Video: તમે ફોર્મ ભરો, હું પણ ભરીશ; થઈ જાય આમને-સામને મુકાબલો' અયોધ્યા બેઠક પરથી ચૂંટણી લડવા મુદ્દે CM યોગીએ અખિલેશ યાદવને આપ્યો ખુલ્લો પડકાર!

સમાજવાદી પાર્ટી (SP) ના વડા અખિલેશ યાદવ દ્વારા અયોધ્યા બેઠક પરથી ચૂંટણી લડવા અંગે અપાયેલા પડકારનો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આકરા શબ્દોમાં જવાબ આપ્યો છે. ગોરખપુર ખાતે નિવેદન આપતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અખિલેશ યાદવને સીધા મુકાબલા માટે લલકાર્યા છે.
'તમે ઉમેદવારી નોંધાવો, હું પણ નોંધાવીશ'
અખિલેશ યાદવના પડકાર પર પ્રતિક્રિયા આપતા CM યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, "જો તમે ત્યાંથી (અયોધ્યાથી) ઉમેદવારી નોંધાવશો, તો હું પણ મારી ઉમેદવારી નોંધાવીશ. ચાલો, સીધો આમને-સામને મુકાબલો થઈ જાય." તેમનામાં સામી છાતીએ લડવાની હિંમત નથી, કારણ કે કમજોર વ્યક્તિ હંમેશા પાછળથી વાર કરે છે."
માફિયા અને સુરક્ષા મુદ્દે કર્યા આકરા પ્રહાર
સમાજવાદી પાર્ટીના અગાઉના શાસનકાળ પર પ્રહારો કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આક્ષેપ લગાવ્યો હતો કે, "આ એ જ લોકો છે જેમણે માફિયાઓના જોરે ઉત્તર પ્રદેશને કચડી નાખ્યું હતું, યુવાનોની રોજગારી સાથે ચેડાં કર્યા હતા અને આપણી દીકરીઓ તેમજ વેપારીઓની સુરક્ષાને જોખમમાં મૂકી હતી."
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના રાજકારણમાં અયોધ્યા બેઠક હંમેશા ચર્ચાના કેન્દ્રમાં રહી છે. અખિલેશ યાદવના નિવેદન બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આ વળતા પ્રહારથી રાજ્યનું રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે. બીજી તરફ, સમાજવાદી પાર્ટી દ્વારા પણ અગાઉ રાજ્ય સરકારની નીતિઓ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઈને સતત સવાલો ઉઠાવવામાં આવ્યા છે.










