સ્વાતિ માલીવાલે રાહુલ ગાંધી અને શરદ પવારને લખ્યો પત્ર, ગેરવર્તન સામે ન્યાયની કરી માગણી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમાર પર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમાર પર મારપીટનો આરોપ લગાવનારા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ ફરી એક વખત ચર્ચામાં છે. માલીવાલે 'ઈન્ડિયા બલોક'ના તમામ નેતાઓને પત્ર લખ્યો છે.
સ્વાતિ માલીવાલે રાહુલ ગાંધી, શરદ પવારને લખ્યો પત્ર
સ્વાતિ માલીવાલે રાહુલ ગાંધી અને શરદ પવાર સહિત 'ઈન્ડિયા બલોક'ના તમામ મોટા નેતાઓને પત્ર લખીને કહ્યું કે, મેં 8 વર્ષ સુધી દિલ્હી મહિલા આયોગ (DCW)ની અધ્યક્ષતા કરી છે. આ દરમિયાન મેં મહિલાઓ અને બાળકો સામે 1.7 લાખથી વધુ ફરિયાદો પર સુનાવણી કરી છે. પરંતુ કમનસીબે સાંસદ બન્યા બાદ 13 મેના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના PAએ મારી સાથે મારપીટ કરી. આ ઘટના બાદ મેં પોલીસમાં ફરિયાદ નોંધાવાનું પગલું ભર્યું. પરંતુ આવી સ્થિતિનાં મારું સમર્થન કરવાના બદલે મારી પોતાની જ પાર્ટીના નેતાઓ અને સ્વયંસેવકોએ મારું ચરિત્ર હનન કરવાનું શરૂ કર્યું.
https://twitter.com/SwatiJaiHind/status/1802955524939579417
સ્વાતિ માલીવાલે કહ્યું કે, કોઈનાથી ડર્યા વિના અને કોઈની સામે ઝૂક્યા વિના મેં મહિલા આયોગને એક ખૂબ ઊંચા સ્થાને પહોંચાડ્યું છે. પરંતુ અફસોસની વાત એ છે કે, પહેલા મુખ્યમંત્રીના ઘરે મારી સાથે મારપીટ કરવામાં આવી અને પછી મારું ચરિત્ર હરણ કરવામાં આવ્યું. તેમણે આગળ કહ્યું કે, મારી પ્રતિષ્ઠા, ચરિત્ર અને વિશ્વસનીયતાને ધૂમિલ કરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવવાનું શરૂ કર્યું. મારા વિરુદ્ધ ફેલાવવામાં આવેલા જૂઠને કારણે મને રેપ અને હત્યાની ધમકી મળી રહી છે. હું ઈચ્છું છું કે, આ મામલે ચર્ચા માટે મને તમારી સાથે મુલાકાત કરવાનો સમય આપવામાં આવે. હું તમારા જવાબની રાહ જોઈશ.
વિભવ કુમાર પર શું છે આરોપ?
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે CM આવાસમાં તેમની સાથે મારપીટ થઈ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આ આરોપ કેજરીવાલના PA વિભવ કુમાર પર લગાવ્યો છે. પાર્ટીના નેતા સંજય સિંહે બાદમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્વાતિ માલીવાલ સાથે થયેલી ઘટનાને સંજ્ઞાનમાં લીધી છે અને તેઓ આ મામલે સખત કાર્યવાહી કરશે. સંજય સિંહે જણાવ્યું હતું કે, સ્વાતિ માલીવાલ સોમવારે સીએમ કેજરીવાલને મળવા આવ્યાં હતાં. તેઓ ડ્રોઈંગ રૂમમાં રાહ જોઈ રહ્યાં હતાં. ત્યારબાદ વિભવ કુમાર ત્યાં પહોંચી ગયા અને સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તન કર્યું.
આ પહેલા સોમવારે દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, સ્વાતિ માલીવાલ સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં આવ્યાં હતાં અને મુખ્યમંત્રી કેજરીવાલના PA પર સીએમ હાઉસમાં હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે આ મામલે FIR નોંધી તપાસ હાથ ધરી છે. સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કરવાના આરોપી વિભવ કુમાર દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે. 18 મેના રોજ તીસ હજારી કોર્ટે તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. ત્યારબાદ સિવિલ લાઈન પોલીસ સ્ટેશનમાં પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેણે તીસ હજારી કોર્ટમાં વચગાળાની જામીન અરજી પણ કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી.






