Ola-Uber ની બાદશાહત ખતમ? બેંગલુરુમાં વિયેતનામી કંપનીની ગ્રીન ટેક્સી એન્ટ્રીથી ટેક્સી યુનિયનો રસ્તા પર!

ભારતના આઈટી હબ ગણાતા બેંગલુરુના રાઈડ-હેલિંગ માર્કેટમાં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. વિયેતનામના સૌથી મોટા બિઝનેસ જૂથ પૈકીના એક એવા 'વિનગ્રૂપ' (Vingroup) ની ઇલેક્ટ્રિક ટેક્સી સેવા Green SM ને કર્ણાટક ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (RTO) તરફથી કામગીરી શરૂ કરવા માટે સત્તાવાર મંજૂરી (એગ્રીગેટર લાયસન્સ) મળી ગઈ છે. જોકે, આ વિદેશી કંપનીના પ્રવેશ સામે સ્થાનિક કેબ ડ્રાઇવરો અને ટેક્સી યુનિયનોમાં ભારે રોષ ફેલાયો છે અને તેમણે આ એન્ટ્રી સામે મોરચો માંડ્યો છે.
ગ્રીન એસએમ (Green SM) સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો (EV) આધારિત ટેક્સી સેવા પૂરી પાડે છે, જે પ્રદૂષણમુક્ત અને આધુનિક મુસાફરીનો અનુભવ આપવા માટે જાણીતી છે. કર્ણાટક સરકારના નિયમોનું પાલન કર્યા બાદ RTO દ્વારા કંપનીને લાયસન્સ મંજૂર કરવામાં આવ્યું છે. કંપની ભારતીય બજારમાં પગપેસારો કરીને ઓલા (Ola), ઉબેર (Uber) અને રેપિડો (Rapido) જેવા સ્થાપિત ખેલાડીઓને સીધી સ્પર્ધા આપવાની યોજના બનાવી રહી છે.
બીજી તરફ, સ્થાનિક ટેક્સી યુનિયનો અને ઓટો-કેબ ચાલકોએ આ પગલાનો સખત વિરોધ શરૂ કર્યો છે. યુનિયનોનો આરોપ છે કે વિદેશી ભંડોળથી ચાલતી મોટી કંપનીઓના અનિયંત્રિત પ્રવેશથી સ્થાનિક ડ્રાઇવરોની રોજીરોટી છીનવાઈ જશે. તેઓ એવો પણ તર્ક રજૂ કરી રહ્યા છે કે અગાઉથી કાર્યરત એગ્રીગેટર કંપનીઓ સાથે ડ્રાઇવરો કમિશન અને કમાણી મામલે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે નવી વિદેશી કંપનીના આગમનથી સ્પર્ધા અસમાન બનશે. સ્થાનિક કેબ એસોસિએશનોએ રાજ્ય સરકારને અપીલ કરી છે કે તેઓ સ્થાનિક ચાલકોના હિતોનું રક્ષણ કરે અને આ લાયસન્સ અંગે પુનર્વિચાર કરે.





