બંગાળ વિધાનસભામાં ઋતબ્રત બેનરજીની વિપક્ષના નેતા તરીકેની નિમણૂક રદ, કલકત્તા હાઈકોર્ટે TMCના બળવાખોર જૂથને આપ્યો મોટો ઝટકો

બંગાળ વિધાનસભામાં ઋતબ્રત બેનરજીની વિપક્ષના નેતા તરીકેની નિમણૂક રદ, કલકત્તા હાઈકોર્ટે TMCના બળવાખોર જૂથને આપ્યો મોટો ઝટકો
તસવીર: Google
આ સમાચાર સાંભળો

કલકત્તા હાઈકોર્ટે શુક્રવારે(27 નવેમ્બર) પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ઋતબ્રત બેનરજીની નિમણૂક રદ કરી દીધી છે. જસ્ટિસ કૃષ્ણા રાવની બેન્ચે આ નિર્ણયને કાયદા હેઠળ ટકી શકે તેમ ન હોવાનું જણાવીને સ્પીકરને પુનર્વિચાર કરવા અને કારણદર્શક આદેશ પસાર કરવા નિર્દેશ કર્યો છે. બેન્ચે સ્પીકરને 10 દિવસની અંદર નવો નિર્ણય લેવા તાકીદ કરવામાં આવી છે.

ઋતબ્રત બેનરજીની બંગાળના વિપક્ષના નેતા તરીકેની નિમણૂક હાઈકોર્ટે રદ

જાહેરાત

આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી બાદ, વિધાનસભાના સ્પીકર રથિન્દ્ર બોઝે બળવાખોર તૃણમૂલ કોંગ્રેસ જૂથના નેતા ઋતબ્રત બેનરજીને વિપક્ષના નેતા અને અખરૂઝ્ઝમાનને ચીફ વ્હિપ તરીકે માન્યતા આપી હતી.

સ્પીકરનો નિર્ણય પડકારી કલકત્તા હાઈકોર્ટમાં અરજી કરી

જ્યારે સ્પીકરના આ નિર્ણયને પડકારતા, ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજી અને તેમના ભત્રીજા અભિષેક બેનરજીના નેતૃત્વ હેઠળના જૂથના વરિષ્ઠ નેતા અને  ધારાસભ્ય શોભનદેવ ચટ્ટોપાધ્યાયે કલકત્તા હાઈકોર્ટમાં અરજી કરી હતી.

અગાઉ હાઈકોર્ટે વચગાળાના ધોરણે પદ પર રહેવાની મંજૂરી આપી હતી

અગાઉ, હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ઋતબ્રત બેનરજી અને અખરૂઝ્ઝમાનને બે મહિના માટે વચગાળાના ધોરણે પોતપોતાના પદ પર ચાલુ રહેવાની મંજૂરી આપી હતી.

18 ઓક્ટોબરે વચગાળાની મુદત પૂરી થયા બાદ, ચટ્ટોપાધ્યાયે ફરીથી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને દલીલ કરી હતી કે વચગાળાની વ્યવસ્થા લંબાવવામાં ન આવી હોવાથી બંને ધારાસભ્યોને આ પદો પર ચાલુ રહેવાનો કોઈ કાનૂની અધિકાર નથી.

તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે, બંને ધારાસભ્યો આ પદો ધરાવવા માટે કોઈ કાનૂની સત્તા ન હોવા છતાં વિપક્ષના નેતા અને ચીફ વ્હિપના કાર્યાલય સાથે જોડાયેલા રાજ્ય દ્વારા અપાતા વિશેષાધિકારો માણવાનું ચાલુ રાખી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત