મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે બે નામની થઇ સરપ્રાઇઝ એન્ટ્રી! ભાજપ હાઇકમાન્ડ ચોંકાવી શકે

મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને બંને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે બે નામની થઇ સરપ્રાઇઝ એન્ટ્રી! ભાજપ હાઇકમાન્ડ ચોંકાવી શકે

મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને બંને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથેની બેઠક છતાં, નવી સરકારની રચના અંગેની સ્થિતિ સ્પષ્ટ ન હોવાથી રાજ્યમાં અટકળોએ જોર પકડ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 132 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હોવા છતાં હજુ સુધી તેના ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી કરી શક્યું નથી. આ પ્રક્રિયામાં વિલંબને કારણે હવે ભાજપ મુખ્યમંત્રી પદ માટે નવો ચહેરો રજૂ કરશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ મહાયુતિનું 'મહાભારત'/ શિંદે સાથે ભાજપનો સંપર્ક તૂટ્યો! વતનમાં જવા પાછળનું સામે આવ્યું કારણ

આ નેતાઓના નામની થઈ રહી છે ચર્ચા

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાના એક સપ્તાહ બાદ હજુ સીએમ પદનું નામ નક્કી થઈ શક્યું નથી. મહાયુતિમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના એકનાથ શિંદે રેસમાં મુખ્ય નામ છે, પરંતુ હવે જે નામો ચર્ચા થઈ રહ્યા છે તેનાથી રાજકીય ગરમાવો વધ્યો છે. જો ફડણવીસ-શિંદે સીએમ નહીં બને તો બીજા કોનું નામ હોઈ શકે? આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત અન્ય કેટલાક નેતાઓના નામ પણ ભાજપ દ્વારા મુખ્યમંત્રી પદ માટે લેવાનું શરૂ થઈ ગયું છે. જેમાં અન્ય પછાત વર્ગમાંથી આવતા પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે અને મરાઠા સમુદાયમાંથી આવતા પૂણેના સાંસદ અને કેન્દ્ર સરકારના રાજ્યમંત્રી મુરલીધર મોહોલના નામનો સમાવેશ થાય છે.

ભાજપની સ્ટ્રેટેજી મુજબ કોઈ નવું જ નામ પણ આવી શકે 

દરમિયાન સોશિયલ મીડિયા પર અચાનક મુખ્યમંત્રી પદ માટે કેન્દ્રીય રાજ્ય મંત્રી મુરલીધર મોહોલનું આવ્યું છે. ભાજપની સ્ટ્રેટેજી મુજબ કોઈ નવું જ નામ પણ આવી શકે છે. ત્યારે સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે મુરલીધર મોહોલ સાંસદ પદ પરથી સીધા મુખ્યમંત્રી પદ મેળવીને લોટરી જીતવા જઈ રહ્યા છે. જો કે ખુદ મુરલીધર મોહોલે આ સમાચારને નકારી કાઢ્યા છે.

સાંસદે કર્યો ખુલાસો

સોશિયલ મીડિયા પર એવી જોરદાર ચર્ચા છે કે, મહારાષ્ટ્રના લોકો પહેલીવાર સાંસદ મુરલીધર મોહોલને મુખ્યમંત્રી બનતા જોવા માંગે છે. જોકે, પુણેના સાંસદે પોતે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આ વાતને નકારી કાઢી હતી. તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ માટે સોશિયલ મીડિયા પર મારા નામની સતત ચર્ચા થઈ રહી છે, જે સાચા સમાચાર નથી. અમે ભાજપના નેતૃત્વમાં લડ્યા. અમારા નેતા દેવેન્દ્ર ફડણવીસ છે. અમારી પાર્ટીના નિર્ણયો સોશિયલ મીડિયા દ્વારા નહીં, પરંતુ સંસદીય બોર્ડમાં સર્વસંમતિથી લેવામાં આવે છે. એકવાર સંસદીય બોર્ડમાં નિર્ણય લેવામાં આવે તે પછી પક્ષનો અંતિમ નિર્ણય બધા માટે સર્વોચ્ચ હોય છે. એટલે સોશિયલ મીડિયા પર મારા નામની ચર્ચા અર્થહીન છે.  

