Video: વોટ ચોરી છુપાવવા માટે સરકાર સીમાંકન બિલ લાવી રહી છે: રાહુલ ગાંધી

લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સીમાંકન બિલ મુદ્દે કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી સરકારના ઈરાદાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. જેમાં તેમણે કહ્યું કે, 80 ટકા લોકો માને છે કે મત ચોરી થાય છે. સરકાર છેલ્લા 10 વર્ષથી મત ચોરીને ચૂંટણી જીતી રહી છે. અમે તે રસ્તો બંધ કરી દીધો છે, તેથી તેમણે એક નવી યોજના બનાવી છે. તેઓ એક નવો માર્ગ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ ચૂંટણી મેપ ફરીથી તૈયાર કરવા અને દેશને સરમુખત્યારશાહી તરફ લઈ જવા માગે છે, પરંતુ અમે આવું થવા દઈશું નહીં.
સર્વપક્ષીય સીમાંકન પંચની માગ
રાહુલે કહ્યું કે, જાતિ આધારિત વસ્તી ગણતરીને બાજુ પર મૂકી દેવામાં આવી છે અને 2027ની વસ્તી ગણતરીને બિનજરૂરી બનાવી દેવામાં આવી છે. શા માટે? કારણ કે તેનાથી એવી હકીકતો સામે આવશે જે અત્યંત અસહજ કરનારી છે, એવી હકીકતો જેને ભાજપ જોવા માગતું નથી. પરિણામે તેઓ 2011ની વસ્તી ગણતરીના આધારે આગળ વધવા માગે છે. જેમાં 2051 સુધી બધું સ્થગિત રહેશે. આનો સીધો અર્થ એ છે કે આગામી 40 વર્ષ સુધી સામાજિક ન્યાયની તમામ આશાઓ છોડી દેવી પડશે.
SC, ST અને OBC સમુદાયોના અધિકારોને નબળા પાડ્યા
જાતિ આધારિત વસ્તી ગણતરી પર રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકાર SC, ST અને OBC સમુદાયોના અધિકારોને નબળા પાડી રહી છે અને લઘુમતીઓને સત્તાહીન બનાવી રહ્યા છે. SC અને ST માટેની બેઠકોનો હિસ્સો 40 વર્ષ સુધી સ્થગિત રહેશે. એટલે કે તેમની વસ્તીમાં વધારો થાય તેમ છતાં તેઓની બેઠકોની સંખ્યા સ્થિર રહેશે. સ્પષ્ટ છે કે, તેઓ નથી ઈચ્છતા કે જાતિ આધારિત વસ્તી ગણતરીના તારણો સામે આવે. અમે સર્વપક્ષીય સીમાંકન પંચની માગ કરીએ છીએ. મહિલાઓ માટેનું અનામત માત્ર 850 બેઠકો પર જ નહીં, પરંતુ તમામ 543 સંસદીય બેઠકો પર લાગુ થવું જોઈએ અને તેમાં OBC માટે પેટા કોટાનો પણ સમાવેશ થવો જોઈએ.
ચૂંટણી પંચ પર કબજો કરી લેવામાં આવ્યો છે
રાહુલ ગાંધીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અને જ્ઞાનેશ કુમારને ભારતની ચૂંટણી મતવિસ્તારોની સીમાઓ પોતાની મરજી મુજબ ફરીથી નક્કી કરવાની સંપૂર્ણ છૂટ આપવાનો તેઓનો ઉદ્દેશ્ય છે. જેનઝી ખાસ ધ્યાને લે કે ભારતનો મેપ બદલીને આવું જ કંઈક થવા જઈ રહ્યું છે, જેનાથી આ ગુનેગારો અને ચોરોને દેશને લૂંટવાનું ચાલુ રાખવાની અને તમારું ભવિષ્ય બરબાદ કરવાની તક મળશે. સીમાંકન પંચ પર નજર નાખો. તેમાં જ્ઞાનેશ કુમાર એક સભ્ય છે અને તેમની સાથે સુપ્રીમ કોર્ટના એક ભૂતપૂર્વ ન્યાયાધીશ છે, જેમને ખાસ મોદી અને શાહ દ્વારા પસંદ કરવામાં આવ્યા છે.














