જાણો, ભાજપ પર 'કેશ ફોર વોટ'નો આરોપ લગાવનાર ઠાકુર પરિવારની કહાણી
મતદાનના ગણતરીના કલાકો પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપના કદાવર નેતા

મતદાનના ગણતરીના કલાકો પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપના કદાવર નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર મતદારોને રૂપિયા વહેંચણીનો આરોપ લાગ્યો છે. હિતેન્દ્ર ઠાકુરની બહુજન વિકાસ આઘાડી (BVA)એ આરોપ લગાવ્યો છે.
ભાજપના દિગ્ગજ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર નાલાસોપારામાં રૂપિયા વહેંચવાનો આરોપ લાગ્યો છે. આ સંદર્ભે ચૂંટણી પંચે FIR નોંધાવી છે. ચૂંટણીપંચે તાવડે પાસેથી 9 લાખ રૂપિયા જપ્ત કર્યા છે.
આ પણ વાંચો: Cash For Votes: ભાજપ નેતા વિનોદ તાવડે વિરુદ્ધ પૈસાની વહેંચણીના આરોપમાં FIR દાખલ, ચૂંટણી પંચની કાર્યવાહી
હિતેન્દ્રએ 1988માં રાજકારણમાં એન્ટ્રી કરી હતી
63 વર્ષના હિતેન્દ્રએ 1988માં રાજકારણમાં એન્ટ્રી કરી હતી. કહેવાય છે કે રાજકારણમાં આવતા પહેલા હિતેન્દ્ર પોતાના ભાઈ સાથે ડેરી ફાર્મ ચલાવતા હતા, પરંતુ 1988માં બનેલી એક ઘટના બાદ રાજકારણમાં આવ્યા હતા. આ ઘટના રિયલ એસ્ટેટ બિઝનેસમેન સુરેશ દુબેની હત્યાની હતી. હિતેન્દ્રના ભાઈ જયેન્દ્ર ઉર્ફે ભાઈ ઠાકુર પર હત્યાનો આરોપ હતો. આ હત્યા બાદ પોલીસે ઠાકુર પરિવાર સામે મોરચો ખોલ્યો હતો. પોલીસે ભાઈ ઠાકુર પર દાઉદ ગેંગ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો. કહેવાય છે કે તે સમયે દાઉદ ઠાકુર પરિવારના ઘરે પણ આવતો હતો. જોકે, ઠાકુર પરિવારે હંમેશા આ આરોપોને ફગાવી દીધા હતા.
હિતેન્દ્રએ કોંગ્રેસનો 'હાથ' છોડી BVA પાર્ટી બનાવી
ત્યારબાદ દાઉદ સાથે જોડાયેલો અને ગુના અને પોલીસની ચુંગાલમાં ફસાયેલો ઠાકુર પરિવારના હિતેન્દ્રએ કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. જોકે, બાદમાં તેમણે બહુજન વિકાસ અઘાડી નામની પોતાની પાર્ટી બનાવી.
હિતેન્દ્ર વિરુદ્ધ કુલ 4 કેસ
હિતેન્દ્ર ઠાકુરની પાસે અબજોની સંપત્તિ છે. ચૂંટણી પંચને આપેલી એફિડેવિટ મુજબ, હિતેન્દ્રની જંગમ સંપત્તિ 39 કરોડ રૂપિયા છે. તેમની પત્નીની જંગમ સંપત્તિ 23 કરોડ રૂપિયા છે. હિતેન્દ્રની સ્થાવર મિલકતની કિંમત લગભગ 46 કરોડ રૂપિયા છે. તેમની પત્ની પાસે 24 કરોડની સ્થાવર મિલકત છે. હિતેન્દ્ર વિરુદ્ધ કુલ 4 કેસ નોંધાયેલા છે, જેની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે. પરિવારમાંથી હિતેન્દ્ર ઉપરાંત પુત્ર ક્ષિતિજ અને પુત્રવધૂ પણ રાજકારણમાં છે.
અનેકવાર ભાજપને આપ્યું સમર્થન
PMC બેંક કૌભાંડ કેસમાં હિતેન્દ્ર ઠાકુર EDના રડાર પર છે. 2021માં હિતેન્દ્રના ઘણા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. 2019માં હિતેન્દ્રની પાર્ટીના 3 ધારાસભ્યોએ ચૂંટણી જીતી હતી. હિતેન્દ્રએ અનેકવાર ભાજપને સમર્થન આપ્યું છે. તેમના પુત્ર ક્ષિતિજ નાલાસોપારાથી ત્રણ વખત ધારાસભ્ય ચૂંટાયા છે.








