PM મોદીની કોર્પોરેટ જગત પરની ટીકાને થરૂરનું સમર્થન, પરંતુ ભ્રષ્ટાચાર મુદ્દે સરકારને ઘેરી; ‘ના ખાઉંગા, ના ખાને દુંગા’ના નારા પર કટાક્ષ

કોંગ્રેસના સાંસદ શશી થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોર્પોરેટ જગત (Corporate India) પર રોજગારી અને પગાર વધારવામાં નિષ્ફળ રહેવા બદલ કરેલી ટીકાનું સમર્થન કર્યું છે. જોકે, આર્થિક સ્થિતિ અને રોજગારીના મુદ્દે સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવવાની સાથે તેમણે ભ્રષ્ટાચાર (Corruption) વધ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. વડાપ્રધાનના જૂના નારા ‘ના ખાઉંગા, ના ખાને દુંગા’ પર પણ તેમણે કટાક્ષ કર્યો હતો. તિરુવનંતપુરમમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન થરૂરે કહ્યું કે વડાપ્રધાને કોર્પોરેટ કંપનીઓને ટેક્સમાં રાહત (Tax Relief) આપ્યા બાદ પણ કંપનીઓએ વધુ રોકાણ, રોજગારીની તકો અને કર્મચારીઓના પગારમાં વધારો કરવાની પોતાની જવાબદારી નિભાવી નથી તેવી વાત કરી છે, તે વાસ્તવિકતા દર્શાવે છે.
ગ્રેજ્યુએટ્સ માટે રોજગારીની સ્થિતિ ચિંતાજનક
થરૂરે દેશમાં રોજગારીની સ્થિતિને ખાસ કરીને કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કરનારા યુવાનો માટે ગંભીર ગણાવી હતી. તેમણે કહ્યું કે હવે IIT જેવા પ્રતિષ્ઠિત સંસ્થાના સ્નાતકોને પણ નોકરી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. અગાઉ આવી સ્થિતિ સાંભળવા મળતી નહોતી. આ બાબત રોજગારીના વાતાવરણ (Employment Environment)ની ગંભીરતા દર્શાવે છે. તેમણે ઉમેર્યું કે સરકાર અને કોર્પોરેટ જગત એકબીજા પર જવાબદારી ઢોળવાને બદલે અર્થતંત્ર (Economy)ને સુધારવા માટે જરૂરી પગલાં લે તે જરૂરી છે.
‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ના દાવા પર સવાલ
કોંગ્રેસ સાંસદે સરકારની નિયમનકારી વ્યવસ્થા (Regulatory Framework)ની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે દેશમાં વ્યવસાય કરવાનું સરળ બન્યું હોવાના દાવા છતાં કંપનીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સરકારે નિયમો સરળ બનાવવા અને વેપાર માટે વધુ અનુકૂળ વાતાવરણ ઊભું કરવા પર ધ્યાન આપવું જોઈએ. થરૂરે વધુમાં દાવો કર્યો કે તેઓ જે ઉદ્યોગપતિઓ સાથે વાત કરે છે, તેમના મતે ભ્રષ્ટાચારની સ્થિતિ પહેલાં કરતાં વધુ ખરાબ થઈ છે.
વડાપ્રધાનના નારા પર કટાક્ષ
વડાપ્રધાન મોદીના ‘ના ખાઉંગા, ના ખાને દુંગા’ના નારા અંગે થરૂરે વ્યંગ કરતાં કહ્યું કે હવે સમજાય છે કે વડાપ્રધાનનો આ નારો માત્ર ‘બીફ’ પૂરતો જ હતો. ઉલ્લેખનીય છે કે 19 નવેમ્બરે ફિક્કી (FICCI)ના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કોર્પોરેટ જગતને સવાલ કર્યો હતો કે સરકાર દ્વારા ટેક્સમાં રાહત આપવામાં આવ્યા બાદ કંપનીઓએ કર્મચારીઓના પગાર કે રોજગારીની સંખ્યામાં વધારો કર્યો છે કે નહીં. તેમણે કંપનીઓને દેશના આર્થિક વિકાસ અને રોજગારી સર્જનમાં વધુ યોગદાન આપવા અપીલ કરી હતી.










