Video: ચૂંટણી ઢંઢેરો તૈયાર કરનાર દિગ્ગજ નેતા જ ભાજપમાં જોડાયા! પંજાબ કોંગ્રેસમાં મોટું ભંગાણ, હરિયાણા CM ની હાજરીમાં પહેર્યો કેસરીયો

પંજાબ વિધાનસભા ચૂંટણી (2027) પહેલા રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીને અત્યંત મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. પંજાબ કોંગ્રેસની મેનિફેસ્ટો કમિટી (ચૂંટણી ઢંઢેરા સમિતિ) ના કો-ચેરમેન અને દિગ્ગજ નેતા હરદયાલ સિંહ કંબોજે કોંગ્રેસનો હાથ છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP) નો કેસરીયો ધારણ કરી લીધો છે.
દિગ્ગજ નેતાઓની હાજરીમાં BJP માં જોડાયા
ભાજપ કાર્યાલય ખાતે આયોજિત એક કાર્યક્રમમાં હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, ભાજપના પંજાબ પ્રભારી સતીશ પૂનિયા અને પંજાબ ભાજપના અધ્યક્ષ કેવલ સિંહ ધિલ્લોનની ઉપસ્થિતિમાં હરદયાલ સિંહ કંબોજને વિધિવત રીતે પાર્ટીની સદસ્યતા અપાવવામાં આવી હતી.
કોંગ્રેસ માટે મોટું નુકસાન કેમ?
હરદયાલ સિંહ કંબોજ પંજાબ કોંગ્રેસમાં મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા હતા અને આગામી ચૂંટણી માટે પાર્ટીનો ઢંઢેરો (Manifesto) તૈયાર કરનારી મુખ્ય સમિતિના સહ-અધ્યક્ષ હતા. ચૂંટણીની તૈયારીઓ વચ્ચે આટલા મહત્વના હોદ્દા પર રહેલા નેતાનું પક્ષ છોડીને ભાજપમાં જોડાવું એ કોંગ્રેસની રણનીતિ અને સંગઠન માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ, હરદયાલ સિંહ કંબોજના આગમનથી પંજાબમાં પોતાનું સંગઠન મજબૂત કરી રહેલી ભારતીય જનતા પાર્ટીને મોટું બળ મળ્યું છે.












