TCS નાસિક કેસ/ નિદા ખાનની મુશ્કેલી વધી! પતિએ દાખલ કરી છૂટાછેડાની અરજી

ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ની નાસિક યુનિટ સાથે જોડાયેલા ચર્ચાસ્પદ યૌન ઉત્પીડન અને કથિત બળજબરીથી ધર્માંતરણના કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસની મુખ્ય મહિલા આરોપી નિદા ખાનના પતિએ તેમની સામે નાસિકની ફેમિલી કોર્ટ (Family Court)માં છૂટાછેડાની અરજી દાખલ કરી છે. કોર્ટે અરજી પર સંજ્ઞાન લેતા નિદા ખાનને સમન્સ (Summons) પાઠવ્યું છે અને 16 ઓક્ટોબરે વ્યક્તિગત રીતે હાજર રહેવાનો આદેશ આપ્યો છે.
નિદા ખાન પર શું આરોપ છે?
પોલીસ તપાસ મુજબ, નિદા ખાન પર નાસિક સ્થિત TCSના BPO યુનિટમાં કામ કરતી કેટલીક મહિલા કર્મચારીઓ પર ઇસ્લામ ધર્મ અપનાવવા માટે દબાણ કરવાનો આરોપ છે. આ ઉપરાંત તેમના ભાઈ દાનિશ શેખની પ્રથમ પત્ની હોવાની વાત છુપાવવા અને કથિત રીતે મહિલાઓને ગેરમાર્ગે દોરી તેમના શોષણમાં મદદ કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.
આ તમામ આરોપો અંગે તપાસ ચાલી રહી છે અને કોર્ટમાં તેની કાયદાકીય પ્રક્રિયા આગળ વધી રહી છે.
પતિએ દાખલ કરી છૂટાછેડાની અરજી
નિદા ખાનના પતિએ હવે ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી છે. કોર્ટે 22 ઓગસ્ટે જ આ અરજી પર સમન્સ જાહેર કર્યું હતું. હવે નિદા ખાનને 16 ઓક્ટોબરે કોર્ટ સમક્ષ હાજર થઈ પોતાનો પક્ષ રજૂ કરવો પડશે.
પોલીસે કરી હતી ધરપકડ
આ કેસમાં નાસિક પોલીસે નિદા ખાનની ધરપકડ કરી હતી. જોકે, બાદમાં ગર્ભાવસ્થા અને તબીબી કારણોને ધ્યાનમાં રાખીને તેમને કોર્ટમાંથી જામીન (Bail) મળ્યા હતા.
આ સમગ્ર મામલાની તપાસ માટે નાસિક પોલીસે વિશેષ તપાસ ટીમ (SIT) બનાવી છે. SIT દ્વારા કાર્યસ્થળ પર કથિત ઉત્પીડન અને સમગ્ર રેકેટ અંગે તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી તપાસ એજન્સીએ કોર્ટમાં બે વિગતવાર ચાર્જશીટ (Chargesheet) પણ દાખલ કરી છે.
હવે 16 ઓક્ટોબરની સુનાવણી દરમિયાન નિદા ખાન કોર્ટમાં શું રજૂઆત કરે છે અને છૂટાછેડાની અરજીમાં આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેશે.

