'આરોપી 100 દિવસથી કસ્ટડીમાં છે', કેજરીવાલના PA વિભવ કુમારને સુપ્રીમે આપ્યા જામીન
સુપ્રીમ કોર્ટે રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટ મામલે કેજરીવાલના અંગત સચિવ રહેલા વિભવ કુમાર

સુપ્રીમ કોર્ટે રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટ મામલે કેજરીવાલના અંગત સચિવ રહેલા વિભવ કુમારને જામીન આપી દીધા છે. સુપ્રીમ કોર્ટ તરફથી કેટલીક શરતો સાથે વિભવ કુમારને આ રાહત મળી છે. વિભવ કુમારની જામીન અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, આરોપી 100 દિવસથી વધુ સમયથી કસ્ટડીમાં છે.
સુપ્રીમે કહ્યું કે, કેજરીવાલના અંગત સચિવ વિભવ કુમાર સામે મેડિકલ રિપોર્ટ મુજબ આ સામાન્ય ઈજાનો કેસ છે. અને આરોપી છેલ્લા 100 દિવસથી કસ્ટડીમાં છે. જો કે દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં વિભવ કુમારના જામીનનો વિરોધ કરતા કહ્યું કે, આ કેસમાં હજુ ઘણા મહત્વના સાક્ષીઓને રજૂ કરવાના બાકી છે. વિભવ કુમાર પુરાવા અને સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. આ અંગે કોર્ટે કહ્યું કે, અમે એવી શરતો મુકીશું કે તે એવું ના કરી શકે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના અંગત સચિવ રહેલા વિભવ કુમારની 18 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. વિભવ કુમાર પર AAP રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે સીએમ આવાસ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. 12 જુલાઈએ હાઈકોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે આ શરતો સાથે જામીન આપ્યા હતા
- આરોપીઓએ સીએમના ઘર અને ઓફિસે ના જવું.
- મહત્વપૂર્ણ સાક્ષીઓના નિવેદન ઝડપથી નોંધવા.
- 3 મહિનાની અંદર ટ્રાયલ કોર્ટમાં મહત્વપૂર્ણ સાક્ષીઓના નિવેદનો દાખલ કરો.
- આરોપીને એવું કોઈ પદ ન આપવું જેનાથી તે કેસને પ્રભાવિત કરી શકે.
- વિભવને સીએમના અંગત સચિવ કે આવી કોઈ પોસ્ટ ન આપવી.
- આરોપીઓ અને તેની સાથે જોડાયેલા લોકોએ આ કેસ બાબતે ટિપ્પણી ન કરવી.
- જે પાર્ટી સાથે આરોપી સંકળાયેલ છે તેના નેતાઓ આ કેસ પર ટિપ્પણી ના કરે.
- કોર્ટ (પોલીસ વકીલને) - જો આરોપી સહકાર ન આપે તો તમે અરજી દાખલ કરી શકો છો.






