ભ્રષ્ટાચારની વિચિત્ર ઘટના, નદી કે રોડ નહીં પણ ખેતરની વચ્ચે બનાવી દીધો પુલ!
બિહારમાં પુલ ધ્વસ્ત થવાની તો અનેક ઘટનાઓ સામે આવી હતી પણ હવે એક વિચિત્ર માહિતી સામે આવી છે. બિહારમાં એવ

બિહારમાં પુલ ધ્વસ્ત થવાની તો અનેક ઘટનાઓ સામે આવી હતી પણ હવે એક વિચિત્ર માહિતી સામે આવી છે. બિહારમાં એવી જગ્યાએ પણ પુલ બાંધવામાં આવી રહ્યા છે કે જ્યાં રોડ કે નદી કઇ જ નથી, માત્ર ખેતરમાં પુલ બાંધવામાં આવ્યો છે. જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બિહારના રાણીગંજ પ્રખંડના પરમાનંદપુર ગામમાં એક ખેતરમાં પુલ બનાવી દેવાયો હતો, આ પુલ મૂળ તો એક સુકાઇ ગયેલી નદી પર અને આશરે ત્રણ કિમીના રોડ માટે બનાવવાનો હતો પણ બિહાર સરકારના હોશિયાર અધિકારીઓએ ખેતરમાં જ તેનું નિર્માણ કામ કરી નાખ્યું. આ પુલ હાલ ધૂળ ખાઇ રહ્યો છે અને તેનો હવે કોઇ જ ઉપયોગ નથી થઇ રહ્યો.
સામાન્ય રીતે નદી નાળા પર કે રોડને જોડવા માટે પુલ બંધાતા હોય છે પણ ખેતરમાં જ પુલ બાંધવાની આ ઘટનાએ ભારે કુતુહલ જગાવ્યું છે. અધિકારીઓની આ વિચિત્ર કારીગરીને કારણે ગ્રામજનો પણ ભારે રોષે ભરાયા છે. ગ્રામજનોનું કહેવુ છે કે આ પુલના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો છે. નદીને બાજુમાં મુકીને એક ખાનગી જમીન પર પુલ બાંધી દેવાયો છે. એટલે કે પુલ કોઇ સરકારી જમીન પર નહીં પણ ગામના જ એક ખેડૂતની જમીન પર બાંધી દેવાયો હતો.
સમગ્ર ઘટનાના અહેવાલો મીડિયા દ્વારા બહાર આવતા અરરિયાના ડીએમ દ્વારા પગલા લેવાયા હતા અને તપાસના આદેશ અપાયા છે. ડીએમ ઇનાયત ખાને ગ્રામીણ કાર્ય વિભાગના અધિકારીઓને તપાસ કરીને રિપોર્ટ સોંપવા કહ્યું હતું. ગામના લોકોનું કહેવુ છે કે કેટલાક વચેટિયાઓનું આ કામ છે, ખુલ્લા ખેતરમાં નદી-રસ્તા વગર જ પુલ તો બનાવી નાખ્યો બાદમાં તેને હટાવવા માટે પણ કોઇ ન આવ્યું.






