'શું અમે પાર્ટીઓને પૂછીને આદેશ આપીએ છીએ?' આ રાજ્યના મુખ્યમંત્રીને સુપ્રીમ કોર્ટે ખખડાવ્યા
કથિત દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત કેસોમાં સુપ્રીમ કોર્ટે BRS નેતા કે. કવિતાને આપેલા જામીન

કથિત દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત કેસોમાં સુપ્રીમ કોર્ટે BRS નેતા કે. કવિતાને આપેલા જામીન મુદ્દે તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવન્ત રેડ્ડીની ટિપ્પણી પર ગુરુવારે આપત્તિ દર્શાવી હતી. રેડ્ડીએ આક્ષેપ કર્યો હતો કે, કવિતાના જામીન માટે ભાજપ અને બીઆરએસ વચ્ચે સોદાબાજી થઈ હશે. આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા નિવેદનો લોકોના મનમાં આશંકા પેદા કરી શકે છે.
રેડ્ડી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીને સુપ્રીમના જસ્ટિસ બી. આર. ગવઈની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે પૂછ્યું, 'શું તમે અખબારમાં વાંચ્યું કે તેમણે શું કહ્યું? એક જવાબદાર મુખ્યમંત્રી આવું નિવેદન? જેના કારણે લોકોના મનમાં આશંકા પેદા થાય. શું કોઈ મુખ્યમંત્રીએ આવું નિવેદન કરવું જોઈએ? બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ આવું બોલી રહી છે?
સુપ્રીમે કહ્યું કે, કોર્ટને રાજકીય દુશ્મનાવટમાં શા માટે ખેંચવું જોઈએ? શું અમે રાજકીય પક્ષોની સલાહ લઈને ઓર્ડર આપીએ છીએ? રાજકીય નેતાઓ કે અન્ય કોઈ અમારા નિર્ણયોની ટીકા કરે તેનાથી અમને કોઈ વાંધો નથી. અમે અમારી વિવેકબુદ્ધિથી અમારી ફરજ બજાવીએ છીએ.
જણાવી દઈએ કે, મંગળવારે પત્રકારો સાથે વાત કરતા રેડ્ડીએ કહ્યું હતું કે, વિધાન પરિષદના સભ્ય કવિતાને પાંચ મહિનામાં જામીન મળવા પર શંકા છે, જ્યારે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને 15 મહિના પછી જામીન મળ્યા છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હજુ સુધી જામીન મળ્યા નથી.






