મણિપુરના લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો વધી 15 પર પહોંચ્યો; 150થી વધુ સારવાર હેઠળ, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

મણિપુરના લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો વધી 15 પર પહોંચ્યો; 150થી વધુ સારવાર હેઠળ, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ
તસવીર: Google
આ સમાચાર સાંભળો

મણિપુરના ચંદેલ જિલ્લામાં ઝેરી દારૂ પીવાના કારણે સર્જાયેલી દુર્ઘટનાએ અનેક પરિવારોનો માળો વિખેરી નાખ્યો છે. આ ઘટનામાં મૃત્યુઆંક 8થી વધીને 15 સુધી પહોંચી ગયો છે, જ્યારે અસરગ્રસ્ત થયેલા 181 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા રાજ્યના મુખ્યમંત્રી ખેમચંદ યુમનામે તાત્કાલિક લેમ્ફેલપટ સ્થિત શિજા હોસ્પિટલ અને સજીવા સ્થિત બબીના હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

મુખ્યમંત્રીએ દર્દીઓની મુલાકાત લઈ તબીબી ટીમ રવાના કરી

જાહેરાત

મુખ્યમંત્રી ખેમચંદ યુમનામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર માહિતી આપતા જણાવ્યું હતું કે, તબીબોની સઘન દેખરેખ હેઠળ તમામ દર્દીઓની તપાસ અને સારવાર ચાલી રહી છે. તેમણે બંને હોસ્પિટલોના વહીવટી અધિકારીઓને દર્દીઓને શ્રેષ્ઠ તબીબી સારવાર અને દરેક શક્ય મદદ પૂરી પાડવા કડક નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત, ચંદેલ જિલ્લામાં સારવાર અને રાહત કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે જનરલ મેડિસિનના એક નિષ્ણાતના નેતૃત્વમાં જરૂરી દવાઓના જથ્થા સાથે એક ખાસ મેડિકલ ટીમ રવાના કરવામાં આવી છે.

દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની મુખ્યમંત્રીની ખાતરી

રાજ્યના મુખ્યમંત્રીએ તમામ દર્દીઓ ઝડપથી અને સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરી હતી અને મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરાવશે અને આ દુર્ઘટના માટે જવાબદાર દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવશે.

મેથેનોલ પોઈઝનિંગની પુષ્ટિ

શિજા હોસ્પિટલના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર ડો. ચેતન ખુંડોંગબામે જણાવ્યું હતું કે, દર્દીઓ જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તપાસમાં સામે આવ્યું કે આ 'મેથેનોલ પોઈઝનિંગ'નો મામલો છે, જે મુખ્યત્વે ચકપિકારોંગ વિસ્તાર સાથે જોડાયેલો છે. તેમના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 140 દર્દીઓ આવ્યા છે, જેમાંથી 1 દર્દીને મૃત અવસ્થામાં જ લાવવામાં આવ્યા હોવાથી તેમનું મોત થયું છે. હાલમાં 3 દર્દીઓની હાલત અત્યંત ગંભીર છે અને તેમનું હિમોડાયાલિસિસ ચાલી રહ્યું છે. હોસ્પિટલના તમામ તૈયાર બેડ ભરાઈ ગયા હોવાથી રાજ્ય આરોગ્ય વિભાગ, RIMS અને JNIMS પાસેથી મદદ માંગવામાં આવી છે. જે દર્દીઓને લાઈફ સપોર્ટ કે હિમોડાયાલિસિસની જરૂર છે તેમને અહીં જ રાખીને બાકીના દર્દીઓને અન્ય કેન્દ્રોમાં ખસેડવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીએ પણ હોસ્પિટલની મુલાકાત દરમિયાન રાજ્ય આરોગ્ય વિભાગ તરફથી તમામ મદદની ખાતરી આપી છે.

કાકચિંગ જિલ્લામાંથી દારૂ ખરીદાયો હોવાનો પોલીસનો ખુલાસો

ચંદેલ જિલ્લાના પોલીસ અધિક્ષકે આ મામલે નિવેદન આપતા ખુલાસો કર્યો છે કે મૃતકોએ જે શંકાસ્પદ દારૂ પીધો હતો તે કાકચિંગ જિલ્લાના સુગનૂ વિસ્તારમાંથી ખરીદવામાં આવ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ચંદેલ જિલ્લામાં સ્થાનિક સ્તરે દારૂ બનાવવા કે દેશી દારૂના ઉત્પાદન અંગે કોઈ માહિતી નથી. પોલીસે સત્તાવાર નિવેદન બહાર પાડીને સામાન્ય જનતાને આગામી સૂચના ન મળે ત્યાં સુધી સ્થાનિક સ્તરે બનેલા દારૂનું સેવન ન કરવાની સલાહ આપી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત