'ખેડૂતો સાથે તાત્કાલિક વાત કરીને રસ્તો કાઢવાનો નિર્દેશ', સુપ્રીમ કોર્ટે શંભુ બોર્ડર મુદ્દે બનાવી કમિટી
છેલ્લા 202 દિવસથી શંભુ બોર્ડર પર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અંગે એક

છેલ્લા 202 દિવસથી શંભુ બોર્ડર પર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અંગે એક સમિતિની રચના કરીને મહત્ત્વનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે શંભુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને લઈને મહત્વનો નિર્ણય સંભળાવતા કહ્યું કે, વિરોધ કરી રહેલા ખેડૂતોની ફરિયાદોનું સમાધાનકારી નિરાકરણ લાવવું જોઈએ. આ માટે કોર્ટે પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિનું નેતૃત્વ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ નવાબ સિંહ કરશે.
સુપ્રીમ કોર્ટે કમિટીને એક સપ્તાહમાં બેઠક બોલાવવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કમિટિને એમ પણ કહ્યું કે, તે તાત્કાલિક શંભુ બોર્ડર જઈને તેને ખોલવા માટે ખેડૂતો સાથે વાતચીત કરે. સર્વોચ્ચ અદાલતે ખેડૂતોને કહ્યું કે, આ મુદ્દે રાજનીતિ કરવાથી બચે અને ગેરવાજબી માંગણીઓ પણ ના કરે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈ પાવર કમિટીએ બોર્ડર પર જઈને વિરોધ કરી રહેલા ખેડૂતો મળે. સમિતિએ ખેડૂતોને તેમના ટ્રેક્ટર દૂર કરવા વિનંતી કરવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે આશા વ્યક્ત કરી કે, જો ખેડૂતોની સમસ્યાઓને યોગ્ય રીતે સાંભળવામાં આવશે તો ખેડૂતો પણ સમિતિની વાત યોગ્ય રીતે સાંભળશે. અને પોતાના ટ્રેક્ટર્સ ત્યાંથી હટાવી લેશે. એનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે ખેડૂતોને રાજકીય પક્ષોથી અંતર રાખવાની પણ ચેતવણી આપી હતી. કોર્ટે પોતાના આદેશમાં વધુમાં કહ્યું કે પંજાબ અને હરિયાણા દ્વારા સૂચવવામાં આવેલા તમામ નામો તેમના વિશિષ્ટ ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત અને પ્રમાણિક છે. અમે ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ વિશે પણ જાણીએ છીએ.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, અમે ધ્યાનમાં લીધું છે કે બંને રાખ્યોમાં ખેડૂતોની મોટી વસતી છે. તે ગરીબી રેખા નીચે જીવે છે અને સહાનુભૂતિને પાત્ર છે. આ મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે ટૂંક સમયમાં ખેડૂતોની ફરિયાદોના સમાધાનકારી ઉકેલ માટે બહુ-સદસ્ય સમિતિની રચના કરશે. સુપ્રીમ કોર્ટે 12 ઓગસ્ટે પંજાબ સરકારને શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોને રસ્તા પરથી ટ્રેક્ટર અને ટ્રોલીઓ હટાવવા માટે સમજાવવા કહ્યું હતું. સુપ્રીમે એમ પણ કહ્યું હતું કે, હાઈવે રોડ કોઈ પાર્કિંગની જગ્યા નથી.








