રસોડામાં વંદા-માખીઓ અને એક્સપાયર્ડ માલનો કાળો કારોબાર! મહારાષ્ટ્ર FDA ની લાલ આંખ, મુંબઈ-પુણે સહિત રાજ્યભરમાં ₹2.23 કરોડનો ખાદ્ય જથ્થો સીઝ

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે રાજ્યવ્યાપી સપાટો બોલાવ્યો છે. FDA દ્વારા સમગ્ર રાજ્યમાં હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન 23 ફૂડ બિઝનેસના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ₹2.23 કરોડની કિંમતનો શંકાસ્પદ તેમજ ભેળસેળયુક્ત ખાદ્ય જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પુણેમાં 8 બિન-નોંધાયેલા (Unregistered) વિક્રેતાઓને ધંધો બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
થિનરથી એક્સપાયરી ડેટ ભૂંસવાના કૌભાંડનો પર્દાફાશ
થાણે જિલ્લાના ભિવંડી ખાતે આવેલી 'DXP વેન્ચર્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ' પર દરોડા પાડીને FDA એ ₹2.06 કરોડનો ખાદ્ય જથ્થો જપ્ત કર્યો છે. તપાસમાં સામે આવ્યું હતું કે અહીં આયાતી ખાદ્ય ચીજો પર છપાયેલી મેન્યુફેક્ચરિંગ ડેટ, એક્સપાયરી ડેટ અને મહત્તમ છૂટક કિંમત (MRP) ને થિનર કેમિકલ વડે ભૂંસી નાખીને તેના પર નવી તારીખો છાપવામાં આવતી હતી. જપ્ત કરાયેલા જથ્થામાં એનર્જી ડ્રિંક્સ, સ્પાર્કલિંગ વોટર, સોડા, સાઉદી કોકટેલ અને A2 બિલોના દેશી ઘી સહિત 14 પ્રકારની પ્રોડક્ટ્સ સામેલ છે. સ્થળ પરથી થિનર કેમિકલ અને સ્ટેમ્પિંગ મશીનરી પણ મળી આવી છે.
કયા શહેરમાં કેટલા લાયસન્સ સસ્પેન્ડ થયા? FDA ના નિવેદન મુજબ, રાજ્યના વિવિધ વિભાગોમાં નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવી છે.
પુણે: 10 લાયસન્સ સસ્પેન્ડ (જે.એમ. રોડ ખાઉ ગલીમાં 17 એકમોની તપાસ કરી 8 વિક્રેતાઓને ધંધો બંધ કરવાની નોટિસ અને કુલ ₹2.40 લાખનો દંડ ફટકારાયો).
બૃહન્મુંબઈ વિભાગ: 6 એકમોના લાયસન્સ સસ્પેન્ડ.
પંઢરપુર (સોલાપુર): કાર્તિકી વારી પહેલા હોટલ, મીઠાઈ અને પ્રસાદની 54 દુકાનોની તપાસ બાદ 4 એકમોના લાયસન્સ સસ્પેન્ડ અને 20 સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા.
અન્ય શહેરો: નાગપુર, નાસિક અને છત્રપતિ સંભાજીનગરમાં 1-1 એકમનું લાયસન્સ સસ્પેન્ડ.
પ્રતિબંધિત ગુટખા-પાન મસાલા સામે પણ કાર્યવાહી
આ ઉપરાંત, કોંકણ વિભાગમાં પ્રતિબંધિત ગુટખા, પાન મસાલા અને સુગંધિત તમાકુનો ₹16.43 લાખનો જથ્થો જપ્ત કરી 3 FIR નોંધવામાં આવી છે, 2 દુકાનો સીલ કરાઈ છે અને 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે થાણે, રાયગઢ અને પુણેમાંથી 106 કિલો ચા મિક્સ, ઘી અને જેલી પોપનો જથ્થો પણ જપ્ત કરાયો છે.
તપાસમાં મળી આવેલી ગંભીર બેદરકારીઓ
FDA ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન રસોડામાં અત્યંત ગંદકી, વંદા અને માખીઓનો ઉપદ્રવ, કાચા અને રાંધેલા ખોરાકને યોગ્ય રીતે અલગ ન રાખવો, ગંદા સાધનો, ખુલ્લા ઈલેક્ટ્રિક વાયર અને કર્મચારીઓના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટનો અભાવ જેવી ગંભીર ખામીઓ જોવા મળી હતી. FDA કમિશનર તુકારામ મુંઢેએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે એક્સપાયર્ડ કે ચેડાં કરેલા ખાદ્ય પદાર્થો વેચનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે.












