મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

‘જ્યારે તમે હારો ત્યારે જ EVM સાથે ચેડાં થાય છે?' સુપ્રીમે બેલેટ પેપરથી ચૂંટણીની અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે મંગળવારે EVM(ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ના બદલે બેલેટ પેપર મારફત ચૂંટણી કરાવવા

‘જ્યારે તમે હારો ત્યારે જ EVM સાથે ચેડાં થાય છે?' સુપ્રીમે બેલેટ પેપરથી ચૂંટણીની અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે મંગળવારે EVM(ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ના બદલે બેલેટ પેપર મારફત ચૂંટણી કરાવવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે ઝાટકણી કાઢતાં કહ્યું કે, ‘જ્યારે તમે ચૂંટણી હારી જાઓ છો, ત્યારે ઈવીએમ સાથે ચેડાં થઈ જાય છે. અને જીતો તો કોઈ ફરિયાદ કરતાં નથી.’ કોર્ટે અરજી ફગાવતા કહ્યું કે, આ એ જગ્યા નથી જ્યાં આ બધી ચર્ચાઓ માટે સમય બગાડો છો. 

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં કારમા પરાજય બાદ કોંગ્રેસ દેશભરમાં કાઢશે બેલેટ પેપરયાત્રા, EVMનો વિરોધ

 અરજદારે કહ્યું કે, 'આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ, પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ પણ દાવો કર્યો હતો કે, ઈવીએમને હેક કરી શકાય છે. ઈલોન મસ્કે પણ ઈવીએમ હેક થતું હોવાનો દાવો કર્યો હતો.' જણાવી દઈએ કે, ખ્રિસ્તી ધર્મના પ્રચારક તથા પોતાને રાજકીય વિશ્લેષક ગણાવતાં કે.એ પોલ દ્વારા કરવામાં આવેલી અરજીમાં લોકતંત્રની રક્ષા માટે ફરીથી બેલેટ પેપર મારફત ચૂંટણી કરવાની જરૂરિયાત દર્શાવાઈ હતી.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટની બેન્ચે અરજી ફગાવતાં કહ્યું કે, 'જ્યારે ચંદ્રબાબુ નાયડૂ કે રેડ્ડી હારી જાય છે, તો તેઓ ઈવીએમ સાથે ચેડાં થયા હોવાનો દાવો કરે છે, પરંતુ જ્યારે જીતે છે, ત્યારે કઈ કહેતા નથી. અમે આવું બેવડું વલણ કેવી રીતે ચલાવી લઈએ? આ અરજીને અમે રદ કરીએ છીએ.' જસ્ટિસ નાથે જણાવ્યું કે, 'આ એ સ્થળ નથી કે, જ્યાં તમે વિવાદ કરી શકો.'

ચૂંટણી પંચને કડક વલણ અપનાવવા માગ

અરજીમાં બેલેટ પેપરથી મતદાન કરવા ઉપરાંત અનેક દિશા-નિર્દેશોની માગ કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી પંચને કડક વલણ અપનાવવા માગ કરાઈ છે. જો કોઈ ઉમેદવાર ચૂંટણી દરમિયાન મતદાતાઓને પૈસા, દારૂ કે અન્ય ભૌતિક સાધનોની લાંચ આપતો ઝડપાય તો તેને ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી અયોગ્ય જાહેર કરવામાં આવે.

અરજદારે કેવો દાવો કર્યો?

અરજદાર કે.એ. પોલે સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, 'આ એક PIL છે. હું એવા સંગઠનનો અધ્યક્ષ છું કે, જે 3 લાખથી વધુ અનાથો અને 40 લાખ વિધવાઓની મદદ કરે છે. બેન્ચે આ મુદ્દે ફટકાર લગાવ્યો કે, 'તો તમે રાજકારણમાં કેમ ઉતર્યા છો? તમારૂ કાર્યક્ષેત્ર તદ્દન અલગ છે.'

પોલ દ્વારા બીજી દલીલ કરવામાં આવી કે, 'તે 150થી વધુ દેશોમાં પ્રવાસ કરી ચૂક્યો છે, જ્યાં બેલેટ પેપરથી મતદાન થાય છે. ભારતે પણ તેનું અનુસરણ કરવુ જોઈએ. દેશના 32 ટકા શિક્ષિત લોકો મતદાન કરતાં નથી, તે આપણા દેશની વિડંબના દર્શાવે છે.'તો બેન્ચે સામો સવાલ કર્યો કે, કેમ તમે વિશ્વ કરતાં અલગ દેખાવા માગતા નથી.

આ સમાચાર શેર કરો