કોણ છે ચંદ્રશેખર બાવનકુલે 

મહારાષ્ટ્રમાં શિંદે- ફડણવીસ નહીં તો મુખ્યમંત્રી કોણ? એવા સવાલો વચ્ચે વધુ એક નામ ચંદ્રશેખર બાવનકૂલેનું પણ આવ્યું છે. ચંદ્રશેખર બાવનકુલે મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ છે. તેઓ કામઠી વિધાનસભા બેઠક પરથી ચોથી વખત ચૂંટણી જીત્યા છે. વિધાનસભા ચૂંટણી 2024માં બાવનકુલેએ કોંગ્રેસના ઉમેદવાર સુરેશ ભોયરને 40946 મતોથી હરાવ્યા હતા. 2014થી 2019 સુધી બાવનકુલે દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં મંત્રી તરીકે હતા. પરંતુ 2019ની વિધાનસભા ચૂંટણીમાં તેમની ટિકિટ રદ કરી દેવાઈ હતી. 

બાવનકુલે તેલી સમુદાયના છે.જે વિદર્ભ પ્રદેશમાં બીજી સૌથી મોટી OBC શ્રેણી છે. બાવનકુલેના કારણે આ સમુદાય ભાજપની નજીક છે. ભાજપે ચંદ્રશેખર બાવનકુલે 2022માં મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. બાવનકુલેને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નજીકના માનવામાં આવે છે. બાવનકુલે નાગપુર ભાજપના ઉપાધ્યક્ષ અને અધ્યક્ષ બંને રહી ચૂક્યા છે. કામઠી વિધાનસભામાં સંગઠન સચિવ તરીકે પણ કામ કર્યું. બાવનકુલે નાગપુર જિલ્લા પરિષદના સભ્ય પણ રહી ચૂક્યા છે.

ફડણવીસના નામ પર પણ કોઈ નિશ્ચિતતા વ્યક્ત કરવામાં આવી નથી

ભાજપ કોઈ નવા જ ચહેરાને સીએમ તરીકે જાહેર કરે તેવી પણ શક્યતા છે. અમિત શાહ સાથેની બેઠકમાં મુખ્યમંત્રી ભાજપના જ હશે તેવા સંકેતો જ આપવામાં આવ્યા છે. પરંતુ મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસના નામ પર પણ કોઈ નિશ્ચિતતા વ્યક્ત કરવામાં આવી નથી. બેઠકમાં ભાજપ, એનસીપી અને શિવસેનાના નેતાઓ મુંબઈ પરત ફરીને સરકાર બનાવવાની પ્રક્રિયા પર વાતચીત શરૂ કરશે. પરંતુ દિલ્હીથી પરત ફર્યા બાદ શિવસેના નેતા એકનાથ શિંદે શુક્રવારે સવારે જ પોતાના વતન જતા રહ્યા. શિવસેનાના મુંબઈ સ્થિત નેતાઓએ કહ્યું કે સરકારની રચના માટે કોઈપણ વાટાઘાટો ભાજપ વિધાયક દળના નેતાની પસંદગી કર્યા પછી જ આગળ વધી શકે છે. 

5 ડિસેમ્બરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની શપથવિધિ યોજાઇ શકે 

પરંતુ હાલની અટકળો મુજબ મુખ્યમંત્રી શપથ સમારોહ માટેની જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 5 ડિસેમ્બરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની શપથવિધિ યોજાઇ શકે છે. મુંબઇના આઝાદ મેદાનમાં મુખ્યમંત્રીના શપથવિધિની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. મંડપ તૈયાર છે પરંતુ મુખ્યમંત્રી કોણ તે હજુ નક્કી નથી. મહારાષ્ટ્રના મંત્રી મંડળમાં મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી અને અન્ય મળી કૂલ 23 મંત્રી બનશે.

શુક્રવારે પણ દિવસભર ધારાસભ્યોને નેતાઓની પસંદગી માટે બોલાવવામાં આવ્યા ન હતા. આનાથી સ્પષ્ટ થાય છે કે આગામી બે દિવસ સુધી ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે નહીં. આ પ્રક્રિયામાં વિલંબને કારણે હવે ભાજપ મુખ્યમંત્રી પદ માટે નવો ચહેરો રજૂ કરશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો