"હવેથી ઓલા-ઉબર ડ્રાઈવર નહીં માંગી શકે એક્સ્ટ્રા પૈસા! કેન્દ્ર સરકારે આપ્યો આ આદેશ

જો તમે પણ ઓલા, ઉબર કે અન્ય કોઈ એપ દ્વારા કેબ બુક કરો છો અને રાઈડ કન્ફર્મ થતાં પહેલાં જ સ્ક્રીન પર ટિપ અથવા એક્સ્ટ્રા પૈસા ચૂકવવાનો વિકલ્પ દેખાતો હતો, તો હવે એવું નહીં થાય. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તમામ કેબ એગ્રીગેટર્સને તેમના મોબાઈલ એપ અને ડિજિટલ પ્લેટફોર્મ પરથી આ પ્રકારના તમામ ફીચર્સ તાત્કાલિક ધોરણે હટાવી લેવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રાલયનું કહેવું છે કે, સફર શરૂ થતાં પહેલાં એક્સ્ટ્રા પેમેન્ટ માટે દર્શાવવામાં આવતા આવા મેસેજ 'મોટર વહીકલ એગ્રીગેટર ગાઈડલાઈન્સ, 2025'ના નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
એપમાંથી 'એડવાન્સ ટિપ' અને 'ઝડપી રાઈડ'વાળા વિકલ્પો હટાવવા પડશે
સરકારે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે કેબ બુક કરતી વખતે ગ્રાહકો સામે 'એડવાન્સ ટિપ' કે 'ઝડપી રાઈડ મેળવો' જેવા કોઈ પણ વિકલ્પો બતાવી શકાશે નહીં. કેબ કંપનીઓ ગ્રાહકો પર વધારાના પૈસા ચૂકવવાનું દબાણ કરી શકે નહીં, કેમ કે વધારાની રકમ આપવાથી જ ડ્રાઈવર રાઈડ સ્વીકારશે, ઝડપી સર્વિસ મળશે કે વેટિંગ ટાઈમ ઓછો થશે એવું દર્શાવવું ખોટું છે. સરકારનું માનવું છે કે આ પ્રકારના મેસેજ ગ્રાહકો પર ખોટો આર્થિક બોજ બનાવે છે, તેથી એપ્લિકેશનમાં આવા તમામ ઓપ્શન્સ તરત જ બંધ કરવા પડશે.
રાઈડ પૂરી થયા પછી જ આપી શકાશે ટિપ
મોટર વહીકલ એગ્રીગેટર ગાઈડલાઈન્સ, 2025ના ક્લોઝ 14.15નો સંદર્ભ આપતાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે મુસાફર માત્ર મુસાફરી પૂરી થયા બાદ પોતાની મરજીથી ડ્રાઈવરને ટિપ આપી શકે છે. ટિપ આપવી સંપૂર્ણપણે સ્વૈચ્છિક રહેશે. આ ઉપરાંત, મુસાફરે આપેલી ટિપની પૂરેપૂરી રકમ સીધી ડ્રાઈવરને જ મળવી જોઈએ અને કેબ કંપની (એગ્રીગેટર) તેમાંથી કોઈ કમિશન કે રકમ કાપી શકશે નહીં. સાથે જ, એપ પર કોઈ ગેરસમજ ઉભી કરે તેવું ટીપિંગ ફીચર પણ રાખી શકાશે નહીં.
એપ્સને તાત્કાલિક ફેરફાર કરવાના નિર્દેશ
સરકારે તમામ મોટર વહન એગ્રીગેટર્સને તેમના ડિજિટલ પ્લેટફોર્મ અને એપ્સનું તાત્કાલિક રિવ્યુ કરીને નિયમો વિરુદ્ધના તમામ ઈન્ટરફેસ અને ઓપ્શન્સ દૂર કરવા આદેશ આપ્યો છે. મધ્યસ્થ ગ્રાહક સુરક્ષા ઓથોરિટી (CCPA)એ પણ અગાઉ બુકિંગ પહેલાં ટિપ માંગવાની આ પદ્ધતિ સામે વિરોધ નોંધાવ્યો હતો. હવે માર્ગ પરિવહન મંત્રાલયના આ આદેશથી કેબમાં મુસાફરી કરતા લોકોને મોટી રાહત મળશે અને કોઈ પણ જાતના દબાણ કે લાલચ વગર સરળતાથી રાઈડ બુક કરી શકાશે.

