જમ્મુ-કાશ્મીર/ કુલગામમાં 8 આતંકી ઠાર, 2 જવાન શહીદ, રાજૌરીમાં આર્મી કેમ્પ પર હુમલો
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારતીય સેનાના શિબિર પર આતંકવાદી હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. માંઝકોટ વિસ્

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારતીય સેનાના શિબિર પર આતંકવાદી હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. માંઝકોટ વિસ્તારના ગ્લૂટી ગામમાં આતંકીઓએ સેનાની પોસ્ટ પર તૈનાત જવાન પર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં એક જવાન ઘાયલ થયો હતો.
આ ગોળીબાર દરમિયાન સુરક્ષા ચોકી પર તૈનાત જવાનોએ પણ આતંકવાદીઓ પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટના સવારે 3.50 વાગ્યે બની હતી. અંધારાનો ફાયદો ઉઠાવીને આતંકીઓ ભાગવમાં સફળ રહ્યાં હતા. આતંકીઓને પકડવા માટે સેના અને પોલીસે વિસ્તારમાં તપાસ અભિયાન શરૂ કર્યું છે.
સેનાએ 8 આતંકીઓને ઠાર માર્યા
આ પહેલા જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા હતા જ્યારે સેનાએ 8 આતંકીઓને ઠાર માર્યા હતા. આ પહેલા સેનાને બે અલગ અલગ જગ્યાએ આતંકીઓ હોવાની જાણકારી મળી હતી. તે બાદ સેનાએ આતંક વિરોધી અભિયાન ચલાવ્યું હતું. આ દરમિયાન જ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણને લઇને પોલીસે જાણકારી આપતા જણાવ્યું હતું કે જિલ્લાના ફ્રિસલ ચિન્નિગમ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળ વચ્ચે અથડામણ થઇ હતી.
મહત્ત્વપૂર્ણ છે કે તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં કેટલીક આતંકી ઘટનાઓ સામે આવી છે. આ પહેલા 27 જૂને, જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાના ગંદોહ, ભદ્રવાહ સેક્ટરમાં બુધવારે સુરક્ષા દળો સાથે અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. ગત મહિને 9 જૂને સાંજે જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં આતંકવાદી હુમલા બાદ તીર્થયાત્રીઓ ભરેલી એક બસ ખીણમાં પડી હતી જેમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા હતા અને 33 અન્ય ઘાયલ થયા હતા.







