રામપુર પહોંચતા જ આઝમ ખાનનો હુંકાર: 'હવે ચૂંટણી નહીં, ઈન્કલાબ થશે'

મહિનાઓના જેલવાસ બાદ મુક્ત થયેલા સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા અને મહાસચિવ આઝમ ખાને બુધવારે મોડી સાંજે પોતાના ગઢ રામપુરમાં પગ મૂકતાની સાથે જ રાજકીય ગરમાવો લાવી દીધો છે. રામપુર પહોંચતા જ પોતાના આક્રમક તેવર બતાવતા તેમણે હુંકાર કર્યો હતો કે, "હવે ચૂંટણી નહીં પણ ઈન્કલાબ થશે અને બદલાવ નહીં પણ સૈલાબ આવશે." આકાશ તરફ આંગળી ચીંધીને માત્ર અલ્લાહ પર ભરોસો હોવાનો સંકેત આપતા આઝમ ખાને કેદ થયેલા બંધારણને આઝાદ કરાવવા માટે સૌને એકજૂથ થઈ સંઘર્ષ કરવાની હાકલ કરી હતી.
ગાઝિયાબાદની ડાસના જેલમાંથી મુક્ત થયા બાદ આઝમ ખાન રાત્રે લગભગ 10:15 વાગ્યે રામપુર પહોંચ્યા હતા. ત્યારબાદ રાત્રે લગભગ 10:40 વાગ્યે તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, આ દેશમાં લોકો ધર્મ અને જાતિના નામે નહીં લડે, પરંતુ મુદ્દાઓ પર લડાઈ થશે. બંધારણ અને કાયદા માટે અમારા જેવા લોકો ગઈકાલે પણ મરવા તૈયાર હતા, આજે પણ છીએ અને આવતીકાલે પણ રહીશું. આઝમે કહ્યું કે, દેશમાં નારો લાગ્યો હતો - ત્રણ માફિયા. તેમણે સવાલ કર્યો કે, શું હું માફિયા છું? બાળકો માટે સ્કૂલ અને યુનિવર્સિટી ખોલનાર માફિયા હોઈ શકે?
તેમણે વધુમાં કહ્યું કે, જેટલી પણ બંધારણીય સંસ્થાઓ છે, તેમણે પોતાની શાખ પર વિચાર કરવો જોઈએ. તેમની પ્રતિષ્ઠા કેટલી ઘટી ગઈ છે, તેના પર તેમણે વિચારવું પડશે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ તેમના વિશે શું અભિપ્રાય ધરાવે છે તે જોઈને સંસ્થાઓએ પોતાનું સ્તર જાળવી રાખવું જોઈએ. આઝમે કહ્યું કે, જો મદન મોહન માલવીય અને સર સૈયદ અહમદના સમયમાં ED, આવકવેરા વિભાગ અને સત્તામંડળો હોત તો તેઓ પણ જેલમાં હોત અને યુનિવર્સિટી બનાવી શક્યા ન હોત.
ભાજપ 2027 ની ચૂંટણી હારી ચૂક્યું છે
સપાના રાષ્ટ્રીય મહાસચિવ મોહમ્મદ આઝમ ખાને દાવો કર્યો કે ભાજપ 2027 ની વિધાનસભા ચૂંટણી હારી ચૂક્યું છે. ગાઝિયાબાદમાં ઉમટેલી સમર્થકોની ભીડ, રામપુર સુધી પહોંચેલો કાફલો અને નિવાસસ્થાને એકઠા થયેલા લોકોને જોઈને સ્પષ્ટ દેખાય છે કે આ એક મોટો સૈલાબ છે. આઝમ ખાને કહ્યું કે લોકસભા અને MLC ચૂંટણીના પરિણામો સૌએ જોયા છે. ભાજપે જે બેઠકો જીતી છે, તેમાં પણ બેઈમાની થઈ છે.
