ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIRના બીજા તબક્કાનો પ્રારંભ, 3 નવેમ્બર સુધી ચાલશે આ કાર્યક્રમ
બિહારની સફળતા બાદ હવે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પત્રકાર પરિષદ યોજીને રાષ્ટ્રવ્યાપ

બિહારની સફળતા બાદ હવે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પત્રકાર પરિષદ યોજીને રાષ્ટ્રવ્યાપી SIRની જાહેરાત કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે મતદાર યાદીઓના ખાસ સઘન સુધારા (SIR) નો બીજો તબક્કો 12 રાજ્યોમાં શરૂ કરવામાં આવી રહ્યો છે. આ તબક્કામાં મતદાર યાદી અપડેટ કરવી, નવા મતદારો ઉમેરવા અને ભૂલો સુધારવાનો સમાવેશ થશે.
દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું, "આજે અમે SIRના બીજા તબક્કાની શરૂઆતની જાહેરાત કરવા માટે આવ્યા છીએ. હું બિહારના મતદારોને મારી શુભેચ્છાઓ પાઠવું છું અને આ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેનારા અને તેને સફળ બનાવનારા 7.5 કરોડ મતદારોને સલામ કરું છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પંચે તમામ 36 - રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના- ચૂંટણી અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને પ્રક્રિયાની વિગતવાર ચર્ચા કરી હતી.
ગુજરાત-રાજસ્થાન સહિત 12 રાજ્યોમાં SIR ઃ ગુજરાત, અંદમાન અને નિકોબાર, છત્તીસગઢ, ગોવા, કેરળ, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, પુંડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે દેશમાં છેલ્લો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) 21 વર્ષ પહેલાં હાથ ધરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બધા પાત્ર મતદારોને SIRમાં સામેલ કરવામાં આવશે અને અયોગ્ય મતદારોને મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચૂંટણી પંચે કહ્યું કે, SIRના બીજા તબક્કા દરમિયાન બહાર રહેતા લોકો ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
અત્યાર સુધીમાં 8 વખત થયું SIR
અત્યાર સુધીમાં દેશમાં 1951 થી 2004 વચ્ચે 8 વખત SIR થયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, 'રાજકીય પક્ષોએ અનેક વખત મતદાર યાદીની ગુણવત્તાનો મુદ્દો ઉઠાવ્યો છે.' બિહારમાં SIR તબક્કો સરળતાથી પસાર કરી ચૂક્યા છીએ. એમાંથી ઘણું શીખવા મળ્યું. બિહારમાં 7.5 કરોડ લોકોએ ચૂંટણી પંચ સાથે ખભેખભા મિલાવીને કામ કર્યું તો કોઈ મુશ્કેલી પડી નથી.
BLO દરેક મતદારોના ઘરે ઓછામાં ઓછા ત્રણ વખત મુલાકાત લેશે
જ્ઞાનેશ કુમારે કહ્યું કે, 'આ પ્રક્રિયા દરમિયાન બૂથ લેવલ ઓફિસર (BLO) દરેક મતદારોના ઘરે ઓછામાં ઓછા ત્રણ વખત મુલાકાત લેશે, જેથી નવા મતદારોને યાદીમાં જોડી શકાય અને કોઈ પણ ભૂલને સુધારી શકાય. BLO ઘરે-ઘરે જઈને Form-6 અને Declaration Form એકઠા કરશે, નવા મતદારોને ફોર્મ ભરવામાં મદદ કરશે અને તેમને ERO (ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર) અથવા AERO (આસિસ્ટન્ટ ERO)ને સોંપશે.
બીજા તબક્કાની ટ્રેનિંગ મંગળવારથી શરૂ થશે. સાથે જ તમામ મુખ્ય ચૂંટણી અધિકારી (CEOs) અને જિલ્લા ચૂંટણી અધિકારી (DEOs)ને નિર્દેશ અપાયા છે કે તેઓ આગામી બે દિવસમાં રાજકીય પક્ષો સાથે મળીને SIR પ્રક્રિયાની માહિતી આપી દે.
ચૂંટણી પંચે એ પણ નિર્દેશ આપ્યા છે કે મતદારો- ખાસ કરીને વૃદ્ધો, બીમાર, દિવ્યાંગ (PwD), ગરીબ અને નબળા વર્ગને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય, તેના માટે લોકોની તૈનાતી કરાશે જેથી તેમને વધુમાં વધુ મદદ મળી શકે. કોઈપણ મતદાન કેન્દ્રમાં 1200થી વધુ મતદારો નહીં હોય.'








