મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સુપ્રીમ કોર્ટે કેજરીવાલને આપ્યો ઝટકો, વચગાળાના જામીન અરજીની તાત્કાલિક સુનાવણી નહીં કરે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. જસ્ટિસ એએસ ઓકની અધ્

સુપ્રીમ કોર્ટે કેજરીવાલને આપ્યો ઝટકો, વચગાળાના જામીન અરજીની તાત્કાલિક સુનાવણી નહીં કરે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. જસ્ટિસ એએસ ઓકની અધ્યક્ષતાવાળી બેંચે કેજરીવાલના સ્વાસ્થ્ય તપાસ માટે વચગાળાના જામીન 7 દિવસ લંબાવવાની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની ના પાડી દીધી છે. એટલું જ નહીં બેંચે મોડેથી અરજી દાખલ કરવા અંગે પણ સવાલ ઉઠાવ્યા છે. 

કોર્ટે કહ્યું કે, 17 મેના રોજ મુખ્ય બાબત પર આદેશ સુરક્ષિત રખાયો છે. આ બેંચના એક જજ ગત સપ્તાહે વેકેશન બેંચમાં હતા. એ સમયે તમે આ માંગ કેમ ના રાખી. વેકેશન બેન્ચે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીને ચીફ જસ્ટિસને સુનાવણી માટે વિનંતી કરવા કહ્યું હતું.

 1 જૂન સુધી વચગાળાના જામીન પર છે કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ED દ્વારા કથિત દારૂ નીતિ કૌભાંડમાં મની લોન્ડરિંગના આરોપમાં 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલે પોતાની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે 10 મેથી 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. તેમણે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે. 

કેજરીવાલે પોતાની અરજીમાં શું કહ્યું?

કેજરીવાલે પોતાની અરજીમાં દાવો કર્યો છે કે ધરપકડ બાદ તેમનું 7 કિલો વજન ઘટી ગયું છે. આટલું જ નહીં તેમનું કીટોન લેવલ પણ વધી ગયું છે. આવી સ્થિતિમાં, આ લક્ષણો ગંભીર હોઈ શકે છે. મેક્સના ડોક્ટરોએ તેમની તપાસ કરી છે. હવે PET-CT સ્કેન અને અન્ય કેટલાક ટેસ્ટ કરાવવાની જરૂર છે. આવી સ્થિતિમાં સીએમ કેજરીવાલે આ તપાસ કરવા માટે 7 દિવસનો સમય માંગ્યો છે.

સુપ્રીમ કોર્ટે 17 મેના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ સમય દરમિયાન, કોર્ટે તેમને નિયમિત જામીન માટે નીચલી કોર્ટમાં જવાની મંજૂરી આપી હતી. તપાસ એજન્સીએ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મનીષ સિસોદિયાની પણ ધરપકડ કરી છે. તે અત્યારે જેલમાં છે. આ કેસમાં AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. જોકે તેમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે.

આ સમાચાર શેર કરો