મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સંજીવ ભટ્ટની અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકારી નોટિસ, જાણો શું છે ઘટના?

પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટની અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસે જવા

સંજીવ ભટ્ટની અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકારી નોટિસ, જાણો શું છે ઘટના?

પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટની અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો છે. 1990માં કસ્ટડીમાં મોત મામલે સંજીવ ભટ્ટને દોષી ઠેરવવા અને આજીવન કેદની સજા સંભળાવવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ પ્રસન્ના બી વરાલેની પીઠે કહ્યું, 'નોટિસનો ચાર અઠવાડિયામાં જવાબ આપવામાં આવે.'

બેન્ચે આ કેસમાં પેન્ડિંગ અન્ય અરજીઓ સાથે પિટિશનને સૂચિબદ્ધ કરી હતી.સંજીવ ભટ્ટે તેમની અપીલ ફગાવવાના ગુજરાત હાઈકોર્ટના 9 જાન્યુઆરી, 2024ના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. હાઈકોર્ટે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 302 (હત્યા), 323 (સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડવી) અને 506 (ગુનાહિત ધાકધમકી) હેઠળ સંજીવ ભટ્ટ અને સહ-આરોપી પ્રવીણસિંહ ઝાલાની સજાને યથાવત રાખી હતી.

સંજીવ ભટ્ટ અને પ્રવીણ સિંહ ઝાલા જેલમાં

હાઇકોર્ટે રાજ્ય સરકારની અપીલને ફગાવી દીધી હતી જેમાં પાંચ અન્ય આરોપીઓની સજા વધારવાની માંગ કરવામાં આવી હતી જેમને હત્યાના આરોપમાંથી છોડી મુકવામાં આવ્યા હતા પરંતુ IPCની કલમ 323 અને 506 હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા હતા. સંજીવ ભટ્ટ અને પ્રવીણ સિંહ ઝાલા જેલમાં છે. કોર્ટે જેલમાંથી છોડવામાં આવેલા પાંચ અન્ય આરોપીઓના જામીન બોન્ડ રદ કરી દીધા છે.

સંજીવ ભટ્ટે 150 લોકોને કસ્ટડીમાં લીધા હતા

સંજીવ ભટ્ટ અને પ્રવીણ સિંહ ઝાલાને 20 જૂન 2019માં જામનગરની સત્ર કોર્ટે હત્યાના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા.તત્કાલીન અધિક પોલીસ અધિક્ષક સંજીવ ભટ્ટે 30 ઓક્ટોબર, 1990ના રોજ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની 'રથયાત્રા'ને રોકવાના વિરોધમાં 'બંધ'ના એલાન પછી જામજોધપુર શહેરમાં કોમી રમખાણો દરમિયાન 150 લોકોની અટકાયત કરવામાં આવી હતી.

અટકાયત કરાયેલ વ્યક્તિમાંથી એક પ્રભુદાસ વૈશ્નાનીનું જેલમાંથી છૂટ્યા બાદ હૉસ્પિટલમાં મોત થયું હતું. વૈશ્નાનીના ભાઇએ સંજીવ ભટ્ટ અને અન્ય છ પોલીસ અધિકારીઓ પર તેના ભાઇને કસ્ટડીમાં ટોર્ચર કરવાનો અને તેના મોતનું કારણ બનવાનો આરોપ લગાવ્યો હતો. સંજીવ ભટ્ટની પાંચ સપ્ટેમ્બર, 2018માં એક અન્ય કેસમાં ધરપકડ કરવામાં આવી હતી જેમાં તેમના પર ડ્રગ્સ રાખવા માટે એક વ્યક્તિને ફસાવવાનો આરોપ છે. આ કેસમાં સુનાવણી ચાલુ છે.

આ સમાચાર શેર કરો