Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The panchayat fined ₹1 lakh to the rapist of a 3-year-old girl, and threw a party with the collected money!

૩ વર્ષની બાળકીના દુષ્કર્મીને પંચાયતે ₹૧ લાખનો દંડ ફટકારી છોડી મૂક્યો, વસૂલેલા પૈસાથી પાર્ટી કરી!

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
૩ વર્ષની બાળકીના દુષ્કર્મીને પંચાયતે ₹૧ લાખનો દંડ ફટકારી છોડી મૂક્યો, વસૂલેલા પૈસાથી પાર્ટી કરી!
સોર્સ : gstv

ઝારખંડના ગુમલા જિલ્લામાંથી કાયદો અને વ્યવસ્થા તેમજ સમગ્ર માનવતાને હચમચાવી મૂકે તેવો એક અત્યંત શરમનાક કિસ્સો સામે આવ્યો છે. એક 3 વર્ષની માસૂમ બાળકી સાથે થયેલા શોષણનો ગંભીર ગુનાની પોલીસને જાણ કરવાના બદલે ગામના કેટલાક પ્રભાવશાળી લોકોએ પંચાયત બેસાડી દીધી હતી. પંચાયતે નરાધમ આરોપી પર 1 લાખ રૂપિયાનો આર્થિક દંડ ફટકારીને આ જઘન્ય અપરાધને ગામમાં જ રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં, આરોપી પાસેથી તાત્કાલિક વસૂલવામાં આવેલા 20 હજાર રૂપિયામાંથી કેટલાક તત્વોએ દારૂ અને માસની પાર્ટી પણ કરી હોવાનો સનસનાટીભર્યો આરોપ લાગ્યો છે. ગામના જ એક જાગૃત નાગરિકે પોલીસને ગુપ્ત માહિતી આપતાં આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે.

App Store

રૂમમાં લઈ જઈ નરાધમે આચર્યું પાપ

આ ઘટના ઘાઘરા પોલીસ સ્ટેશન વિસ્તારના પલમા ગામની છે. પોલીસના જણાવ્યા અનુસાર, સાંજે આશરે 4 વાગ્યે આરોપી સુનિલ લોહરા પીડિત બાળકીના ઘરે પહોંચ્યો હતો. તે સમયે બાળકી તેની માતા સાથે એકલી જ હતી. આરોપીએ બાળકીની માતાને ભરોસો આપ્યો કે, "તું તારું કામ કર, ત્યાં સુધી બાળકીને હું સંભાળીશ". મહિલાએ વિશ્વાસ રાખીને બાળકી સોંપી દીધી, ત્યારબાદ આરોપી માસૂમને લઈને એક રૂમમાં ગયો હતો. થોડીવાર પછી બાળકીના રડવાનો જોરજોરથી અવાજ સાંભળીને માતા રૂમમાં દોડી ગઈ તો બાળકી ગંભીર હાલતમાં લોહીલુહાણ મળી આવી હતી. બાળકી સાથે શોષણ થયું હોવાની આશંકા જતાં જ પરિવારમાં હોબાળો મચી ગયો હતો.

પોલીસને બોલાવવાના બદલે બેસાડી પંચાયત, દંડના પૈસાથી જલસા

શોષણ જેવી ગંભીર ઘટના બાદ કાયદાકીય પગલાં લેવાના બદલે ગામના કેટલાક આગેવાનોએ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પહેલા બાળકીને ખાનગી ડૉક્ટર પાસે લઈ જવાઈ અને ત્યારબાદ રવિવારે ગામમાં પંચાયત મળી હતી. પંચાયતના નિર્ણય મુજબ, આરોપી સુનિલ લોહરા પર 1 લાખ રૂપિયાનો દંડ નખાયો, જેમાંથી તેણે 20 હજાર રૂપિયા રોકડા ચૂકવ્યા અને બાકીના 80 હજાર રૂપિયા એક અઠવાડિયામાં આપવાનું નક્કી થયું. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પંચાયતના આ ગેરકાયદે ફેંસલા બાદ કેટલાક લોકો એ જ 20 હજાર રૂપિયાની રકમથી ગામમાં દારૂ અને મીટની પાર્ટી કરીને જશ્ન મનાવી રહ્યા હતા.

માતાની ફરિયાદના આધારે FIR, પંચાયતના પંચો પણ તપાસના દાયરામાં

ગામના એક વ્યક્તિની સચોટ બાતમી મળતાં જ ઘાઘરા પોલીસ સ્ટેશનના પ્રભારી મોહન કુમાર પોલીસ કાફલા સાથે તુરંત પલમા ગામ પહોંચ્યા હતા અને દારૂની મહેફિલ વચ્ચે જ નરાધમ આરોપી સુનિલ લોહરાને દબોચી લીધો હતો. ગામના લોકોના દબાણને કારણે પોલીસ સ્ટેશને ન પહોંચી શકતી પીડિત બાળકીની માતાનું પોલીસે ગામમાં જ નિવેદન નોંધ્યું અને તેના આધારે એફઆઈઆર (FIR) નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાળક વિરુદ્ધનાં ગુના અત્યંત ગંભીર

પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે બાળકો વિરૂદ્ધ થતા જાતીય ગુનાઓ અત્યંત ગંભીર શ્રેણીમાં આવે છે અને તેમાં પંચાયતનો કોઈ પણ નિર્ણય કે આર્થિક સમજૂતી કાયદેસર રીતે માન્ય નથી. પોલીસ હવે એ વાતની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે પંચાયત કોણે બોલાવી હતી અને ક્યા લોકોએ પીડિત પરિવાર પર દબાણ લાવીને પુરાવા નાશ કરવાનો કે ગુનો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં સામેલ તમામ પંચાયતના સભ્યો સામે પણ કડક કાનૂની ગાળિયો કસાશે.

મને બેઠકની કોઈ જાણ નહોતી મુખીની સ્પષ્ટતા

બીજી તરફ, આ મામલે વિવાદ વધતા અરંગી પંચાયતના મુખી લોદો એક્કાએ જણાવ્યું કે પલમા ગામમાં યોજાયેલી આ બેઠક વિશે તેમને અગાઉથી કોઈ જ માહિતી નહોતી. જ્યારે પોલીસ ગામમાં આવી અને આખો મામલો બહાર આવ્યો, ત્યારે જ તેમને આ ઘટનાની ખબર પડી હતી. તેમણે આ ગેરકાનુની પંચાયતના નિર્ણયથી પોતાનો છેડો ફાડ્યો હતો.