મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રમાં કારમા પરાજય બાદ કોંગ્રેસ દેશભરમાં કાઢશે બેલેટ પેપરયાત્રા, EVMનો વિરોધ

કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ માટે દેશવ્યાપી

મહારાષ્ટ્રમાં કારમા પરાજય બાદ કોંગ્રેસ દેશભરમાં કાઢશે બેલેટ પેપરયાત્રા, EVMનો વિરોધ

કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ માટે દેશવ્યાપી અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે.તેમણે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે ચૂંટણી બેલેટ પેપરથી જ થાય અને તેના માટે અમે ભારત જોડો યાત્રાની જેમ દેશભરમાં પ્રચાર કરીશું. 'હું એક વાત કહીશ કે ઓબીસી, એસસી, એસટી અને નબળા વર્ગના લોકો તેમની પૂરેપૂરી તાકાતથી જે વોટ આપી રહ્યા છે તેનો વ્યય થઈ રહ્યો છે. અમે કહીએ છીએ કે, બધું છોડી દો અને બેલેટ પેપર દ્વારા મતદાન કરવાની માંગ કરો. એ લોકોને મશીન તેમના ઘરમાંરાખવા દો. અમદાવાદમાં ઘણા વેરહાઉસ બનેલા છે, ત્યાં મશીનો લઈ જઈને રાખી દે. અમારી એક જ માંગ છે કે ચૂંટણી બેલેટ પેપરથી થવી જોઈએ. જો આમ થશે તો આ લોકોને ખબર પડશે કે તેઓ ક્યાં છે.

પાર્ટી અધ્યક્ષે કહ્યું, 'હું કહું છું કે અમારી પાર્ટીએ એક અભિયાન શરૂ કરવું જોઈએ અને તમામ પાર્ટીઓને પણ આ બાબતે સાથે લેવા જોઈએ. અમે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રાની જેમ સમગ્ર દેશમાં આ અભિયાન ચલાવીશું.' આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ જાતિ ગણતરીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી જાતિ આધારિત વસ્તી ગણતરીથી ડરે છે. પરંતુ તેઓએ સમજવું જોઈએ કે સમાજનો દરેક વર્ગ તેનો હિસ્સો માંગે છે અને તેની માંગ કરી રહ્યો છે.

સંસદમાં બે દિવસ બંધારણ અંગે ચર્ચા થવી જોઈએ

ખડગેએ કહ્યું કે, જો તમે ખરેખર દેશમાં એકતા ઈચ્છતા હોવ તો તમારે નફરત ફેલાવવાનું બંધ કરવું પડશે. એટલું જ નહીં, બંધારણ દિવસના અવસર પર મલ્લિકાર્જુન ખડગેએ એવી માંગ પણ ઉઠાવી હતી કે, સંસદમાં બે દિવસ બંધારણ અંગે ચર્ચા થવી જોઈએ. જેથી લોકોને બંધારણની સાચી જાણકારી મળે અને તેને કેવી રીતે સુરક્ષિત કરી શકાય તેની પણ ચર્ચા થઈ શકે.

મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ બાદ વિપક્ષે EVM પર ઉઠાવ્યા સવાલ

જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની જોરદાર જીત બાદ વિપક્ષી પાર્ટીઓએ ફરી એકવાર ઈવીએમનો મુદ્દો ઉઠાવ્યો છે. ઉદ્ધવ સેનાના સંજય રાઉતનું કહેવું છે કે, મહારાષ્ટ્રમાં ફરીથી ચૂંટણી થવી જોઈએ અને જો બેલેટ પેપરથી મતદાન થશે તો સાચું પરિણામ આવશે. આ વખતે તો શરદ પવારે પણ ઈવીએમ ઉપર શંકા વ્યક્ત કરી છે. જણાવી દઈએ કે, ચૂંટણી પંચે દરેક ચૂંટણી પરિણામો બાદ EVMને લઈને ઉઠેલી શંકાઓને વારંવાર નકારી કાઢી છે.

આ સમાચાર શેર કરો