ગાઝિયાબાદથી રામપુર સુધી ઠેર-ઠેર સ્વાગત
પૂર્વ કેબિનટ મંત્રી આઝમ ખાનની રામપુર વાપસી પર બુધવારે સમર્થકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. સેંકડો ગાડીઓના કાફલા સાથે ગાઝિયાબાદની ડાસના જેલથી રવાના થઈને રામપુર પહોંચેલા આઝમ ખાનનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત થયું હતું. સમર્થકોએ ફૂલો વરસાવ્યા હતા અને આતશબાજી કરીને તેમનું અભિવાદન કર્યું હતું. ગાંધી સમાધિથી લઈને તેમના નિવાસસ્થાન સુધી સમર્થકોની ભીડ ઉમટી પડી હતી. લોકો કલાકોથી તેમની એક ઝલક મેળવવાની રાહ જોઈને ઊભા હતા.
આઝમ ખાનના સ્વાગત માટે ગાંધી સમાધિ, કોસી પુલ, દલપતપુર ટોલ પ્લાઝા અને જિલ્લા જેલની સામે મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા. તેમના નિવાસસ્થાનની બહાર પણ લોકોનો જમાવડો લાગ્યો હતો. સમર્થકોના હાથમાં આઝમ ખાન અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવની તસવીરો વાળા પોસ્ટર હતા. કાફલો પહોંચતા જ નારેબાજી તેજ થઈ ગઈ હતી. રસ્તામાં ઘણી જગ્યાએ આઝમ ખાને કારનો કાચ નીચે ઉતારીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને તેમની સાથે હાથ મિલાવ્યા હતા. ભીડના કારણે કાફલો ઘણીવાર રોકાયો હતો, પરંતુ સમર્થકોનો ઉત્સાહ ઓછો થયો ન હતો.
બે પાનકાર્ડ કેસમાં 11 મહિના અને 14 દિવસ બાદ મળી હતી મુક્તિ
17 નવેમ્બર 2025 ના રોજ આઝમ ખાન અને અબ્દુલ્લા આઝમને બે પાનકાર્ડ કેસમાં MP-MLA મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી સજા થઈ હતી. ત્યારબાદ આઝમ ખાનને જિલ્લા જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. અહીંથી 11 મહિના અને 14 દિવસ બાદ 31 ઓક્ટોબરે તેમને મુક્તિ મળી હતી. જોકે, જેલમાંથી બહાર આવ્યાની લગભગ 20 મિનિટ બાદ જ ED એ તેમને કસ્ટડીમાં લઈ લીધા હતા અને પોતાની સાથે લઈ ગઈ હતી.
ત્રીજી વખત જેલમાંથી મળી મુક્તિ
સપાના રાષ્ટ્રીય મહાસચિવ મોહમ્મદ આઝમ ખાન 31 ઓક્ટોબરે ભલે માત્ર 20 મિનિટ માટે જ સળિયાની બહાર રહ્યા હતા, પરંતુ હવે 18 દિવસ બાદ તેઓ ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકશે. હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ બુધવારે તેમને ગાઝિયાબાદની ડાસના જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ પહેલા આઝમ ખાન ત્રણ વખત જેલની બહાર આવી ચૂક્યા છે. જેમાં એક વખત લગભગ 27 મહિના, બીજી વખત 23 મહિના અને ત્રીજી વખત 11 મહિના 14 દિવસ જેલમાં રહ્યા બાદ તેમને મુક્તિ મળી હતી.
હાઈકોર્ટના આદેશ પર ગત 31 ઓક્ટોબરે આઝમ ખાન પોતાના પુત્ર અબ્દુલ્લા આઝમ સાથે 11 મહિના બાદ સળિયાની બહાર આવ્યા હતા. પરંતુ, તે સમયે તેઓ માત્ર 20 મિનિટ જ ખુલ્લી હવામાં શ્વાસ લઈ શક્યા હતા. તેઓ સાંજે 6:57 વાગ્યે જિલ્લા જેલમાંથી બહાર આવ્યા હતા અને 7:17 વાગ્યે એક કેસમાં ED એ તેમને કસ્ટડીમાં લઈ લીધા હતા. ત્યારથી તેઓ ગાઝિયાબાદની જેલમાં જ બંધ હતા. હવે હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ તેમને મુક્તિ મળી છે. આ રીતે 18 દિવસ બાદ તેઓ ફરી ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકશે.













