રાજનાથ સિંહ

રાજનાથ સિંહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચુક્યા છે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે પણ કામ કરી ચૂક્યા છે. 1988માં એમએલસી બન્યા બાદ તેઓ 1991માં યુપીના શિક્ષણ મંત્રી બન્યા.  તેઓ વર્ષ 1994માં રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ પછી, 1999 માં, તેમને પ્રથમ વખત કેન્દ્રીય પરિવહન મંત્રી બનાવવામાં આવ્યા. આ સમય દરમિયાન તેમણે અટલ બિહારી વાજપેયીના ડ્રીમ પ્રોજેક્ટ નેશનલ હાઈવે ડેવલપમેન્ટ પ્રોગ્રામ (NHDP)ની શરૂઆત કરી. ઓક્ટોબર 2000 માં, તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા. આ દરમિયાન તેઓ બારાબંકીની હૈદરગઢ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

શિવરાજ સિંહ ચૌહાણ

1990માં બુધનીથી પહેલીવાર ચૂંટણી જીતીને ધારાસભ્ય બનેલા શિવરાજ સિંહ ચૌહાણની ગણતરી ભાજપના શક્તિશાળી નેતાઓમાં થાય છે. તેમણે અખિલ ભારતીય કેશરિયા વાહિનીના કન્વીનર તરીકે નેવુંના દાયકામાં રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. 6 વખત સાંસદ રહી ચૂકેલા શિવરાજ સિંહ ચૌહાણ ચાર વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમણે 2000 થી 2003 દરમિયાન ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ તરીકે પણ સેવા આપી હતી.

2005 માં, ભાજપ દ્વારા તેમને મુખ્ય પ્રધાન પદ માટે પસંદ કરવામાં આવ્યા. આ પછી, વર્ષ 2006 માં, તેમણે બુધની વિધાનસભા મતવિસ્તારમાંથી પેટાચૂંટણી લડી, અને તેમની જૂની બેઠક પરથી 36,000 થી વધુ મતોની સરસાઈથી ચૂંટણી જીતી. તેઓ 2005 થી 2018 વચ્ચે ત્રણ વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. મધ્યપ્રદેશમાં સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ પણ શિવરાજ સિંહના નામે છે.

મનોહર લાલ ખટ્ટર

મનોહર લાલ ખટ્ટરને રાજકારણી તરીકે ઓછા અને આરએસએસના પ્રચારક તરીકે વધુ ઓળખવામાં આવે છે. તેઓ 1977 માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માં જોડાયા અને માત્ર ત્રણ વર્ષ પછી સંગઠનના પૂર્ણ-સમયના પ્રચારક બન્યા 2000-2014 દરમિયાન, ખટ્ટર હરિયાણામાં ભાજપના સંગઠન મહાસચિવ હતા. 2014ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમને કરનાલથી ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા.  તેઓ ભારે માર્જિનથી જીત્યા, જે પછી ખટ્ટરને રાજ્યમાં ભાજપ વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા અને પાર્ટી દ્વારા તેમને મુખ્યમંત્રી બનાવવવામાં આવ્યા હતા. ખટ્ટરે લગભગ 10 વર્ષ સુધી રાજ્યના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.

સર્બાનંદ સોનોવાલ

સર્બાનંદ સોનોવાલ આસામથી આવે છે. આ વખતે તેઓ આસામની ડિબ્રુગઢ બેઠક પરથી 279321 મતોથી જીત્યા. સોનોવાલા, જેઓ કેન્દ્ર સરકારમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગોના પ્રધાન અને આયુષ પ્રધાન હતા, તેઓ આસામમાંથી રાજ્યસભાના સભ્ય પણ છે. સોનોવાલ અગાઉ 2012 થી 2014 અને ફરીથી 2015 થી 2016 સુધી ભારતીય જનતા પાર્ટી (BJP) ના આસામ રાજ્ય અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે 2014 થી 2016 સુધી ભારત સરકારના રમતગમત અને યુવા બાબતોના મંત્રી તરીકે પણ સેવા આપી છે. 2016ની આસામ વિધાનસભા ચૂંટણી પછી તેઓ આસામના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા અને આસામના પ્રથમ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી બન્યા.

એચડી કુમારસ્વામી

જનતા દળ સેક્યુલર (જેડીએસ)ના સાંસદ એચડી કુમારસ્વામી, જેઓ એનડીએમાં સહયોગી છે, તેમણે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. આ વખતે તેઓ માંડ્યા લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાના પુત્ર કુમારસ્વામી 2006 અને 2007 વચ્ચે અને 2018 અને 2019 વચ્ચે બે વાર કર્ણાટકના મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે. તેઓ લોકોમાં કુમારન્ના તરીકે ઓળખાય છે.

જીતનરામ માંઝી

હિન્દુસ્તાની અવમ મોરચા (HAM)ના વડા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીને પણ મોદી સરકારમાં પહેલીવાર મંત્રી બનાવવામાં આવ્યા છે. 1980માં તેઓ કોંગ્રેસની ટિકિટ પર ગયાની ફતેહપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા. તેમની 44 વર્ષની રાજકીય કારકિર્દીમાં જીતનરામ માંઝી જનતા દળ (1990-1996), રાષ્ટ્રીય જનતા દળ (1996-2005) અને જેડીયુ (2005-2015) જેવી પાર્ટીઓમાં રહી ચૂક્યા છે. જીતન રામ માંઝી 2014માં રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા જ્યારે લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું અને તેમની જગ્યાએ જીતન રામ માંઝીને નવા મુખ્યમંત્રી બનાવ્યા. જો કે, તે સમયે નીતિશ કુમારના નજીકના અને વિશ્વાસુ એવા જીતન રામ માંઝીએ 10 મહિના પછી જ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

આ સમાચાર શેર કરો